- બંગાળના પ્રસિદ્ધ ક્રાંતિકારી રાસબિહારી બોઝ પણ ત્યારે પંજાબમાં કામ કરી રહ્યા હતા. બંનેએ સાથે મળીને પંજાબમાં વિલ્પવ કરવાનું આયોજન કર્યું. તેના ભાગરૂપે વાઈસરોય હાર્ડીંગ પર બોમ્બ ફેંકવાનો નિર્ણય કરવામાં આવ્યો.
વિદ્યાર્થીઓને કોલેજમાં ખૂબ નિષ્ઠાપૂર્વક ભણાવતા એટલે તેઓ માસ્ટર અમીરચંદના નામથી પ્રસિદ્ધ થયા. વતન દિલ્હી. ધાર્મિક અને સમાજસેવાની ભાવનાથી તેઓ ભરપૂર. સ્વામી રામતીર્થના સંપર્કમાં આવતાં તેમની વિચારધારાના પ્રચારક બની ગયા. ગદરપાર્ટીનાં સ્થાપક લાલા હરદયાળ પણ દિલ્હીના વતની હતા. લાલાનાં પરિચયથી માસ્ટરનો આધ્યાત્મિક જગતમાંથી ક્રાંતિજગતમાં પ્રવેશ થયો. લાલાને વિદેશ જવાનું થયું ત્યારે પંજાબમાં ક્રાંતિકારી ચળવળનું કામ તેમને સોંપતા ગયા. બંગાળના પ્રસિદ્ધ ક્રાંતિકારી રાસબિહારી બોઝ પણ ત્યારે પંજાબમાં કામ કરી રહ્યા હતા. બંનેએ સાથે મળીને પંજાબમાં વિલ્પવ કરવાનું આયોજન કર્યું. તેના ભાગરૂપે વાઈસરોય હાર્ડીંગ પર બોમ્બ ફેંકવાનો નિર્ણય કરવામાં આવ્યો. તે વખતે ભારતની રાજધાની કોલકાતાથી દિલ્હી સ્થાનાંતરિત થઈ રહી હતી. વાઈસરોય સ્પેશિયલ ટ્રેન દ્વારા કોલકાતાથી દિલ્હી આવવાના હતા. ક્રાંતિકારીઓએ બોમ્બ દ્વારા તેમનું સ્વાગત કરવાનું નક્કી કર્યું. દળ વતી આ કામ માસ્ટરે વસંતકુમાર વિશ્વાસને સોંપ્યું. તે દિવસે વસંતકુમારને એમણે પોતાને ઘેર રાખ્યા. ઘેરથી ચાંદનીચોકની પંજાબ નેશનલ બેંકના ભવન સુધી વસંતકુમારને તેઓ જ લઈ ગયા. નિર્ધારિત યોજના મુજબ વસંતકુમારે વાઈસરોયની સવારી ઉપર બોમ્બ ફેંક્યો. જેનાથી વાઈસરોય ઘવાયા ખરા, પણ મર્યા નહિ. માર્યો ગયો એમનો અંગરક્ષક. આ ષડયંત્રથી અંગ્રેજ સરકાર સમસમી ઊઠી. કોણે આ હિંમત કરી ? ચોમેર જાસૂસો દોડાવવામાં આવ્યા. તો પણ જરા સરખીયે સફળતા ન મળી. માસ્ટરે લીબર્ટી નામની પત્રિકા છપાવીને આ ઘટનાને આ પ્રમાણે વધાવી : 'ગીતા, વેદ અને કુરાનના મતાનુસાર એ જ યોગ્ય ઠેરવવામાં આવ્યું છે કે જાતિ, રંગ અને સંપ્રદાયનો ભેદ ભૂલીને માતૃભૂમિનાં બધા દુશ્મનોનો સફાયો કરી દેવામાં આવે. દિલ્હીમાં વાઈસરોય પર કરવામાં આવેલા હુમલાથી એ સિધ્ધ થાય છે કે ઇશ્વરની જ એ ઇચ્છા છે કે આ બધું કરવામાં આવે.' ગુનેગારને શોધવા ધમપછાડા મારતી અંગ્રેજ સરકારે આ લખાણના આધારે માસ્ટરની ધરપકડ કરી લીધી. તેમના પર રાજદ્રોહનો આક્ષેપ લગાવી કેસ ચલાવવામાં આવ્યો. પોતાનો પાલકપુત્ર જ સાક્ષી બનતા ષડયંત્રની બધી વિગતો બહાર આવી ગઈ. સરકારે તમામ આરોપીની ધરપકડ કરી લીધી. જે દીકરાને પાળ્યો-પોષ્યો એણે જ પોતાની સાથે વિશ્વાસઘાત કર્યો ! જીવન પરથી મન ઊઠી ગયું. સતત ઉદાસ રહેવા લાગ્યા. કોર્ટે જ્યારે ફાંસીનો ચુકાદો સંભળાવ્યો ત્યારે તેઓ આઘાત પામવાને બદલે ખુશ થયા. વરમાળા પહેરતા હોય એમ પ્રસન્ન ચિત્તે ગળામાં ગાળિયો નાંખીને અંબાલાની જેલમાં ફાંસીએ લટકી ગયા.
- જિતેન્દ્ર પટેલ


