Get The App

આપણા સ્વાતંત્ર્ય નાયકો : પ્રકાશવતી પાલ

Updated: Oct 3rd, 2025

GS TEAM

Google News
Google News
આપણા સ્વાતંત્ર્ય નાયકો : પ્રકાશવતી પાલ 1 - image

- પ્રકાશવતીના પિતા સહેજે નહોતા ઇચ્છતા કે દીકરી ક્રાંતિકારી બને. પ્રકાશવતી આ માર્ગે વળે એ પહેલાં એમણે તેને પરણાવી દેવા યોગ્ય મુરતિયો શોધવા માંડયો. પિતાની આ હિલચાલની ગંધઆવી ગઈ

મૂળ નામ પ્રકાશવતી કપૂર. ક્રાંતિકારી યશપાલને પરણ્યા એટલે પ્રકાશવતી પાલથી પ્રસિદ્ધ થયાં. પંજાબના લાહોરના વતની. કન્યા વિદ્યાલયમાં અભ્યાસ દરમિયાન અધ્યાપિકા પ્રેમાવતી પાસેથી રાષ્ટ્રભક્તિનું શિક્ષણ પામેલાં. સમય જતાં પ્રકાશવતીએ અધ્યાપિકા પાસે ક્રાંતિકારી બનવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી.

અધ્યાપિકા પ્રેમાવતીએ તેને ક્રાંતિકારી યશપાલ ત્યારે ક્રાંતિકારી દળ દ્વારા ચલાવવામાં આવતી બોમ્બ બનાવવાની ફેક્ટરીની જવાબદારી સંભળાતા હતા. એમણે પ્રકાશવતીને થોડા પ્રશ્નો કર્યા. વાતચીત દરમિયાન એનો ધગધગતો રાષ્ટ્રપ્રેમ પરખાઈ આવતા યશપાલે તેને એ જ ઘડીએ ક્રાંતિકારી દળમાં આવકારી લીધી. પરંતુ પ્રકાશવતીના પિતા સહેજે નહોતા ઇચ્છતા કે દીકરી ક્રાંતિકારી બને. પ્રકાશવતી આ માર્ગે વળે એ પહેલાં એમણે તેને પરણાવી દેવા યોગ્ય મુરતિયો શોધવા માંડયો. પિતાની આ હિલચાલની ગંધ આવી જતાં પ્રકાશવતી ઘર છોડીને ચાલી નીકળી. પિંતા પર ચિઠ્ઠી લખતી ગઈ : 'દેશના કાર્ય માટે હું હંમેશને માટે ઘર છોડીને જાઉં છું.' ક્રાંતિકારી દળમાં પ્રકાશવતીએ પત્રિકા વહેંચવાથી માંડીને બોમ્બ બનાવવાની ફેક્ટરીના સંચાલન સુધીની જવાબદારી સંભાળી. દળનો વિસ્તાર થતાં દિલ્હીમાં બોમ્બ બનાવવાની ફેક્ટરી શરૂ કરવાનું નક્કી થયું. તેના માટે યશપાલને લાહોરથી દિલ્હી મોકલી આપવામાં આવ્યા. તેની સાથે પ્રકાશવતી પણ દિલ્હી ગઈ. ત્યાં મહાશય કૃષ્ણજીને ત્યાં તેની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી. ક્રાંતિકારી દળ તરફથી ભગતસિંહને જેલમાંથી ફરાર કરવાનું નક્કી થતાં યશપાલને પાછા લાહોર બોલાવવામાં આવ્યા. પ્રકાશવતી બોમ્બની ફેક્ટરીની જવાબદારી સંભળવા દિલ્હીમાં જ રહી. પરંતુ બહાવલપુરની કોઠીમાં અણધાર્યો ધડાકો થતાં સમગ્ર યોજના પર પાણી પરી વળ્યું ને યશપાલ પકડાઈ ગયા. તેની પાસેથી એક ચિઠ્ઠી મળી આવી તેના સરનામાના આધારે પોલીસે દિલ્હીની બોમ્બ બનાવતી ફેક્ટરી પર છાપો માર્યો. પ્રકાશવતી સમયસૂચકતા વાપરીને નાઠી. કાનપુર ચંદ્રશેખર આઝાદ પાસે જઈ ચડી. એ વખતે ચંદ્રશેખર આઝાદ કાનપુરમાં ચુન્નીગંજમાં રહેતા હતા. ત્યાં આલ્ફ્રેડ પાર્કમાં ચંદ્રશેખર શહીદ થતાં પ્રકાશવતીનો આશરો રઝળી પડયો. એ પાછી દિલ્હીમાં આવી. જ્યાંથી તે પોલીસના હાથે ઝડપાઈ ગઈ. બરેલીને જેલમાં મોકલી આપવામાં આવી કે જ્યાં તેનો ક્રાંતિકારી પરણી ગયાં. ૧૯૩૭માં કોંગ્રેસ અને સરકાર વચ્ચે કરાર થતાં રાજકેદીઓને છોડી મૂકવાનો નિર્ણય થતાં આ ક્રાંતિકારી દંપતી કારાવાસમાંથી મુક્તિ મેળવી ગૃહસ્થ બન્યાં.

- જિતેન્દ્ર પટેલ