- ઘટનાના સમાચાર છાપવામાં આવ્યા હતા. બોમ્બ ફેંકનાર શંકાશીલ વ્યક્તિનાં વિવરણ પણ તેમાં આપવામાં આવ્યાં હતા. આ વિવરણના આધારે સિપાઈ નંદલાલ બેનરજીને સામે બેઠેલા યુવક પર શંકા પડી.
મૂળ નામ પ્રફુલ્લકુમાર ચક્રવર્તી, પરંતુ ક્રાંતિકારી મિત્રો તેને ટૂંકમાં પ્રફુલ્લ ચાકી કહીને બોલાવતા. પછીથી લોકોમાં પણ આ જ નામ ચાલ્યું. ૩૦ એપ્રિલ ૧૯૦૮ના રોજ કિંગ્સ ફોર્ડને ખતમ કરવાના ષડયંત્રમાં ખુદીરામ બોઝ સાથે પ્રફુલ્લ ચાકી પણ સામેલ હતા. બોમ્બ ફેંકીને થોડે સુધી તો ભાગવામાં બેઉ સાથે જ રહેલા. પછીથી કોઈને શંકા ન પડે એ માટે બન્ને જુદા પડી ગયા. ખુદીરામ બેનીગાવ તરફ ભાગ્યા તો પ્રફુલ્લે સમસ્તીપુરનો રસ્તો પકડયો.
બીજે દિવસે તેઓ સમસ્તીપુર પહોંચ્યા. ત્યાં આવીને સૌથી પહેલું કામ જુતા ખરીદવાનું કર્યું. બોમ્બ ફેંકીને ભાગતી વખતે તેમના જૂતાં ત્યાં રહી ગયેલા. નાહી ધોઈને ઇન્ટરકલાસની ટિકિટ લઈને તેઓ હવે મુકામે જવા ઉપડયા. દુર્ભાગ્યવશ એ જ ડબ્બામાં પોલીસનો સિપાઈ નંદલાલ બેનરજી પણ બેઠો હતો. તે પોતાની રજા પૂરી કરીને સિંહાભૂમિ પોલીસથાણે ફરજ પર હાજર થવા જઈ રહ્યો હતો. કિંગ્સ ફોર્ડનાં બંગલે જે બોમ્બ ફેંકાયો હતો એ ક્રાંતિકારીઓ દ્વારા ફેંકાયેલો પ્રથમ બોમ્બ હતો. આ અગાઉ દેશાભરમાં કોઈએ આવું સાહસ નહોતું કર્યું. અંગ્રેજ સરકાર સ્તબ્ધ થઈ ગઈ હતી. છાપામાં પણ પાનાં ભરીને આ ઘટનાના સમાચાર છાપવામાં આવ્યા હતા. બોમ્બ ફેંકનાર શંકાશીલ વ્યક્તિનાં વિવરણ પણ તેમાં આપવામાં આવ્યાં હતા. આ વિવરણના આધારે સિપાઈ નંદલાલ બેનરજીને સામે બેઠેલા યુવક પર શંકા પડી. છાપામાં બોમ્બ ફેંકનાર વિશે લખ્યું હતું. તેમાનું ઘણું બધું એ યુવકને મળતું આવતું હતું. તેણે હવે એ યુવક સાથે અજાણ્યા થઈ વાતો કરવા માંડી. પ્રફુલ્લ ચાકીને પણ તેના પર શંકા પડી. એટલે પછી જે સ્ટેશન આવ્યું ત્યાંથી તે ડબ્બો બદલીને બીજા ડબ્બામાં બેસી ગયા. આ દરમિયાન સિપાઈએ આ યુવક પર શંકા હોવાનો તાર મુજફ્ફરપુર મોકલ્યો અને ત્યાંનો આદેશ માગ્યો. આગળના સ્ટેશને તેને તાર દ્વારા જ સૂચના મળી કે શંકાશીલ માણસને પકડી લો. સિપાઈ નંદલાલ બેનરજી પાછો પ્રફુલ્લ ચાકી પાસે આવ્યો. શંકા પડતાં પ્રફુલ્લ ચાકી ભાગ્યા. પ્લેટફોર્મ પરથી બીજા સિપાઇઓએ પણ તેમનો પીછો કર્યો. સિપાઈઓને પાછળ રાખીને તેમણે રેલવેના પાટે પાટે ભાગવા માંડયું. કમનસીબે થોડે આગળ જતાં સામે જ સિપાઈઓની એક ટુકડીનો એમને ભેટો થઈ ગયો. ચારેબાજુથી ઘેરાઈ ગયા. કોઈ ઉપાય ન બચતાં એમણે પિસ્તોલ કાઢીને ગોળી ચલાવી, પરંતુ નિશાન ચૂકી ગયા. આ દરમિયાન પાછળ ઉભેલા એક સિપાઈએ પાછળથી તેમના હાથ પકડી લીધા. છટકવાનો હવે કોઈ વિકલ્પ બચ્યો નથી એવું લાગતાં એમણે પોતાના ઉપર જ બે ગોળી છોડી દીધી. એક ગોળી જડબામાં વાગી, બીજી કાંધનાં હાડકામાં. ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજી ગયું. જીવતો પકડીને તેમના પર દમન ગુજારી ષડયંત્ર અંગેની માહિતી કઢાવવાનું અંગ્રેજ સરકારનું ધ્યેય પાર ન પડયું.
- જિતેન્દ્ર પટેલ


