Get The App

આપણા સ્વાતંત્ર્ય નાયકો : સોહનસિંહ ભકના

Updated: Feb 14th, 2025

GS TEAM

Google News
Google News
આપણા સ્વાતંત્ર્ય નાયકો : સોહનસિંહ ભકના 1 - image


- અંગ્રેજ સરકારને આ હલચલની ગંધ આવી ગઈ હતી. જહાજ જેવું બંદર પર લાંગરવામાં આવ્યું કે પોલીસે એને ઘેરી લીધું. કેટલાક લોકો નાસી છૂટયા પરંતુ સોહનસિંહ એમાં સફળ ન રહ્યા

અમેરિકામાં 'હિન્દુસ્તાની એસોસિએશન'ના સ્થાપક સોહનસિંહ ભકના પંજાબના અમૃતસર જિલ્લાના ભકના ગામના વતની હતા. ક્રાંતિના રંગે તેઓ નાનપણથી રંગાયેલા હતા. નામધારી સંપ્રદાય દ્વારા તેમણે બાર વર્ષ સુધી દેશની સ્વતંત્રતા માટે ભારતમાં કામ કરેલું. ત્યારબાદ રોજી રોટી રળવા અમેરિકા ગયેલા. અમેરિકામાં એ વખતે અનેક પંજાબીઓ વસતા હતા. એક દિવસ એક મિત્ર સાથે સોનહસિંહ ત્યાંની હોટલમાં જમવા ગયા. ત્યાં કોઈ અંગ્રેજના મુખેથી ભારત વિશે ખરાબ શબ્દો સાંભળીને એમનો દેશભક્ત આત્મા ફરીને બેઠો થયો. હિન્દુસ્તાની એસોસિએશન નામની સંસ્થાની સ્થાપના કરી. 

અમેરિકામાં એમનો વ્યવસાય બરાબર જામી ચૂક્યો હતો. આર્થિક રીતે કોઈ પણ જાતની ચિંતા ન હોવાથી એમણે પૂરો સમય હિન્દુસ્તાની એસોસિએશન માટે જ ફાળવવા માંડયો. ત્યાં એમને લાલા હરદયાળનો ભેટો થયો. હરદયાળના પ્રવચનથી તેઓ એટલા બધા પ્રભાવિત થયા કે પોતાનું સર્વસ્વ ત્યાં સુધી કે હિન્દુસ્તાન એસોસિએશન પણ છોડીને ગદર પાર્ટીમાં સામેલ થઈ ગયા. અમેરિકા અને કેનેડામાં ગદર પત્રિકા લઈને ઠેર ઠેર પાર્ટીનો પ્રચાર કર્યો. આ સમયગાળામાં વિશ્વ યુદ્ધ ફાટી નીકળ્યું. ગદર પાર્ટીએ તેને ભારતની સ્વતંત્રતા માટેનો સુવર્ણ અવસર માન્યો. આ તકનો લાભ લેવા ગદરપાર્ટીએ કાર્યકરોને ભારત મોકલવાનો નિર્ણય કર્યો. હજારોની સંખ્યામાં કાર્યકરોએ ભારતની વાટ પકડી. એમાં સોહનસિંહ પણ હતા. 

અંગ્રેજ સરકારને આ હલચલની ગંધ આવી ગઈ હતી. જહાજ જેવું બંદર પર લાંગરવામાં આવ્યું કે પોલીસે એને ઘેરી લીધું. કેટલાક લોકો નાસી છૂટયા પરંતુ સોહનસિંહ એમાં સફળ ન રહ્યાં. અંગ્રેજ પોલીસની નજર એમના પર જ મંડાયેલી હતી. કારણ કે એમને સૌથી વધારે ખતરનાક ક્રાંતિકારી માનવામાં આવતા હતા. ધરપકડ કરીને તેમને પંજાબની માંટગોમરી જેલમાં ધકેલી દેવામાં આવ્યા. જેલમાં પડયા તેઓ એક પછી એક દુઃખદાયક સમાચાર સાંભળતા રહ્યા. વિપ્લવ નિષ્ફળ ગયો, કેટલાક ક્રાંતિકારીઓને ફાંસી અપાઈ, કેટલાકને કાળાપાણીની સજા કરવામાં આવી. જેલમાં સબડતા સોહનસિંહની કોઈએ ખબર ન લીધી કે ન તો એમને છોડાવવાનો કોઈએ પ્રયાસ કર્યો. કોઈનું એમના સુધી ધ્યાન જ ન ગયું. ત્યાં સુધી કે આઝાદી મળ્યાનાં પાંચ વર્ષ પછી છેક કોઈનું ધ્યાન ગયું કે સોહનસિંહ તો હજુ મોટગોમરીની જેલમાં સબડી રહ્યાં છે. દિલગીરી સાથે એમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. આઝાદી મળ્યા પછી સત્તાના નશામાં ડૂબી ગયેલા નેતાઓએ ક્રાંતિકારીઓ પ્રત્યે કેવી બેદરકારી દાખવી છે એ સોહનસિંહનાં અનુભવ પરથી જાણી શકાય છે.

- જિતેન્દ્ર પટેલ

Tags :