અંગ્રેજ સરકારે ક્રાંતિકારીઓ અને તેનાં પરિવારજનો પર અત્યાચાર ગુજારવામાં કશું બાકી ના રાખ્યું. આ જોઈને પ્રીતિલતાનું મન અંગ્રેજ સરકાર પ્રત્યે ઘૃણાથી ભરાઈ ગયું. તેઓ ક્રાંતિકારી દળમાં જોડાઈને છૂપી રીતે તેમાં કામ કરવા માંડયાં.
ચટગાંવની યુરોપિયન કલબ પર બોમ્બ ફેંકનાર જાંબાજ મહિલા ક્રાંતિકારી પ્રીતિલતા વાડેદાર બંગાળનાં ચટગાંવનાં વતની હતાં. તેઓ એક એવા પરિવારનાં પુત્રી હતાં કે જ્યાં દીકરીને શિક્ષણ આપવું એ સારું ન ગણાતું. આ કારણસર પ્રીતિલતાની શિક્ષણ બાબતે ઉપેક્ષા કરવામાં આવેલી. પરંતુ પ્રીતિલતા એમ હાર સ્વીકારે એમ નહોતાં. ભાઈઓને ભણાવવા ઘરે અધ્યાપક ખબર પડી કે પ્રીતિલતા તો વગર ભણાવ્યે એના ભાઈઓ કરતાં વધારે હોશિયાર બની ગઈ છે. એમણે પ્રીતિલતાના પિતાને આ વાત કરી. પિતાને હવે દીકરીની કુશાગ્ર બુદ્ધિનું ભાન થયું. પ્રીતિલતાની ભણવાની વ્યવસ્થા કરવામાં આવી. જોતજોતામાં પ્રીતિલતા મેટ્રિક પાસ થઈ ગયાં. મેટ્રિક પાસ કર્યા પછી તેમણે ગ્રેજ્યુએશન કર્યું. પછીથી તેઓ નંદનકાનન હાઈસ્કૂલ પ્રધાન પ્રાધ્યાપિક બની ગયાં. આ સમયગાળામાં જ ક્રાંતિકારીઓએ ચટગાવમાં શસ્ત્રાગારનો ખાતમો બોલાવ્યો. બદલામાં અંગ્રેજ સરકારે ક્રાંતિકારીઓ અને તેનાં પરિવારજનો પર અત્યાચાર ગુજારવામાં કશું બાકી ના રાખ્યું. આ જોઈને પ્રીતિલતાનું મન અંગ્રેજ સરકાર પ્રત્યે ઘૃણાથી ભરાઈ ગયું. તે ક્રાંતિકારી દળમાં જોડાઈને છૂપી રીતે તેમાં કામ કરવા માંડયા પછીથી ઘર છોડીને ઇન્ડિયન રિપબ્લિક આર્મીની મહિલા સૈનિક બની ગયાં. ૧૪ સપ્ટેમ્બર, ૧૯૩૨ના રોજ કલઘાટમાં પોલીસ સાથેની અથડામણમાં પ્રીતિલતાનાં બે સાથીદારો નિર્મલ સેન અને અપૂર્વ સેન માર્યા ગયા. પ્રીતિલતા બચી ગયાં. પરંતુ સાથીદારોના મોતનું એ વેર ન ભૂલી શક્યાં. આ ઘટનાના દસ દિવસ પછી એક રાતે પ્રીતિલતા બોમ્બ લઈને ક્રાંતિકારી દળ સાથે યુરોપિયન કલબ તરફ નીકળી પડયાં. રાતનાં સાડાદસ વાગ્યા હતા. કલબના ચાલીસ સભ્યો આનંદ પ્રમોદમાં મસ્ત હતા. બરોબર આ સમયે કલબની એક ખુલ્લી બારીમાંથી પ્રીતિલતાએ બોમ્બ ફેંક્યો. કલબની અંદર નાસભાગ મચી ગઈ. તરત જ પ્રીતિલતાએ બીજો બોમ્બ ફેક્યો. સાથે સાથે તેમના સાથીદારોએ ગોળીબાર પણ શરૂ કર્યો. વાતાવરણ ચીસો અને બૂમ બરાડાથી ગાજી ઊઠયું. પરંતુ ક્રાંતિકારીઓને જોઈએ તેટલો સમય અને અનુકૂળતા ન મળી શક્યાં. પોલીસને ખબર પડી એવી ત્યાં આવી પહોંચી. ક્રાંતિકારીઓ નાઠા. ઘાયલ લોકોને તાત્કાલિક દવાખાને પહોંચાડવામાં આવ્યાં. તેમાં એક વૃદ્ધ અંગ્રેજ મૃત્યુ પામ્યો હતો. આજુબાજુ તપાસ કરતાં કલબની બહાર પોલીસને એક મહિલાની લાશ મળી આવી. જેણે સૈનિકનો વેશ પહેર્યો હતો. આ લાશ પ્રતિલતા વાડેદારની હતી. ષડયંત્રમાં મળેલી નિષ્ફળતાને કારણે તેણે આત્મહત્યા કરી લીધી હતી.
- જિતેન્દ્ર પટેલ


