Get The App

આપણા સ્વાતંત્ર્ય નાયકો : મૌલાના મુહમ્મદ બરકતુલ્લાખાન

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
આપણા સ્વાતંત્ર્ય નાયકો : મૌલાના મુહમ્મદ બરકતુલ્લાખાન 1 - image

- અફઘાનિસ્તાનના રાજઘરાના સાથે બરકતુલ્લાને સારો સંબંધ હતો. આ સંબંધનો લાભ તેઓ ભારતને આઝાદી આપવા માટે લેવા માંગતા હતા. આ માટે તેમણે જાપાનમાં અડ્ડો જમાવ્યો. ટોકિયો યુનિવર્સિટીમાં હિન્દુસ્તાની ભણાવવાના બહાને ત્યાં ચાલતી ક્રાંતિકારી ગતિવિધિમાં ભાગ લેવા માંડયો.

અફઘાનિસ્તાનની આઝાદ હિન્દ સરકારનાં પ્રાધનમંત્રી મૌલાના મહમ્મદ બરકતઉલ્લા મધ્યપ્રદેશના ભોપાલનાં વતની હતા. અનુસ્તાનક સુધીનો અભ્યાસ કરીને થોડો સમય ખંડવા અને મુંબઈની કોલેજમાં નોકરી કરીને તેઓ લંડન ચાલ્યા ગયેલા. ત્યાં લંડન ટાઈમ્સમાં લેખ લખીને પ્રસિદ્ધ થયા. પછીથી લીવરપૂલ યુનિવર્સિટીની ઓરિએન્ટલ કોલેજમાં પ્રોફેસર તરીકે નિયુક્ત થયા. દયાનંદ સરસ્વતીની પ્રેરણાથી શ્યામજી કૃષ્ણ વર્માને લંડન આવવાનું થયું ત્યારે મૌલાના બરકતુલ્લા સાથે તેમની મુલાકાત થઈ. શ્યામજી કૃષ્ણવર્માના વિચારોથી તેઓ ખૂબ પ્રભાવિત થયા. સાત વર્ષ લંડનમાં રહીને તેઓ ન્યૂયોર્ક ગયા ત્યાંથી પ્રકાશિત થતી પત્રિકાઓમાં ક્રાંતિકારી લેખો લખવા માંડયા. અફઘાનિસ્તાનના રાજઘરાના સાથે બરકતુલ્લાને સારો સંબંધ હતો. આ સંબંધનો લાભ તેઓ ભારતને આઝાદી આપવા માટે લેવા માંગતા હતા. આ માટે તેમણે જાપાનમાં અડ્ડો જમાવ્યો. ટોકિયો યુનિવર્સિટીમાં હિન્દુસ્તાની ભણાવવાના બહાને ત્યાં ચાલતી ક્રાંતિકારી ગતિવિધિમાં ભાગ લેવા માંડયો. બરકતુલ્લાની આ હિલચાલની ગંધ આવી જતાં બ્રિટિશ સરકારે જાપાન પર હિંદપાર કરવા દબાણ કર્યું. દબાણમાં આવીને જાપાન સરકારે બરકતુલ્લાને નોકરીમાંથી છૂટા કરી દીધા. તેમનાં માટે હવે જાપાનમાં રહેવું શક્ય નહોતું. ક્રાંતિકારી ભગવાનસિંહ સાથે સાનફ્રાંસિસ્કો પહોંચી ગયા. ત્યાં તેઓ લાલા હરદયાળ દ્વારા ચલાવવામાં આવતી ગદ્દર પાર્ટીના સભ્ય બન્યા. 

ગદ્દર પાર્ટીના આદેશને કારણે ૧૦ ફેબુ્રઆરી, ૧૯૧૫ ના રોજ સાન ફ્રાન્સિસ્કોથી બર્લિન જઈ રાજા મહેન્દ્રપ્રતાપસિંહને મળ્યા. ભારતની સ્વતંત્રતા માટે બેઉ નેતા વચ્ચે લાંબી વિચારણા થઈ. પછીથી બંનેએ જર્મનીના સમ્રાટ કૈસર બિલ્હેમ બીજાને મળીને ભારતીય ક્રાંતિકારીઓને સહાયતા કરવા વિનંતી કરી. ઓક્ટોબર, ૧૯૧૫માં ઓબેદુલ્લા સિંધીને લઈને તેઓ કાબૂલ ગયા. ત્યાં રાજા મહેન્દ્રપ્રતાપની અધ્યક્ષતામાં તેઓ અફઘાનિસ્તાનના અમીર હબીતુલ્લાને મળ્યા. ૧૩ ઓક્ટોબર, ૧૯૧૫ના રોજ અફઘાનિસ્તાનમાં આઝાદ હિન્દ સરકારની રચના કરવામાં આવી. બરકતુલ્લા તેના પ્રધાનમંત્રી બન્યા. પરંતુ ભારતને આઝાદી અપાવવાનો તેમનો આ પ્રયાસ સફળ ન રહ્યો. ધરપકડનાં વાદળો ઘેરાતાં પાછા જર્મની જતા રહ્યા. ત્યાંથી બેલ્જિયમ, રૂસ આદિ દેશોનું ભ્રમણ કરી સાન ફ્રાંસિસ્કો આવ્યા. ત્યાં ગદર પાર્ટી દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. માતૃભૂમિની મુક્તિ માટે આ દેશભક્તે એટલી બધી રઝળપાટ કરી કે તેમનું સ્વાસ્થ્ય કથળ્યું. સાન ફ્રાંસિસ્કોમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારે તેના જવાબમાં બે શબ્દો બોલવા જેટલા પણ તેઓ શક્તિમાન નહોતા રહ્યા. દેશને આઝાદ જોવાનું સ્વપ્ન અધૂરું મૂકી તેઓ દેશથી માઈલો દૂર વિદેશની ભૂમિ પર આ દુનિયા છોડીને ચાલ્યા ગયા.

- જિતેન્દ્ર પટેલ