- જેલના ક્રૂર અધિકારીઓએ તેમના પર અત્યાચાર ગુજારવામાં કશું બાકી ન રાખ્યું. પશુ પણ ન ખાય તેવો ખોરાક તેમને આપવામાં આવ્યો. આવું ખાણું ખાઈને તેમને મરડો થઈ ગયો.
નાગેન્દ્રનાથ દત્ત બંગાળના વતની હતા. તેઓ બાલ્યાવસ્થામાં હતા એ વખતે સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ફરેલા. ત્યારે સ્વામીજીએ યુવાનોને ભાષણમાં કહેલું કે, 'ભારતને આજે જો કોઈ ચીજની જરૂરિયાત હોય તો તે બોમ્બની છે.' સ્વામીજીની આ વાત બાળક નાગેન્દ્રના મનમાં ઊંડે સુધી અંકિત થઈ ગઈ. એક દિવસ મિત્ર સુમિતના પિતાની પિસ્તોલ છાનામાની લઈને ગામ બહાર બેઉ પિસ્તોલ ચલાવવાનું શીખવા નીકળી ગયા. એમાં નાગેન્દ્રની જાંઘમાં ગોળી વાગી ગઈ. છતાં એ પિસ્તોલથી ન ડર્યા. ગામની શાળાનું શિક્ષણ પૂરું થતાં વધુ અભ્યાસ માટે તેઓ સુનામગંજ આવ્યા. ત્યાં તેમને અનેક ક્રાંતિકારીઓના સંપર્કમાં આવવાનું થયું. પોલીસ તેમની ધરપકડ કરવા માગે છે એવું લાગતાં તેઓ ભણતરનું અધૂરું મૂકી કોલકાતા તરફ ચાલી નીકળ્યા. કોલકાતામાં તેઓ અનુશીલન સમિતિનાં સભ્ય બન્યા. અરવિંદ ઘોષ દ્વારા સ્થાપિત 'ભવાની મંદિર'નો સંદેશો નવયુવકો સુધી પહોંચાડવાનું કાર્ય પણ કર્યું. પછીથી રાસબિહારી બોઝના આદેશથી બનારસ આવ્યા. બનારસમાં તેમણે ક્રાંતિકારી દળનું કામ એટલી નિષ્ઠાથી કર્યું કે લોકો તેમને રાસબિહારી બોઝનો ડાબો હાથ ગણવા માંડયા. ક્રાંતિકારીઓમાં તેઓ 'ગિરિજાબાબુ'ના નામથી ઓળખાવા લાગ્યા. દિલ્હીમાં લોર્ડ હાર્ડિંગ પર બોમ્બ ફેંકવાના ષડયંત્ર પછી ક્રાંતિકારીઓની ધરપકડ થવા માંડી. આ ષડયંત્રમાં રાસબિહારી બોઝ પણ સામેલ હતા. ધરપકડથી બચવા રાસબિહારી બોઝે રવીન્દ્રનાથ ટાગોર જાપાન જતા હતા તેમની સાથે નીકળી જવાનું યોગ્ય માન્યું. નાગેન્દ્રનાથ ત્યારે તેમને જહાજ સુધી મૂકવા ગયા. જતાં જતાં તેઓ નાગેન્દ્રનાથને પોતાનું કાર્ય ચાલુ રાખવાની ભલામણ કરવાનું ન ચૂક્યા. રાસબિહારીની ગેરહાજરીમાં નાગેન્દ્રનાથે ક્રાંતિકારી દળનું નેતૃત્વ જવાબદારીપૂર્વક નિભાવ્યું. પરંતુ પોલીસની નજરથી તેઓ ન બચી શક્યા. 'લાહોર ષડયંત્ર' કેસ કે 'દેહલી ષડયંત્ર' કેસ તેમના ઉપર ચલાવી શકાય તેમ હતો. પરંતુ પોલીસે તેમના ઉપર 'બનારસ ષડયંત્ર' કેસ ચલાવ્યો. આ કેસમાં તેમને વધારે સજા થઈ શકે તેમ હતી. કેસનો ફેંસલો આવ્યો ત્યારે નાગેન્દ્રનાથને ચાર વર્ષની કઠોર કારાવાસની સજા સંભળાવી આગ્રાની જેલમાં મોકલી આપવામાં આવ્યા. જેલના ક્રૂર અધિકારીઓએ તેમના પર અત્યાચાર ગુજારવામાં કશું બાકી ન રાખ્યું. પશુ પણ ન ખાય તેવો ખોરાક તેમને આપવામાં આવ્યો. આવું ખાણું ખાઈને તેમને મરડો થઈ ગયો. નાગેન્દ્રનાથે જેલના અધિકારીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા વિનંતી કરી. પરંતુ જેલના નિર્દય અધિકારીઓએ તેને નાટક ગણાવી તેમની આ વાત ઉડાવી દીધી. સરકાર ઈચ્છતી જ હતી કે આ ક્રાંતિકારી કોઈ રોગનો ભોગ બનીને મૃત્યુ પામે. એવું જ થયું. થોડા દિવસમાં જ નાગેન્દ્રનાથ જેલમાં મરણને શરણ થયા.
- જિતેન્દ્ર પટેલ


