Get The App

આપણા સ્વાતંત્ર્ય નાયકો : પંડિત પરમાનંદ

Updated: Sep 12th, 2025

GS TEAM

Google News
Google News
આપણા સ્વાતંત્ર્ય નાયકો : પંડિત પરમાનંદ 1 - image

- કાળાપાણીની સજા પામનારાઓમાં પંડિત પરમાનંદ પણ હતા. તેમને આંદામાનથી અમદાવાદની જેલમાં લાવવામાં આવ્યા. ત્યાં ગાંધી આંદોલનની તરફેણમાં એક મહિનો સતત ચળવળ ચલાવી. પુનઃ જેલની યાતના શરૂ થઈ.

વિદ્વાન તો ખરા પણ એથીયે વધારે આક્રમક. અપમાન એમનાથી સહેજે સહન ન થતું. આંદામાનની જેલમાં જેલરે તેમને 'કુત્તા' કહીને સંબોધ્યા તો હાથપગમાં બેડી હોવા છતાં જેલર ઉપર ત્રાટકીને એને ધૂળ ચાટતો કરી દીધો. એમના આ પરાક્રમની સજા રુવાડાં ઊભા કરી નાખે એવી થઈ. ત્રીસ ચાબુકની સજા ! જેલમાં આ સજા મોતની સજા કરતા પણ વધારે ગંભીર ગણાતી. જલ્લાદને બોલાવી તેને ભરપૂર દારૂ પિવડાવી પરમાનંદજીના ઉઘાડા શરીર પર ત્રીસ ચાબુક ફટકારવામાં આવ્યા. શરીર લોહીલુહાણ થઈ ગયું. જેલમાં હાહાકાર મચી ગયો. સજા હજુ પૂરી નહોતી થઈ. ત્રણ મહિના તેમને ટાટનાં કપડાં પહેરાવવામાં આવ્યા. ત્યાર પછીના ત્રણ મહિના અંધારી કોટડીમાં પૂરવામાં આવ્યા. જ્યાં એવું અંધારું કે પોતાનાં અંગો પણ ન દેખાય. આવી અસહ્ય યાતના વેઠવા છતાં આ ક્રાંતિકારીનું મનોબળ ન તૂટયું. તેઓ ઝાંસીના વતની હતા. અભ્યાસ માટે અમેરિકા ગયેલા. ગદર પાર્ટીની સ્થાપનામાં લાલા હરદયાળની સાથે તેઓ પણ ખરા. બાદમાં તેમને પાર્ટી તરફથી જાપાન મોકલવામાં આવ્યા. જ્યાં એમણે રસ્તામાં સિંગાપુરમાં ભારતીય ઝંડો લહેરાવ્યો. આ ઝંડો એકવીસ દિવસ સુધી ત્યાં ફરકતો રહ્યો. સ્વદેશમાં વિદ્રોહ ભડકાવવાનું નક્કી થતાં તેઓ પંજાબ આવ્યા. પેશાવરની જવાબદારી તેમને સોંપવામાં આવી. વિદ્રોહની યોજના ઘડાઈ ગઈ હતી. પાર્ટીના સૈનિકોનો ઉત્સાહ દાબ્યો દબાતો નહોતો. અંગ્રેજ સરકારના દિવસો પૂરા થઈ ગયા છે એમ સૌ માનવા માંડયા હતા. પરંતુ દેશદ્રોહી કૃપાલસિંહને કારણે આખી યોજના પર પાણી ફરી વળ્યું. વિદ્રોહ તો સફળ ન રહ્યો. ઊલટાનું દેશને કેટલાય ક્રાંતિકારીઓ ગુમાવવાનું થયું. 'લાહોર ષડયંત્ર'ના નામથી તેમના પર કેસ ચલાવવામાં આવ્યો. કેટલાકને ફાંસીની સજા થઈ, કેટલાકને કાળાપાણીની. કાળાપાણીની સજા પામનારાઓમાં પંડિત પરમાનંદ પણ હતા. પછીથી તેમને આંદામાનથી અમદાવાદની જેલમાં લાવવામાં આવ્યા. ત્યાં ગાંધી આંદોલનની તરફેણમાં એક મહિનો સતત ચળવળ ચલાવી. પુનઃ જેલની યાતના શરૂ થઈ. ૧૯૩૭માં કોંગ્રેસ મંત્રીમંડળની રચના થતાં તેમને જેલમાંથી મુક્તિ મળી. ૧૯૪૨માં પાછા હિન્દ છોડો આંદોલનમાં કૂદી પડયા. બમણા જોરથી તેમાં ભાગ લીધો. દિલ્હીની એક સભામાં યોગેશચંદ્ર ચેટરજી સાથે આગ ઝરતું એવું તો ભાષણ આપ્યું કે સ્થળ પરથી જ તેમના હાથમાં બેડી પહેરાવી દેવામાં આવી. ફરી જેલમાં પુરાયા. દેશ આઝાદ થયો ત્યાર પછી જ તેમને મુક્તિ મળી. એમનો બગાવતી સ્વભાવ તો ક્યારેય બદલાયો નહિ. આઝાદ ભારતમાં ય સરકારની ખોટી નીતિ સામે અવાજ ઉઠાવતા જ રહ્યા.

- જિતેન્દ્ર પટેલ