આપણા સ્વાતંત્ર્ય નાયકો : જતીન બાઘા .
- ગામવાળાને શંકા પડી. એમણે ક્રાંતિકારીઓને જાતજાતના પ્રશ્નો કર્યા. ક્રાંતિકારીઓ પોતાની અસલી ઓળખ આપવા માગતા ન હોવાથી ત્યાંથી આગળ નીકળી ગયા. ગામલોકોએ ડાકુ સમજી તેનો પીછો કર્યો
મૂળ નામ જ્યોતીન્દ્રનાથ મુખરજી. યુવાનીમાં એક વાઘને માર્યો હોવાથી તે જતીન બાઘા તરીકે ઓળખાયા. મોટો થઇને આ ક્રાંતિકારી બ્રિટિશ વાઘને ભારે થઇ પડયો. વતન બંગાળનું કૃષ્ણનગર પાસેનું કયા ગામ. વાઘ સાથેના યુદ્ધમાં ઘાયલ થવાથી અભ્યાસમાં તેમનું એક વર્ષ બગડેલું. બીજે વર્ષે અભ્યાસ પૂરો કરીને તેઓ અંગ્રેજ સરકારની એક કંપનીમાં માસિક પચાસ રૂપિયા પગારે નોકરીએ રહી ગયા. અહીંના અધિકારીઓની ભેદભાવભરી નીતિથી તેમના મનમાં બ્રિટિશ સરકાર પ્રત્યે ધૃણા પેદા થઈ. અરવિંદ ઘોષના સંપર્કમાં આવતા ક્રાંતિકારી સંગઠન 'બાંધવ સમિતિ'ના સભ્ય બન્યા. આ ક્રાંતિકારી સંગઠનના નેતાઓએ ખુફિયા વિભાગના ડેપ્યુટી સુપરીટેન્ડન્ટ સમ્સુલ આલમને મોતને ઘાટ ઉતાર્યો. સરકારે જતીન બાઘાની ધરપકડ કરી. પરંતુ કોઈ આરોપ સિદ્ધ ન થતાં છોડી દેવા પડયા. સાથે સાથે નોકરીમાંથી પણ છૂટા કર્યા. તેમણે હવે સંપૂર્ણ જીવન ક્રાંતિને સમર્પિત કરી દીધું. ક્રાંતિકારી દળ માટે હથિયારની જરૂર પડી તો હથિયારનો વેપાર કરતી રોડા કંપની પર ધાડ પાડી. આ સમયગાળામાં પ્રથમ વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું. જેમાં ઇંગ્લેન્ડ અને જર્મની આમને સામને હતા. ભારતમાં બ્રિટિશ સરકાર સામે વિદ્રોહ જગાવવા ક્રાંતિકારી દળે જર્મનીના રાજદૂત સાથે તેના સહયોગ અંગે કેટલીક મંત્રણા કરી. આ મંત્રણા અનુસાર જર્મની ક્રાંતિકારીઓને ધન અને શસ્ત્રો આપવાનું હતું. દળ વતી જતીનેશસ્ત્રો લેવા નરેન્દ્ર ભટ્ટાચાર્યને જર્મની મોકલ્યા. પંરતુ જર્મનીથી મોકલાયેલું હથિયાર ભરેલું જહાજ બ્રિટિશ સરકારે પકડી પાડયું. સરકાર વધારે કડક બની. ક્રાંતિકારી સંગઠનો જ્યાં જ્યાં ચાલતા હતા ત્યાં છાપા મારવા માંડયા. ધરપકડથી બચવા જતીન સાથીદારો સાથે બાલાસોર તરફ ભાગી નીકળ્યા. પરંતુ ત્યાંયે સલામતી ન જણાતાં તેમના દળે આગળનો રસ્તો પકડયો. થાક્યા પાક્યા તેઓ દૂમાદ્રા ગામે આવ્યા. ગામમાં ભોજનસામગ્રી બાબતે પૂછપરછ કરતાં ગામવાળાને શંકા પડી. એમણે ક્રાંતિકારીઓને જાતજાતના પ્રશ્નો કર્યા. ક્રાંતિકારીઓ પોતાની અસલી ઓળખ આપવા માગતા ન હોવાથી ત્યાંથી આગળ નીકળી ગયા. ગામલોકોએ ડાકુ સમજી તેનો પીછો કર્યો. તેમને ડરાવવા ક્રાંતિકારીઓએ હવામાં ગોળીબાર કર્યો. ગામલોકોએ હવે બે માણસોને પોલીસને જાણ કરવા મોકલ્યા. ખબર પડી એવી પોલીસ ત્યાં આવી પહોંચી. ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ ક્લિબી સહિત કેટલાય પોલીસ અફસરો તે કાફલામાં હતા. સામસામે ગોળીબાર થયો. પાંચ ક્રાંતિકારીઓ પાંચસો જેટલા પોલીસ અધિકારીઓ અને ગ્રામવાસીઓ સામે ક્યાં સુધી ટક્કર લઇ શકે ? જતીનના પેટમાં ગોળી વાગતાં એ ત્યાં જ ઢળી પડયા. બીજે દિવસે હોસ્પિટલમાં જ તેમણે પ્રાણ છોડી દીધા.
- જિતેન્દ્ર પટેલ