Get The App

આપણા સ્વાતંત્ર્ય નાયકો : ગેંદાલાલ દીક્ષિત

Updated: Jun 27th, 2025

GS TEAM

Google News
Google News
આપણા સ્વાતંત્ર્ય નાયકો : ગેંદાલાલ દીક્ષિત 1 - image

- વધુ નાણાં માટે ગેંદાલાલ ધનવાન લોકોને ત્યાં ફાળો ઉઘરાવવા ગયા. પણ કશું મળ્યું નહિ. તોયે ગેંદાલાલ હતાશ ન થયા. ધન ન મળ્યું તો કાંઈ નહીં જનસંગ્રહ કરીશું

ઉત્તર ભારતમાં ક્રાંતિકારી ચળવળનો પાયો નાખવાનું શ્રેય જેમને નામે જાય છે એ ગેંદાલાલ દીક્ષિત આગ્રા જિલ્લાના મુઈ ગામના વતની હતા. વિદ્યાર્થીઓને ભણાવતા અધ્યાપક ગેંદાલાલના મનમાં એક દિવસ વિચાર જાગ્યો કે પોતાના જેવા ભણેલા ગણેલા માણસે તો સરકારની નોકરી કરવાને બદલે દેશને આઝાદ કરાવવા સરકાર સામે લડવું જોઈએ. બસ, એમણે નોકરી છોડી દીધી. ધનશક્તિ અને જનશક્તિનો સમન્વય કરીને સરકારને લડત આપવાનો નિર્ણય કર્યો. પોતાની પાસે જે રકમ હતી એ સઘળી દેશ કાજે ખર્ચી નાખી. વધુ નાણાં માટે તેઓ ધનવાન લોકોને ત્યાં ફાળો ઉઘરાવવા ગયા. પણ કશું મળ્યું નહિ. તોયે ગેંદાલાલ હતાશ ન થયા. ધન ન મળ્યું તો કાંઈ નહિ જનસંગ્રહ કરીશું. 'શિવાજી સમિતિ'ની સ્થાપના કરી લોકોને તેમાં સામેલ કરવા માંડયા. કેટલાક ડાકુઓને પણ તેમાં ભેળવ્યા. સંગઠનના વિસ્તારમાં માટે ગેંદાલાલ મુંબઈ ગયા. પરંતુ અહીં તેમને સફળતા ન મળી. પાછા ઉત્તર ભારતમાં આવ્યા નવયુવાનોનું સંગઠન કરી 'માતૃવેદી' સંસ્થા આપી. નૌજવાનોને જંગલમાં લઈ જઈ નિશાનેબાજીની તાલીમ આપવા માંડી. સંગઠન પાસે શસ્ત્રો તો થોડા ઘણા હતા. પણ નાણાં બિલકુલ નહોતા. કેટલાક ડાકુઓની મદદથી ગેંદાલાલે મૈનપુરી, ઈટાવા, અરૈયા જેવા સ્થળે રાજનીતિક ધાડ પડાવી. જેમાં સારા એવા પૈસા અને હથિયારો મળ્યાં. સંગઠન હવે અંગ્રેજ સરકારની નજરે ચડી ગયું હતું. એક રાતે દળનાં સભ્યો ગ્વાલિયરના એક નાનકડા ગામમાં કોઈ બ્રહ્મચારીને ત્યાં ભોજન કરતા હતા ત્યારે અંગ્રેજ સેનાએ ઓચિંતો તેમના પર હુમલો કર્યો. સામસામો ગોળીબાર થયો. તેમાં બ્રહ્મચારી માર્યા ગયા. ગેંદાલાલ ઘાયલ થયા. ગેંદાલાલ અને તેમના સાથીઓની ધરપકડ કરી ગ્વાલિયરના કિલ્લામાં પૂરવામાં આવ્યા. 'માતૃવેદી' સંસ્થાનાં સભ્યો પર કેસ ચલાવવામાં આવ્યો. જે 'મૈનપુરી ષડયંત્ર કેસ'થી પ્રસિદ્ધ થયો. ગ્વાલિયરના કિલ્લામાંથી ગેંદાલાલ પોલીસને થાપ આપી નાસી છૂટયા. પરંતુ આટલા દિવસ જેલમાં રહીને ક્ષય રોગ લાગુ પડી ગયો હતો. હવે જવું ક્યાં ? ત્રણ સુધી તો તેમને અનાજનો એક દાણો પણ ખાવા ન મળ્યો. લાચાર ગેંદાલાલે વતનની વાટ પકડી. પણ ત્યાંથી બાપે જાકારો આપ્યો. દિલ્હી આવીને એક પરબમાં લોકોને પાણી પિવડાવવાનું કામ કરવા માંડયું. પિયર રહેતી પત્નીને પત્ર લખીને દિલ્હી બોલાવી. પતિની હાલત જોઈ એ રડી પડી. સરકારી હોસ્પિટલમાં દાખલ કરવાનું નક્કી કર્યું. પણ ગેંદાલાલના નામે કોણ સારવાર આપે ? જૂઠું નામ લખાવી હોસ્પિટલમાં દાખલ કર્યા. ધરપકડની બીકથી પત્ની અને મિત્ર તેમની સાથે વધારે સમય ન રહી શક્યા. એમની ગેરહાજરીમાં અજાણ્યા નામે જ ગેંદાલાલ મોતને ભેટયા. ત્યારે એમની પાછળ કોઈ રડનારું પણ નહોતું.

- જિતેન્દ્ર પટેલ