Get The App

આપણા સ્વાતંત્ર્ય નાયકો : કરતારસિંહ સરાબા

Updated: May 16th, 2025

GS TEAM


Google News
Google News
આપણા સ્વાતંત્ર્ય નાયકો : કરતારસિંહ સરાબા 1 - image


- પોલીસ સતર્ક થઈ ગઈ હતી. ગદર પાર્ટીના કાર્યકરોને ગિરફતાર કરવા માંડયા. ધરપકડથી બચવા કરતારસિંહ એમના ત્રણ સાથીઓ સાથે અફઘાનિસ્તાન ભણી નાઠા

યુવા ક્રાંતિકારી કરતારસિંહ સરાબા પંજાબના લુધિયાણા પાસેના સરાબા ગામના વતની હતા. તેમના જન્મના બીજા જ વરસે પિતાનું અવસાન થયેલું. પ્રાથમિક શિક્ષણ લુધિયાણામાં લઈ ઉચ્ચ અભ્યાસ માટે પી.એસ.આઈ.ની નોકરી કરતા કાકા પાસે ઓરિસ્સા જતા રહેલા. રમતગમતમાં એમને ઊંડી રૂચિ. અભ્યાસમાં પણ એટલા જ રત. કાકા તેની હોશિયારીથી સારી રીતે પરિચિત હતા. એમને થયું આ છોકરાને અમેરિકા ભણવા મોકલવામાં આવે તો એ ગામનું નામ રોશન કરે. કરતારસિંહને તો ભાવતું હતું ને વૈદે બતાવવા જેવું થયું. સોળ વર્ષની ઉંમરે તેમણે અમેરિકાની વાટ પકડી. સાથે એટલા બધા પૈસા ક્યાં લાવ્યા હતા ? રહેવા જમવાનો ખર્ચ કાઢવા તેમણે અભ્યાસની સાથે એક બગીચામાં ફળ વીણવાનું કામ કરવા માંડયું. કરતારસિંહ જેમાં અભ્યાસ કરતા હતા એ કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં અનેક ભારતીય વિદ્યાર્થીઓ હતા.

આ વિદ્યાર્થીઓને ભાષણ આપવા એક દિવસ લાલ હરદયાળ આવી ચડયા. તેમનું ઓજસ્વી ભાષણ સાંભળીને પ્રભાવિત થઈ ગયેલા કરતારસિંહ ગદર પાર્ટીના સભ્ય બની ગયા. 'ગદર' પત્રિકાની સઘળી જવાબદારી તેમણે સંભાળવા માંડી. આ આરસામાં વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. આ તકનો લાભ લઈ મેળવવાનું કામ આસાન બની જાય તેમ હતું. આ કાર્ય માટે પાર્ટી તરફથી સેંકડો કાર્યકરો ભારત મોકલવામાં આવ્યા. તેમાં કરતારસિંહ મુખ્ય હતા. પોતાનો અભ્યાસ પડતો મુકીને તેઓ માતૃભૂમિની મુક્તિ માટે સ્વાતંત્ર્ય સૈનિક બન્યા. ભારત આવીને તેમણે અહીંના ક્રાંતિકારીઓ રાસબિહારી બોઝ અને શચીંન્દ્રનાથ સાન્યાલ સાથે મળીને વિપ્લવની યોજના ઘડી કાઢી. તેની તારીખ પણ નક્કી થઈ. ૨૧ ફેબુ્રઆરી, ૧૯૧૫. પરંતુ કદાર કૃપાલસિંહને કારણે આખી યોજના પર પાણી ફરી વળ્યું. સરકારને તેની ગંધ આવી ગઈ. વિદ્રોહની તારીખ બદલી બે દિવસ વહેલી કરી નાખવામાં આવી. પરંતુ ત્યાં સુધીમાં તો પોલીસ સતર્ક થઈ ગઈ હતી. ગદર પાર્ટીના કાર્યકરોને ગિરફતાર કરવા માંડયા. ધરપકડથી બચવા કરતારસિંહ એમના ત્રણ સાથીઓ સાથે અફઘાનિસ્તાન ભણી નાઠા. પરંતુ નાસી છુટવા બદલ એમનો આત્મા ડંખતો રહ્યો. તરત પરત થયા. પાછા ફરતી વખતે સરહદ પર જ તેમની ધરપકડ કરી લેવામાં આવી. લાહોરની જેલમાં પૂરીને 'લાહોર ષડયંત્ર કેસ'ના નામથી તેમના પર કેસ ચલાવવામાં આવ્યો. ચુકાદો આવ્યો. ફાંસીની સજા ! ઓગણીસ વર્ષનો આ યુવાન ક્રાંતિકારી પોતાના બધાં અરમાન અધૂરાં મુકી રાષ્ટ્ર કાજે લાહોરની સેંટ્રલ જેલમાં ફાંસીના ફંદે લટકી ગયો.

- જિતેન્દ્ર પટેલ

Tags :