આપણા સ્વાતંત્ર્ય નાયકો : સુભાષચંદ્ર બોઝ
- સુભાષચંદ્ર બોઝ વેશ બદલીને જેલમાંથી નાસી છૂટયા. વાયા પેશાવર થઈ કાબૂલ પહોંચ્યા. ત્યાંથી જર્મન જઈ હિટલરને મળ્યા. હિટલરે તેમનું સ્વાગત કરી 'હિન્દના સરનશીન' તરીકે ઓળખાવ્યા.
સુભાષચંદ્ર બોઝનો જન્મ ૨૩ જાન્યુઆરી ૧૮૯૭ના રોજ કટકમાં થયો હતો. લંડનમાં ચોથા ક્રમે આઈ.સી.એસ.ની પરીક્ષા પાસ કરનારા તેઓ તેજસ્વી વિદ્યાર્થી હતા. આ ડીગ્રી દ્વારા તેમણે ધાર્યું હોત તો દેશમાં અઢળક ધન અને માન કમાઈ શક્યા હોત, પરંતુ આ સ્વમાની માણસને અંગ્રેજ સરકારની ગુલામી સ્વીકાર્ય નહોતી. બાળપણમાં એમણે પોતાને 'બ્લેક' કહીને સંબોધનારા અંગ્રેજ શિક્ષકને લાફો મારી દીધેલો. સ્વામી વિવેકાનંદના ગ્રંથોથી પ્રભાવિત થઈ એક દિવસ ગુરુની શોધમાં હિમાલય ભણી ચાલી નીકળ્યા. પરંતુ પોતાને જે ગુરુની શોધ હતી એ ન મળતા પાછા આવતા રહ્યા. ફરી અભ્યાસમાં મન પરોવ્યું. વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા. ત્યાંથી આઈ.સી.એસ.ની પરીક્ષા પાસ કરી. લંડનથી પાછા ફર્યા ત્યારે દેશમાં અસહકારનું આંદોલન ચાલી રહ્યું હતું. દીકરો આઈ.સી.એસ.ની પરીક્ષા પાસ કરીને આવ્યો હોવાથી પિતાને એની પાસેથી બહુ મોટી આશા હતી. પરંતુ પિતાની નિરાશાની પરવા કર્યા વગર સુભાષચંદ્ર અસહકારના આંદોલનમાં કૂદી પડયા. કોંગ્રેસના સવિનય કાનૂનભંગમાં ભાગ લેવા બદલ જેલમાં ગયા. છૂટયા. ફરીને પકડાયા. ૧૯૩૨માં ત્રાસવાદીઓના મદદકર્તાનો આરોપ લગાવી તેમને દેશ બહાર અલીપોરની જેલમાં મોકલી આપવામાં આવ્યા. ચાર વર્ષે ત્યાંથી છૂટયા. બીજે વર્ષે હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં પ્રમુખ બન્યા. પછીના વર્ષે ત્રિપુરા કોંગ્રેસ અધિવેશનમાં ગાંધીજીના ઉમેદવાર પટ્ટાભી સીતારામૈયાને હરાવી પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા. ગાંધીજી સાથે મતભેદ વધતાં થોડા દિવસમાં જ કોંગ્રેસ સાથે છેડો ફાડી નાંખ્યો.
ત્યાર બાદ તેમણે ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી. ફરી સરકારે તેમની ધરપકડ કરી જેલમાં પૂર્યા. પરંતુ તેઓ વેશ બદલીને જેલમાંથી નાસી છૂટયા. વાયા પેશાવર થઈ કાબૂલ પહોંચ્યા. ત્યાંથી જર્મન જઈ હિટલરને મળ્યા. હિટલરે તેમનું સ્વાગત કરી 'હિન્દના સરનશીન' તરીકે ઓળખાવ્યા. ત્યાંથી તેઓ સબમરીન દ્વારા જળમાર્ગે જાપાન પહોંચ્યા. જર્મની અને જાપાનને શરણે ગયેલા હિન્દી કેદીઓથી આઝાદ હિન્દ ફોજની સ્થાપના કરી. 'તુમ મુઝે ખૂન દો... મૈં તુમ્હે આઝાદી દૂંગા' અને 'દિલ્હી ચલો'ના નારા સાથે હિન્દ તરફ કૂચ કરી ઇમ્ફાલને ઘેરો ઘાલ્યો, પણ કુદરતે તેમને સાથ ન આપ્યો. આઝાદ હિન્દ ફોજને પીછેહઠ કરવી પડી. સાથીદારોના આગ્રહથી તેઓ વિમાન દ્વારા ટોકિયો જવા રવાના થયા. એક માન્યતા મુજબ આ વિમાન દુર્ઘટનામાં તેમનું મૃત્યુ નીપજ્યું. તે કમનસીબ દિવસ હતો, ૧૮ ઓગસ્ટ, ૧૯૪૫.આ સિવાય એમના મૃત્યુ અંગે અનેક તર્ક વિર્તક થયા છે. કોઈ કહે છે કે તેઓ સાધુ વેશે હજુ પણ જીવી રહ્યા છે. ખેર, દેશની જનતાના હૃદયમાં તો તેઓ ચોક્કસ જીવિત છે.
- જિતેન્દ્ર પટેલ