- વાઇસરોય ઇરવીનને ઠાર કરવાની યોજના ઘડવામાં આવી. જેના માટે તેમની સાથે શિવ વર્મા અને રાજગુરુની પણ પસંદગી કરવામાં આવી. જે દિવસે તેઓ બોમ્બ સાથે સજ્જ થઇને નીકળ્યા તે દિવસે વાઇસરોયની ગાડીમાં વાઈસરોયની જગ્યાએ બે મહિલાઓ બેઠી હતી. નિર્દોષ મહિલાની હત્યા કેમ થાય ? યોજના ત્યાં પડતી મૂકી દેવી પડી.
પ્રખર આર્યસમાજી જયદેવ કપૂર પંજાબના હરદોઈના વતની હતા. છોટા મહારાજના અખાડમાં નાની ઉંમરે તેમણે કુસ્તીના દાવ-પેચ શીખી લીધેલા. આઠ વર્ષની વયે તેમણે પોતાના બળદને ચાબુક ફટકારનાર અંગ્રેજને ગાળો દીધેલી. આ ઘટનાથી એના મનમાં અંગ્રેજ વિરોધનાં બીજ વવાયેલાં. કાનપુરની ડી.એ.વી. કોલેજમાં ક્રાંતિકારી શિવ વર્મા તેમના સહાધ્યાયી હતા. 'હિન્દુસ્તાન પ્રજાતંત્ર સંઘના' બન્ને સાથે જ સભ્ય બનેલા. કાનપુરમાંથી બીએસ.સી. કરીને એન્જિનીયરીંગનો અભ્યાસ કરવા તેઓ બનારસ આવેલા. દળ તરફથી જ જયદેવ બનારસ જઇને અભ્યાસની સાથે દળનું કામ કરે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.
૮ સપ્ટેમ્બર, ૧૯૨૮ના રોજ ફિરોજશાહ કોટલા કિલ્લાના ખંડેરમાં ક્રાંતિકારીઓની ગુપ્ત બેઠક મળી તેમાં તેઓ પણ હાજર રહ્યા. તે વખતે 'હિન્દુસ્તાન પ્રજાતંત્ર સંઘ'ની જગ્યાએ 'હિન્દુસ્તાન સમાજવાદી પ્રજાતંત્ર સંઘ'ના નામના ભગતસિંહના પ્રસ્તાવનું તેમણે સમર્થન કર્યું. બાદમાં દળ તરફથી તેમને સંગઠનની જવાબદારી સોંપવામાં આવી. આ કાર્ય માટે તેમને ઘર-પરિવાર છોડીને ફરારી જીવન જીવવાનું થયું. આગ્રામાં થોડા દિવસ રહી તેમણે બોમ્બ બનાવવાનું શિક્ષણ લીધું. પછીથી દળ તરફથી વાઇસરોય ઇરવીનને ઠાર કરવાની યોજના ઘડવામાં આવી. જેના માટે તેમની સાથે શિવ વર્મા અને રાજગુરુની પણ પસંદગી કરવામાં આવી. દુર્ભાગ્યે આ યોજના સફળ ન થઇ. જે દિવસે તેઓ બોમ્બ સાથે સજ્જ થઇને નીકળ્યા તે દિવસે વાઇસરોયની ગાડીમાં વાઈસરોયની જગ્યાએ બે મહિલાઓ બેઠી હતી. નિર્દોષ મહિલાની હત્યા કેમ થાય ? યોજના ત્યાં પડતી મૂકી દેવી પડી. દળ તરફથી સહારનપુરમાં બોમ્બની ફેકટરી ચાલુ કરવાનું નક્કી થતાં તેમને દિલ્હીથી સહારનપુર ખસેડવામાં આવ્યા. સાથે હતા શિવ વર્મા અને ડૉ. ગયાપ્રસાદ. ડૉક્ટરના દવાખાનામાં જ બોમ્બ બનતા હતા. આર્થિક ભીડને કારણે દવાખાનાની રોનક દવાખાના જેવી જ થઇ શકી ને પોલીસને ગંધ આવી ગઈ. એક રાતે ડૉક્ટરની ગેરહાજરીમાં ડોક્ટરને ઘેરથી તેમને અને શિવ વર્માને ગિરફતાર કરી લેવામાં આવ્યા. લાહોરની જેલમાં ધકેલી લાહોર ષડયંત્ર કેસમાં તેમને સામેલ કરી દેવામાં આવ્યા. અદાલતનો ચુકાદો આવ્યો ત્યારે તેમને આજીવન કાળાપાણીની સજા થઈ. જેલના અધિકારીઓના અત્યાચાર સામે તેઓ જેલમાં રહ્યા ત્યાં સુધી સંઘર્ષ કરતા રહ્યા. બેડી પહેરેલા હાથે જેલરને પછાડી તેના બે દાંત તોડી નાખ્યા. બદલામાં તેમને પાર વગરની સજા થઈ. સોળ વર્ષ જેલની આ યાતના તેમણે વેઠી. છૂટયા પછી પણ દેશ આઝાદ થયો ત્યાં સુધી જેલની આવનજાવન ચાલુ રહી.
- જિતેન્દ્ર પટેલ


