Get The App

આપણા સ્વાતંત્ર્ય નાયકો : ઈન્દુભૂષણ રોય

Updated: May 9th, 2025

GS TEAM

Google News
Google News
આપણા સ્વાતંત્ર્ય નાયકો : ઈન્દુભૂષણ રોય 1 - image

- આ તો ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થયું. ઝેરીલી જાળી કાપીને તેમાંથી રસ્સી બનાવવાનું કામ સોંપવામાં આવ્યું. જાળીમાંથી ટપકતાં ઝેરી રસને કારણે તેમના હાથમાં ફોલ્લા પડયા

આંદામાનની જેલની અસહ્ય યાતના સહન ન થતાં આત્મહત્યા કરી લેનારા ક્રાંતિકારી ઈન્દુભૂષણ રે બંગાળના વતની હતા. નાનપણમાં તેઓ આઘ્યાત્મિક વિચાર તરફ ઢળેલા હતા. દીકરો સાધુ-બાવો બની જાય એ પહેલાં માબાપે એને પરણાવી દેવાનું યોગ્ય માન્યું. પરંતુ માબાપની આ હિલચાલની ગંધ આવી જતાં ઇન્દુભૂષણ ઘર છોડીને ભાગી નીકળ્યા. તેમનો વિચાર સન્યાસી બનીને ભારતભ્રમણ કરવાનો હતો. તેઓ કોલકાતા પહોંચ્યા ત્યાં એમને ક્રાંતિકારી વારીન્દ્રનાથ ઘોષનો ભેટો થઈ ગયો. વારીન્દ્રનાથ ઘોષના વિચારથી પ્રભાવિત થઈ ઇન્દુભૂષણ તેમના ક્રાંતિકારી દળમાં સામેલ થઈ ગયા. ત્યાં અલીપુરમાં ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ બોમ્બ ફેંકીને કિંગ્સ ફોર્ડને બદલે બે અંગ્રેજ મહિલાને મોતને ઘાટ ઉતારી. 

આ ષડયંત્રથી અંગ્રેજ સરકાર કાળઝાળ થઈ ઊઠી. ચાલીસથી વધારે ક્રાંતિકારીઓની ધરપકડ કરી કેસ ચલાવવામાં આવ્યો. આ ચાલીસમાં એક ઈન્દુભૂષણ પણ હતા. તેમને દસ વર્ષની કારાવાસની સજા સંભળાવી આંદામાન મોકલી આપવામાં આવ્યા. અહીં તેમના દુઃખી જીવનનો પ્રારંભ થયો. મજૂરી માટે તેમને જેલથી માઈલો દૂર ચાલીને જવું પડતું. તેમાં તેઓ બીમાર પડયા. સારવાર માટે જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તેમાં ઉપચાર બદલે અપમાન થતું રહ્યું. ઇન્દુભૂષણે જેલના અધિકારીઓને જેલની અંદર કામ સોંપવા માટે વિનંતી કરી. થોડા દિવસ તો એમની આ વિનંતી કાને ધરવામાં ન આવી. પરંતુ તબિયત વધારે કથળી એટલે એમને જેલની અંદર કામ સોંપવામાં આવ્યું. આ તો ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થયું. ઝેરીલી જાળી કાપીને તેમાંથી રસ્સી બનાવવાનું કામ સોંપવામાં આવ્યું. જાળીમાંથી ટપકતાં ઝેરી રસને કારણે તેમના હાથમાં ફોલ્લા પડયા. હાથ એવો તો ખદખદી ગયો કે એના વડે ખાઈ પણ શકાતું નહિ. ઇન્દુભૂષણે ફરી જેલના અધિકારીને વિનંતી કરી કે તેમને બીજું કોઈ કામ સોંપવામાં આવે. આ વિનંતીના બદલામાં સજારૂપે અગાઉ કરતાં પણ કઠિન કામ મળ્યું. ધાણીએ જોતરાઈને તેલ કાઢવાનું. રોજના ૩૦ પાઉન્ડ તેલ! ઈન્દુભૂષણથી એટલું તેલ ન નીકળ્યું શક્યું. જેલના અધિકારીએ ધમકી ઉચ્ચારી ઃ 'કાલે જો પૂરેપૂરું તેલ ન કાઢયું તો જલ્લાદને બોલાવીને તારા શરીર પર કોરડા ફટકારવામાં આવશે.' 

આ યાતનામાંથી છૂટવા ઇન્દુભૂષણ માટે એક જ માર્ગ બચ્યો હતો. આપઘાત ! પરંતુ આપઘાત કરવો કઈ રીતે ? પોતાની કોટડીની છતમાં હુક તો હતો, પણ દોરડું ક્યાંથી લાવવું ? ઇન્દુભૂષણે પોતાના કપડાં ફાડી તેનું દોરડું બનાવ્યું. રાત્રે બધા સૂઈ ગયા ત્યારે આ ક્રાંતિકારી દોરડાના ગાળિયે લટકી ગયો. સવારે આંદામાનની જેલના કેદીઓમાં હાહાકાર મચી ગયો. દેશની જનતાને તો ઇન્દુભૂષણની આત્મહત્યાના સમાચાર કેટલાય દિવસો પછી મળ્યા.

- જિતેન્દ્ર પટેલ