આપણા સ્વાતંત્ર્ય નાયકો : ગોવિંદરામ વર્મા
- એક દિવસ બપોરે અગિયાર વાગ્યે મકાનનું બારણું ખખડયું. પોલીસ હોવાની શંકા પડતાં ક્રાંતિકારીઓએ આપત્તિજનક દસ્તાવેજો સળગાવવા માંડયા. બારણું ન ખૂલ્યું એટલે પોલીસે ગોળીબાર શરૂ કર્યો એના જવાબમાં ક્રાંતિકારીઓ અંદરથી સામો ગોળીબાર કર્યો
ગોવિંદરામ વર્માના પિતા અમૃતસરના પ્રતિષ્ઠિત વેપારી હતા. શંભુનાથ આઝાદની ક્રાતિકારી પાર્ટીમાં જોડાયા પહેલાં જ ગોવિંદરામના લગ્ન થઇ ગયેલાં. એમનું ગૃહસ્થ જીવન સુખમાં વીતતું હતું. મિત્ર રોશનલાલ મેહરાના પગલે તેઓ ક્રાંતિકારી બનેલા. પાર્ટીના તેઓ સંનિષ્ઠ સૈનિક બનીને રહ્યા. પાર્ટી તરફથી સભ્યોને મદ્રાસ મોકલવાનું નક્કી થયું તો ગોવિંદરામે કશા ખચકાટ વગર એ આદેશ શિરોમાન્ય કર્યો. ઘરેથી આવા કામ માટે કઇ રીતે અનુમતિ મળી શકે ? કોઇને કહ્યા વગર પહેર્યાં કપડે નીકળી જવાનો એમણે નિર્ણય કર્યો. રાતના નવ વાગ્યે તેઓ ઘર બહાર નીકળવા ઊભા થયા કે પત્નીએ સ્વાભાવિક પ્રશ્ન કર્યો, 'ક્યાં જાવ છો ?' જવાબમાં ગોવિંદરામ જૂઠું બોલ્યા : 'બજારમાં'. આ સાંભળી પત્નીએ એમને એક કામ સોંપી દીધું : 'પાછા આવો ત્યારે ડેરીએથી દૂધ લેતા આવજો.' ગોવિંદરામ કશું ન બોલી શક્યા. એમના ગળે ડચૂરો બાઝી ગયો હતો. પત્નીને દૂધની રાહ જોતી મૂકી તેઓ મક્કમ મન કરી પાર્ટીનાં સભ્યો સાથે મદ્રાસ ભણી ચાલી નીકળ્યા. પરંતુ મદ્રાસ આવતાંની સાથે પાર્ટી સામે સમસ્યાઓ ખડી થતી ગઈ. લાહોરમાં એક ક્રાંતિકારી મિત્રને ત્યાં પાંચ હજાર રૂપિયાની થાપણ મૂકીને આવ્યા હતા તે પોલીસની તપાસમાં ગઈ. બે સાથીદારો બેંકની ધાડમાં પકડાયા. રોશનલાલ મેહરા બોમ્બ પરીક્ષણમાં શહીદ થયા. તેને કારણે ક્રાંતિકારી ગતિવિધિની પોલીસની શંકા દ્રઢ બની. મદ્રાસમાં વસતા ઉત્તર ભારતના લોકોને ત્યાં જડતી લેવાવા માંડી. એક દિવસ બપોરે અગિયાર વાગ્યે મકાનનું બારણું ખખડયું. પોલીસ હોવાની શંકા પડતાં ક્રાંતિકારીઓએ આપત્તિજનક દસ્તાવેજો સળગાવવા માંડયા. બહુ વારે બારણું ન ખૂલ્યું એટલે પોલીસે ગોળીબાર શરૂ કર્યો એના જવાબમાં ક્રાંતિકારીઓ અંદરથી સામો ગોળીબાર કર્યો. મકાનનની દિવાલ ઊંચી અને મજબૂત હોવાથી ક્રાંતિકારીઓને સારું રક્ષણ મળતું હતું. ત્રણ વાગ્યા સુધી આ ઘમસાણ ચાલ્યું. બહાર લોકોની ભીડ ભેગી થઇ ગઇ હતી.
ક્રાંતિકારીઓની પિસ્તોલમાં ગોળીઓ ખૂટવા માંડી હતી. સામે પક્ષે પોલીસની મદદમાં અંગ્રેજ બટાલીયન આવી ગઈ. ક્રાંતિકારીઓ પાસે છેલ્લો બોમ્બ હતો એ પોલીસ પર ફેંક્યો. જેના કારણે બહાર ધૂમાડાના ગોટેગોટા ઊઠયા. આ તકનો લાભ લઇ ક્રાંતિકારીઓએ નાસવા માંડયું. એક પોલીસે ગોવિંદરામનો પીછો કર્યો. ગોવિંદરામ એક રસોઇ ઘરમાં છુપાઈ ગયા. પોલીસ ત્યાં સુધી આવી પહોંચી. બન્ને બાજુથી ગોળીબાર થતાં ગોવિંદરામ ત્યાં જ ફસડાઈ પડયા. એ જ હાલતમાં તેમને મદ્રાસની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં એમણે દમ તોડયો. ઘરે રાહ જોતી પત્ની માટે તેઓ દૂધ ન લઇ જઇ શક્યા, પણ માતૃભૂમિ માટે લોહી જરૂર આપી શક્યા.
- જિતેન્દ્ર પટેલ