- રાજેન્દ્રનાથ, અશફાક ઉલ્લાખાન અને ચંદ્રશેખર આઝાદ સરકારને હાથ ન આવ્યા. ધરપકડથી બચવા રાજેન્દ્રનાથ કોલકાતા આવતા રહ્યા. અહીં તેઓ દક્ષિણેશ્વરના બોમ્બ બનાવવાના કારખાનામાં કામ કરવા માંડયા.
કાકોરી રેલધાડ વખતે સાંકળ ખેંચીને ટ્રેન ઊભી રાખવાની જવાબદારી રાજેન્દ્રનાથ લાહિડીએ ઉપાડેલી. મૂળ બંગાળના વતની. ત્યાંના પબના જિલ્લાના મોહનપુર ગામે એમનો જન્મ થયેલો. દેશભક્તિ પિતા તરફથી વારસામાં મળેલી. પિતા ક્ષિતિમોહન લાહિડીએ બંગભંગ આંદોલનમાં ભાગ લઈને કારવાસની સજા ભોગવેલી. રાજેન્દ્ર નવ વર્ષનો થયો કે એને મોટાભાઈ સાથે અભ્યાસ માટે બનારસ મોકલી આપવામાં આવ્યો. બનારસ એ વખતે ક્રાંતિકારી પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર ગણાતું. ત્યાંની હિન્દુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં રાજેન્દ્રનાથ કેટલાય ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા. ત્યારે બંગાળનાં પ્રખર ક્રાંતિકારી શચીન્દ્રનાથ સાન્યાલ ઉત્તર ભારતમાં હિન્દુસ્તાન પ્રજાતંત્ર સંઘ નામનું ક્રાંતિકારી સંગઠન ચલાવતા હતા. રાજેન્દ્રનાથ તેના સભ્ય બન્યા. પોલીસની નજરથી બચવા ક્રાંતિકારીઓના પત્રવ્યવહારની જવાબદારી રાજેન્દ્રનાથે સંભાળી. ક્રાંતિકારી વિચારધારાનું એક હસ્તલિખિત માસિક અગ્રદૂત શરૂ કર્યું. બંગવાણી અને શંખ પત્રિકાઓમાં પણ ક્રાંતિકારી લેખો લખ્યા. ૯ ઓગસ્ટ, ૧૯૧૫ ના રોજ દળ તરફથી કાકોરી ખાતે રેલધાડ પાડવાનું નક્કી થયું તો રાજેન્દ્રનાથ એમાં અગ્રેસર રહ્યા. રેલધાડ પછી મોટાભાગના ક્રાંતિકારીઓ પોલીસને હાથે ઝડપાઈ ગયા. રાજેન્દ્રનાથ, અશફાક ઉલ્લાખાન અને ચંદ્રશેખર આઝાદ સરકારને હાથ ન આવ્યા. ધરપકડથી બચવા રાજેન્દ્રનાથ કોલકાતા આવતા રહ્યા. અહીં તેઓ દક્ષિણેશ્વરના બોમ્બ બનાવવાના કારખાનામાં કામ કરવા માંડયા. થોડા દિવસમાં જ તેઓ બોમ્બ બનાવતા શીખી ગયા. બોમ્બ બનાવવાની પદ્ધતિ શીખીને રાજેન્દ્રનાથનો ઇરાદો ઉત્તર ભારતમાં બોમ્બનું કારખાનું શરૂ કરવાનો હતો. પરંતુ ૧૦ નવેમ્બર, ૧૯૨૫ ના રોજ પોલીસે દક્ષિણેશ્વરના બોમ્બના કારખાના પર છાપો માર્યો ને રાજેન્દ્રનાથનો એ ઇરાદો ધૂળમાં મળી ગયો. દક્ષિણેશ્વરના એ કારખાનામાંથી જે ક્રાંતિકારીઓ પકડાયા એમાં રાજેન્દ્રનાથ પણ હતા. મુકદમો ચલાવીને તેમને દસ વર્ષની કારાવાસની સજા કરવામાં આવી. પછીથી સરકારને ખબર પડી કે રાજેન્દ્રનાથ તો કાકોરી રેલધાડમાં પણ સામેલ હતા એટલે તેમને કોલકાતાથી લખનઉની જેલમાં ખસેડવામાં આવ્યા. ત્યાં કાકોરી રેલધાડના ક્રાંતિકારીઓનો કેસ ચાલતો હતો એમની સાથે રાજેન્દ્રનાથનો કેસ પણ ચલાવવામાં આવ્યો. લખનઉની જેલમાં રાજેન્દ્રનાથે અનેક પુસ્તકોનો અભ્યાસ કર્યો. રોશનસિંહ પાસેથી કુસ્તી પણ શીખ્યા. ૬ એપ્રિલ, ૧૯૨૭ ના રોજ કાકોરી કેસનો ચુકાદો આવ્યો એમાં રાજેન્દ્રનાથને ફાંસીની સજા સંભળાવવામાં આવી. લખનઉની ગોંડાની જેલમાં મોકલી આપવામાં આવ્યા. ત્યાં તેમને ૧૭ ડિસેમ્બર, ૧૯૨૭ ની વહેલી સવારે ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યા.
- જિતેન્દ્ર પટેલ


