Get The App

આપણા સ્વાતંત્ર્ય નાયકો : મુકુન્દીલાલ ગુપ્ત

Updated: Apr 17th, 2026

GS TEAM

Google News
Google News
આપણા સ્વાતંત્ર્ય નાયકો : મુકુન્દીલાલ ગુપ્ત 1 - image

- 1942માં હિન્દ છોડો આંદોલનમાં ભાગ લઇને ત્રીજીવાર જેલમાં ગયા. સાત વર્ષની સજા થઈ. આ સજા પૂરી કરવાનું થાય એ પહેલાં દેશ આઝાદ થઇ ગયો, પરંતુ મુકુન્દીલાલની પરિસ્થિતિમાં કોઈ ફેર ન પડયો.

ત્રણ ત્રણ વખત જેલમાં જઇને વીસ વર્ષની કઠોર કારાવાસની સજા ભોગવનારા આ ક્રાંતિકારી ઉત્તર પ્રદેશના અરૈય્યા ગામના વતની હતા. ગામના તેઓ પહેલવાન હતા. પ્રાધ્યાપક ગેંદાલાલ દીક્ષિતનાં પરિચયમાં આવતાં તેઓ ક્રાંતિનાં રંગે રંગાયા હતા. દેશકાજે ગેંદાલાલે નોકરી છોડી દીધી તો એમને આર્થિક મદદ મુન્દીલાલે કરી. દેશવાસીઓ કે નામ સંદેશ પત્રિકા તેમણે એક જ રાતમાં આખા ઉત્તર પ્રદેશમાં વહેંચાવડાવેલી. ક્રાંતિકારી સંગઠન માટે નાણાંની આવશ્યક્તા ઊભી થઇ તો ધનવાન લોકોને ત્યાં ધાડ પાડવામાં મુકુન્દીલાલ અગ્રેસર રહ્યા. એક ગદ્દાર સાથીદારની બાતમીને કારણે પોલીસને માહિતી મળી જતાં દળનાં તમામ સભ્યો પકડાયાં. મૈનપુરી ષડયંત્ર નામે કેસ ચલાવવામાં આવ્યો. જેમાં મુકુન્દીલાલને સાત વર્ષની કઠોર કારાવાસની સજા થઇ. હસતે મોઢે મુકુન્દીલાલે આ સજા પૂરી કરી. જેલમાંથી સજાનો સ્વાદ ચાખી આવ્યા હોવા છતાં સ્વતંત્રતાનાં માર્ગમાંથી આ ક્રાંતિપુરુષ સહેજે ચલિત નહોતા થયા. કાકોરી રેલધાડમાં ભાગ લઇને બીજીવાર જેલમાં ગયા. આ વખતે તેમને દસ વર્ષની સજા કરવામાં આવી હતી. પછીથી તેમનો પાછલો રેકોર્ડ જોતાં સજા દસ વર્ષમાંથી આજીવન કરી નાંખવામાં આવી. ૧૯૩૭માં કોંગ્રેસ અને સરકાર વચ્ચે રાજકેદીઓને છોડી મૂકવાનાકરાર થતા મુકુન્દીલાલ જેલમાંથી છૂટયા. હજુ પણ આ ક્રાંતિકારીનું મનોબળ તૂટયું નહોતું. ૧૯૪૨માં હિન્દ છોડો આંદોલનમાં ભાગ લઇને ત્રીજીવાર જેલમાં ગયા. સાત વર્ષની સજા થઈ. આ સજા પૂરી કરવાનું થાય એ પહેલાં દેશ આઝાદ થઇ ગયો. પરંતુ દેશ સ્વતંત્ર થતાં ય મુકુન્દીલાલની પરિસ્થિતિમાં કોઈ ફેર ન પડયો. દારુણ ગરીબીમાં એમણે દિવસો વિતાવવાના થયા. ૧૯૬૭માં પોતાના મિત્ર રામસિંહ બંધેલને લખેલા પત્રમાં તેમણે આ વેદના વ્યક્ત કરી છે. આદરણીય ભાઈ, ૧૯૩૭માં બીજી વખત જેલયાત્રામાંથી છૂટયા પછી હું એક જમીનદારને ત્યાં કામે રહી ગયેલો. કામમાં ભેંસને ખાણ ખવડાવવાનું અને પાણી ભરવાનું. થોડો સમય સિનેમામાં પણ કામ કર્યું. ૨૦ વર્ષ કારાવાસની સજા ભોગવી. ૬૦ રૂપિયા પેન્શન મળે છે. ૧૫ રૂપિયા મકાન ભાડામાં, ૧૫ રૂપિયા કપડાં અને છૂટક ખર્ચમાં તથા ૩૦ રૂપિયા હોટલમાં જમવામાં વપરાય છે. બસ, તમારો ભાઈ મુકુન્દીલાલ. આવી ગરીબીમાં આ ક્રાંતિકારી ૧૯૯૨ સુધી જીવ્યા. જે માણસે દેશને ખાતર ૨૦ વર્ષ કઠોર કારાવાસની સજા ભોગવી એ માણસ માટે આ દેશની જનતા આઝાદી મળ્યા પછી ૪૫ વર્ષની અંદર કોઈ કાળજી ન રાખી શકી !

- જિતેન્દ્ર પટેલ