Get The App

આપણા સ્વાતંત્ર્ય નાયકો : રાણીમા ગાઈડિન્લ્યુ

Updated: Jun 12th, 2026

GS TEAM

Google News
Google News
આપણા સ્વાતંત્ર્ય નાયકો : રાણીમા ગાઈડિન્લ્યુ 1 - image

સરકારે ગાઈડિન્લ્યુનો પત્તો આપનારને 5000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું. પરંતુ એક પણ નાગજાતિનો માણસ એવડી મોટી રકમથી ન લલચાયો. ગાઈડિન્લ્યુને તેઓ દેવી માનતા હતા. સરકારે હવે નાગપ્રજા પર ત્રાસ ગુજારવા માંડયો.

'હારકા' આંદોલન દ્વારા અંગ્રેજો સામે જંગે ચડનારાં રાણીમા ગાઈડિન્લ્યુ નાગપ્રદેશનાં વતની હતાં. ગાઇડિન્લ્યુ બાળપણથી જ પરાક્રમી. ૧૩ વર્ષની ઉંમરે તેમણે મણિપુરમાં અડ્ડો જમાવી બેઠેલા અંગ્રેજો સામે ભાઈ જાદોનાંગ સાથે લડત આપી. અંગ્રેજોએ જાદોનાંગની ધરપકડ કરી. તેમના ઉપર મુકદ્દમો ચલાવી ફાંસી આપી. ભાઈના મોતનો બદલો લેવા ગાઈડિન્લ્યુ તડપવા લાગી. જેમી, વ્યાંગમેથી અને રાંગમેથી નામના નાગ જાતિના કબીલાઓનું સંગઠન કરી 'હારકા' આંદોલન ચલાવ્યું. અંગ્રેજો સામે સામી છાતીએ લડી લેવાનું આહ્વાન કર્યું. આ ચળવળ માટે તેમણે નદીનો બરફવાળો વિસ્તાર પસંદ કર્યો. આ તરફ અંગ્રેજ સેના પહોંચવાની હિંમત કરતી નહિ. જોતજોતામાં ગાઈડિન્લ્યુનાં નેતૃત્વ હેઠળ મણિપુરના પશ્ચિમ જિલ્લા, દક્ષિણ નાગભૂમિ અને ઉત્તર કછારનાં પર્વતીય ક્ષેત્રમાં સ્વતંત્રતાની આગ ભડકી ઊઠી. આ ચળવળને દાબી દેવા જે.પી. મિલ્સના નેજા હેઠળ ત્રીજી અને ચોથી અસમ રાઈફલ્સનાં કેટલાય સૈનિકોને કામે લગાવી દેવામાં આવ્યા. મહત્ત્વનાં વિસ્તારમાં ઠેર ઠેર થાણાં ઊભાં કરી દેવામાં આવ્યા. સરકારે ગાઈડિન્લ્યુનો પત્તો આપનારને ૫૦૦૦ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું. પરંતુ એક પણ નાગજાતિનો માણસ એવડી મોટી રકમથી ન લલચાયો. ગાઈડિન્લ્યુને તેઓ દેવી માનતા હતા. સરકારે હવે નાગપ્રજા પર ત્રાસ ગુજારવા માંડયો. તેમનાં ઘર સળગાવી દીધાં. કેટલાયને જેલમાં પુરીને ઢોર માર મારવામાં આવ્યો. ૧૬ ફેબુ્રઆરી, ૧૯૩૨ ના રોજ નાગપ્રજા અને અંગ્રેજસેના વચ્ચે ભીષણ સંગ્રામ ખેલાયો. અદ્યતન શસ્ત્રો ધરાવતી અંગ્રેજ સેનાએ અસંખ્ય નાગલોકોની લાશ ઢાળી દીધી. પુંગવેમી ગામે આગ ચાંપી તેનાં ઝૂંપડાં સળગાવી દીધાં. નાગપ્રદેશમાં હાહાકાર મચી ગયો. આ પાયમાલી પછી અંગ્રેજોના આક્રમણથી બચવા ગાઈડિન્લ્યુએ પોલોમી પાસે એક દુર્ગ બનાવવાનું નક્કી કર્યું.

આ દુર્ગનું કામ ચાલુ હતું ત્યાં એક દિવસ અસમ રાઈફલ્સની એક ટુકડીએ નાગલોકો પર ઓચિંતો હુમલો કર્યો. નાગલોકોએ તેનો હિંમતપૂર્વક સામનો કર્યો. ગાઈડિન્લ્યુ પકડાયાં. તેમના પર કેસ ચલાવી આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી. અઢાર વર્ષ તેમણે જેલમાં વિતાવ્યાં. દેશ સ્વતંત્ર થયો તે પછી તેમને જેલમાંથી મુક્તિ મળી. વરસો પછી તેઓ મણિપુર પાછા ફર્યાં. સ્વતંત્ર ભારતમાં તેમણે નાગજાતિના વિકાસ માટે બહુ મોટું યોગદાન આપ્યું. નાગજાતિને હિન્દુ ધર્મનો અંશ ગણાવી તેમણે મિશનરીની ધર્માંતરની પ્રવૃત્તિનો ખૂબ વિરોધ કર્યો. ૮૮ વર્ષની વયે આ બહાદુર નારીનું અવસાન થયું. તેમની વિદાયથી પૂર્વાંચલમાં હિન્દુ પ્રજાને ન પુરાય તેની ખોટ પડી.

- જિતેન્દ્ર પટેલ