આપણા સ્વાતંત્ર્ય નાયકો : કનૈયાલાલ દત્ત
- ફાંસીની આગલી રાત્રે પણ એ એટલું ઊંઘ્યા કે સવાર જેલરે એમને ઉઠાડવા પડયા. આવા જ બિન્ધાસ્તપણે તેઓ ફાંસીના ગળિયે લટકી ગયા
કનૈયાલાલ દત્ત બંગાળના વતની હતા. વારીન્દ્રનાથ ઘોષ દ્વારા ચલાવવામાં આવતી 'અનુશીલન સમિતિ'ના તેઓ સભ્ય હતા. 'અલીપુર બોમ્બ કેસ'માં તેમની ધરપકડ કરવામાં આવેલી. તેમની સાથે તેમના બે સાથીદારો સત્યેન્દ્ર બોઝ અને નરેન્દ્ર ગોસ્વામીને પણ જેલમાં પુરવામાં આવેલા. આ ષડયંત્રના હજુ ઘણા ક્રાંતિકારીઓ પોલીસને હાથ આવ્યા નહોતા. તેને શોધવા માટે પોલીસ રાતદિવસ એક કરી રહી હતી, પરંતુ સફળતા નહોતી મળતી.
અંગ્રેજ સરકારની નીતિ મુજબ પોલીસે હવે ક્રાંતિકારીઓમાંથી કોઈને ફોડવાનો પ્રયાસ કરવા માંડયો. એમાં એને સફળતા મળી પણ ખરી. કનૈયાલાલ દત્ત સાથે પકડાયેલા ક્રાંતિકારી નરેન્દ્ર ગોસ્વામીને જેલમાંથી મુક્ત કરવા તથા આર્થિક મદદ કરવાની લાલચ આપવામાં આવતાં તેણે ફરારી ક્રાંતિકારીઓના નામ સરનામાં આપી દીધા. આ ગદાર કનૈયાલાલને અંગ્રેજ સરકાર કરતાં વધારે ખૂંચવા માંડયો. એમણે મનોમન નિશ્ચય કર્યો કે સૌથી પહેલા તો આનો જ નિકાલ કરીશું. પછી અંગ્રેજ સરકાર સામે બાથ ભીડીશું. સાથીદાર સત્યેન્દ્ર બોઝ સાથે મળીને એક યુક્તિ ઘડી કાઢી. બીમાર હોવાનું નાટક કરી બેઉ જેલની હોસ્પિટલમાં દાખલ થઈ ગયા. નરેન્દ્ર ગોસ્વામીને તો દેશદ્રોહ કર્યો એ સાથે જ કડક સુરક્ષાવાળા યુરોપિયન વોર્ડમાં ખસેડી દેવામાં આવ્યો હતો. જેલની હોસ્પિટલમાંથી સત્યેન્દ્રનાથે તેને એવા સમાચાર મોકલ્યા કે 'પોતાનું મન પણ હવે ક્રાંતિકારી ગતિવિધિમાંથી ઊઠી ગયું છે અને તે માફી માગવા તૈયાર છે' આ સમાચાર સાંભળી નરેન્દ્ર ગોસ્વામી તેમની સાથે ચર્ચા કરવા જેલની હોસ્પિટલમાં આવી ચડયો. કનૈયાલાલ દત્ત અને સત્યેન્દ્રનાથ તૈયાર થઈને જ બેઠા હતા. ખુલ્લા વરંડામાં જ તેમને મળવાની જેલના અધિકારીઓએ ફરજ પાડી હતી. તો પણ નરેન્દ્ર ગોસ્વામી ન બચી શક્યો. ત્યાં આવ્યો એની બીજી જ મિનિટે એના પર ગોળી છુટી ગઈ. ઘાયલ હાથે નરેન્દ્રે 'બચાવો' 'બચાવો' બૂમ પડતાં ભાગવા માંડયું. કનૈયાલાલે તેનો પીછો કર્યો.
અંગ્રેજ અધિકારી લિંટન કનૈયાલાલની મદદ આવ્યો. તેણે કનૈયાલાલને પોતાની બાથમાં જકડી લીધા. પરંતુ કનૈયાલાલે એની ખોપરીમાં ગોળી મારીને બંધનમાંથી મુક્ત થઈ પાછો નરેન્દ્ર ગોસ્વામીનો પીછો કર્યો. પિસ્તોલમાં છેલ્લી જ ગોળી વધી હતી. આત્મવિશ્વાસ સાથે એ ગોળી શિકાર ઉપર છોડી દીધી. નરેન્દ્ર ગોસ્વામી ત્યાં જ ઢળી પડયો. કનૈયાલાલે નાસી ન છૂટતાં સામે ચાલીને ધરપકડ વહોરી લીધી. વકીલ રાખવાની પણ ના પાડી. કેસ ચાલ્યો. ફાંસીની સજા સંભળાવવામાં આવી. ફાંસી પહેલાના દિવસોમાં એમનું વજન પંદર રતલ વધ્યું. ફાંસીની આગલી રાત્રે પણ એ એટલું ઊંઘ્યા કે સવાર જેલરે એમને ઉઠાડવા પડયા. આવા જ બિન્ધાસ્તપણે તેઓ ફાંસીના ગળિયે લટકી ગયા.
- જિતેન્દ્ર પટેલ