- કોલકાતા લઈ જવાતી વખતે જાજરૂ જવાના બહાને હથકડી સાથે ચાલુ ટ્રેનમાંથી કૂદી પડયા. પકડાયા. ફરીને એવી રીતે કૂદી પડયા. આ વખતે પોલીસને હાથ ન આવ્યા. હાથમાં બેડી હોવા છતાં માઈલો સુધી દોડીને અમરાવતી પહોંચી ગયા.
બંને હાથમાં બેડીઓ હોવા છતાં ચાલુ ગાડીએ કૂદકો મારીને નાસી છૂટેલા આ ક્રાંતિકારી પોલીસને હાથ ન આવ્યા તે ન જ આવ્યા. આ પરાક્રમ પછી તેઓ આઝાદનું બિરુદ પામ્યા, વતન હરિયાણાનું અંબાલા. અભ્યાસ માટે અમેરિકા ગયા. ગાદરપાર્ટીમાં સ્થાપકોના એક હોવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. દેશમાં ગદર ફેલવાનાં ઇરાદે ભારત આવ્યા. દરિયાકિનારે પોલીસને થાપ આપી પંજાબ પહોંચી ગયા. પરંતુ ત્યાંથી પકડાઈ ગયા. લાહોરની સેન્ટ્રલ જેલમાં પૂરી તેમના પર કેસ ચલાવવામાં આવ્યો. આજીવન કાળાપાણીની સજા સંભળાવી આંદામાન મોકલી આપવામાં આવ્યા. છ વર્ષ આંદામનની જેલમાં વિતાવ્યાં. ૧૯૨૧ થી તેમને મદ્રાસની રાજમેહન્દ્રી જેલમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા. થોડા દિવસ પછી રાજમહેદ્રી જેલમાંથી કોલકાતાની જેલમાં મોકલવાનું નક્કી થયું. કોલકાતા લઈ જવાતી વખતે જાજરૂ જવાના બહાને હથકડી સાથે ચાલુ ટ્રેનમાંથી કૂદી પડયા. પકડાયા. ફરીને એવી રીતે કૂદી પડયા. આ વખતે પોલીસને હાથ ન આવ્યા. હાથમાં બેડી હોવા છતાં માઈલો સુધી દોડીને અમરાવતી પહોંચી ગયા. એક મિત્રને ત્યાં થોડા દિવસ રોકાયા. ત્યાંથી ગુપ્તવાસ ગાળવા સૌરાષ્ટ્ર તરફ ચાલી નીકળ્યા. ભાવનગરમાં છ વર્ષ સુધી વ્યાયામશાળા ચલાવીને અનેક શિષ્યો તૈયાર કર્યા. પોલીસ હજુ એમને શોધતી ફરતી હતી. આ છ વર્ષનાં ગાળામાં દેશમાં ઘણી બધી રાજકીય ઘટનાઓ બની ચૂકી હતી. લાહોર ષડયંત્રમાં કેસ હેઠળ મોટા ભાગના ક્રાંતિકારીઓને જેલમાં પૂરી દેવામાં આવ્યાં હતા. મંદ પડી ગયેલી ક્રાંતિકારી ચળવળમાં પુનઃ ચેતના લાવવા ભગવતસિંહે એક સાથીદારને સૌરાષ્ટ્ર મોકલી પૃથ્વીસિંહને પંજાબ આવીને ક્રાંતિકારી ચળવળનું નેતૃત્વ સંભાળવા કહેવડાવ્યું. પૃથ્વીસિંહ પાછા પંજાબ આવ્યા. અહીં બે આઝાદ- પૃથ્વીસિંહ અને ચંદ્રશેખરનું મિલન થયું. ત્યાંથી મુંબઈ ગયા. દુર્ગાભાભી સાથે મળી મુંબઈના પોલીસથાણા પર ગોળીબાર કર્યો. ધરપકડથી બચવા અફઘાનિસ્તાન ભણી નાઠા. વર્ષો સુધી અફઘાનિસ્તાન અને રશિયામાં ભટકતા રહ્યા. ન ખાવાનું ઠેકાણું ન રહેવાનું ઠેકાણું, બીમાર પડયે સારવાર કરનારું પણ કોણ ? દરરોજની રઝળપાટથી કંટાળેલા તેઓ વર્ધા ગાંધીજી પાસે જઈ ચડયા. ગાંધીજીને અથઃથી ઇતિ સુધી આપવીતી સંભળાવી. ગાંધીજીએ એમને ભટકતું જીવન ગાળવા કરતાં પોલીસને હવાલે થઈ જવાની સલાહ આપી. બાપુની આ વાત માનીને એમણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું. રાવલપીંડીની જેલમાં રાખવામાં આવ્યા. ૧૯૩૯માં તેમને જેલમાંથી મુક્તિ મળી. ભારત સ્વતંત્ર થતાં એ પાછા ભાવનગર આવતા રહ્યા. પુનઃ વ્યાયામશાળાની પ્રવૃત્તિ ચાલુ કરી.
- જિતેન્દ્ર પટેલ


