- કર્ઝને માન્યું કે મિત્રનો દીકરો પોતાને મળવા આવ્યો છે. ત્યાં તો ધડાધડ કરતી બે ગોળીઓ તેની છાતીમાં ઘૂસી ગઈ. કર્ઝન ત્યાં જ ઢળી પડયો. આટલું થયા પછી પણ મદનલાલ સહેજ પણ ભયભીત ન થયા. ઘડીક તો કોઈ માની ન શક્યું કે ગોળીબાર ખરેખર તેમણે કર્યો છે ?
મદનલાલના પિતા ડૉ. દીત્તા દેશવાસીઓમાં કાળા અંગ્રેજ તરીકે ઓળખાતા હતા. તેમનો મોટો દીકરો પણ એવો જ હતો. લંડન ગયા પહેલાં તો મદનલાલની વિચારધારાએ ઘરનાં સભ્યોને મળતી જ હતી. ત્યાં શ્યામજીકૃષ્ણ વર્મા અને સાવરકરના સંપર્કમાં આવતા મદનલાલમાં ચમત્કારિક પરિવર્તન આવ્યું. તેઓ અંગ્રેજ શાસનના કટ્ટર વિરોધી બની ગયા. માતૃભૂમિ માટે પોતાનું બલિદાન આપવા તલપાપડ થવા માંડયા. કેટલાકને તેમનામાં આવેલા આ પરિવર્તનમાં વિશ્વાસ ન બેઠો. કોઈએ એમને કહ્યું પણ ખરું, 'મદન ક્રાંતિકારી બનીને કેવું કષ્ટ વેઠવાનું થાય છે એની ખબર છે ?' જવાબમાં મદનલાલે કહ્યું 'એ સહન કરવા હું તૈયાર છું.' કસોટીરૂપે મદનલાલની હથેળી સોંસરવી સોય પસાર કરવામાં આવી. મદનલાલના મોંમાંથી ઊંહકારો પણ ન નીકળ્યો. આવી જ રીતે તેમણે રસાયણ ઉકાળવા મૂકેલું ધગધગતું તપેલું હાથેથી ઉપાડીને સહનશક્તિનો પરિચય આપ્યો. મદનલાલ હવે કસોટીની એરણમાંથી પસાર થઈ ગયેલા ઈન્ડિયા હાઉસનાં સભ્ય તરીકે ઓળખવા લાગ્યા. સાવરકર હવે તેમને બહુ મોટું કામ સોંપવા માંગતા હતા. એ વખતે લંડનમાં નેશનલ ઈન્ડિયન એસોસિએશન નામની એક સંસ્થા અંગ્રેજ સરકાર ચલાવતી હતી. તેમાં લંડન અભ્યાસ માટે આવતા ભારતીય યુવકોને અંગ્રેજોના વફાદાર સેવકો બનાવવાની પ્રેરણા આપવામાં આવતી. આ સંસ્થાનો વડો હતો કર્ઝન વાયલી. થોડાં વરસો પહેલાં તે ભારતમાં ફરજ બજાવતો હતો ત્યારે એણે દેશવાસીઓ ઉપર અત્યાચાર ગુજારવામાં કશું બાકી રાખ્યું નહોતું. ઇન્ડિયા હાઉસ વતી કર્ઝન વાયલીને ઠાર કરવાનું કામ મદનલાલે પોતાને માથે લીધું. કર્ઝન આમ તો મદનલાલના પિતાનો મિત્ર હતો. માનલાલની ક્રાંતિકારીઓ સામેની સાંઠગાંઠથી એ સખત નારાજ હતો. તેના પિતાને આ બાબતે તેણે અનેક વખત ફરિયાદ પણ કરી હતી. ૧ જુલાઈ, ૧૯૦૯નો દિવસ. સુંદર સુટ અને માથે પાઘડી પહેરીને મદનલાલ બરાબર આઠ વાગ્યે જહાંગીર હોલમાં પહોંચી ગયા. અંગ્રેજ મિત્રો સાથે હળીમળીને વાતો કરવા માંડયા. કોઈને ગંધ પણ ક્યાંથી આવે કે મદનલાલના ખિસ્સામાં પિસ્તોલ હશે. રાતના અગિયાર વાગ્યા સુધી સમારોહ ચાલ્યો. કાર્યક્રમ પૂરો થયો કે મદનલાલ કર્ઝન વાયલી પાસે આવ્યા. કર્ઝને માન્યું કે મિત્રનો દીકરો પોતાને મળવા આવ્યો છે. ત્યાં તો ધડાધડ કરતી બે ગોળીઓ તેની છાતીમાં ઘૂસી ગઈ. કર્ઝન ત્યાં જ ઢળી પડયો. આટલું થયા પછી પણ મદનલાલ સહેજ પણ ભયભીત ન થયા. ઘડીક તો કોઈ માની ન શક્યું કે ગોળીબાર ખરેખર તેમણે કર્યો છે ? ધરપકડ કરીને તેમના પર કેસ ચલાવવામાં આવ્યો. લંડનની ધરતી પર જ આ ક્રાંતિકારીને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો.
- જિતેન્દ્ર પટેલ


