આપણા સ્વાતંત્ર્ય નાયકો : ગણેશ દામોદર સાવરકર
- આંદામાનની જેલમાં ગણેશ સાવરકરને અસહ્ય યાતના સહન કરવાનું થયું. ઘાણીએ જોતરાઈને રોજનું ત્રીસ પાઉન્ડ તેલ કાઢવાનું.એમાં કોઈ કચાશ રહી ગઈ તો ચાબુકના પંદર ફટકા ખાવા માટે તૈયાર રહેવાનું. તેઓ પોતાનું કામ સૌથી પહેલાં પતાવી દેતા
ગણેશ દામોદર સાવરકર મહારાષ્ટ્રના નાસિક પાસેના ભગૂર ગામના વતની હતા. વિનાયક સાવરકરના તેઓ મોટાભાઈ. નાનાભાઈ વિનાયકને ઉચ્ચ અભ્યાસ માટે લંડન જવાનું થતાં તેમના દ્વારા ચલાવવામાં આવતી ક્રાંતિકારી સંસ્થા 'મિત્રમેળા'ની જવાબદારી ગણેશ સાવરકરે સંભાળી. વખત જતાં તેનું 'અભિનવ ભારત'માં રૂપાંતર કર્યું. આ સંસ્થાએ કેટલાય નવયુવાનોને માતૃભૂમિ માટે ખપી જવા તૈયાર કર્યા. અંગ્રેજ સરકારને આ સંસ્થા આંખના કણાની માફક ખૂંચી રહી હતી. સંસ્થાને દાબી દેવા માટે એ કોઈ તકની રાહ જોઈને જ બેઠી હતી. આ અરસામાં જ ગણેશ સાવરકરની એક રાષ્ટ્રવાદી કવિતા 'મરાઠા' દૈનિકમાં છપાઈ. સરકારને બહાનું મળી ગયું. ગણેશ સાવરકર મરાઠી ભાષાના એક સારા કવિ હતા. તેમની આ કવિતા લોકોમાં બ્રિટીશ સામ્રાજ્ય વિરુદ્ધ ભાવના ભડકાવી રહી છે તેવો આક્ષેપ મૂકીને નાસિકના કલેક્ટર જેક્સને તેમને આજીવન કાળાપાણીની સજા ફટકારી દીધી. દેશભક્તિપૂર્ણ કવિતા લખવી એ એવો ગંભીર ગુનો બની જતો ન હોવા છતાં ગણેશ સાવરકર વિનાયક સાવરકરના મોટાભાઈ થતા હોવાથી જૂઠા બહાના હેઠળ તેમને કાળાપાણીની સજા કરવામાં આવી. આંદામાનની જેલમાં ગણેશ સાવરકરને અસહ્ય યાતના સહન કરવાનું થયું. ઘાણીએ જોતરાઈને રોજનું ત્રીસ પાઉન્ડ તેલ કાઢવાનું. એમાં કોઈ કચાશ રહી ગઈ તો ચાબુકના પંદર ફટકા ખાવા માટે તૈયાર રહેવાનું. ગણેશ સાવરકર પોતાનું રોજનું કામ સૌથી પહેલાં પતાવી દેતા. એમાંથી સમય મળતો કે કવિતા લખવા બેસી જતા. ગણેશ સાવરકરના જેલમાં આવ્યાને બે વર્ષ પછી એમના નાનાભાઈ વિનાયક સાવરકરને પણ એ જ જેલમાં આવવાનું થયું. બન્નેની કોટડી બાજુમાં હોવા છતાં એમને કેટલાય દિવસ સુધી ખબર ન પડી કે તેઓ બન્ને ભાઈઓ એક જ જેલમાં સજા ભોગવી રહ્યા છે. સતત ચૌદ વર્ષ સુધી ગણેશ સાવરકરે આંદામાનની જેલની યાતના ભોગવી.
તબિયત હવે કથળી. મોત નજીક દેખાવા માંડયું. તેમની આ ગંભીર બીમારીના સમાચાર દેશવાસીઓને મળતાં દેશમાં ઉગ્ર આંદોલન થયું. ગણેશ સાવરકર હવે બચે એમ નથી એવું લાગતાં નાછૂટકે સરકારે એમને મુક્ત કર્યા. ગણેશજીના બચવાની કોઈ આશા નહોતી રહી. પરંતુ એમના નાનાભાઈ ડૉક્ટર નારાયણ સાવરકરે ઉપચાર કરીને તેમને જીવતદાન બક્ષ્યું. ત્યાર પછી ગણેશજી ઘણું જીવ્યા. કેટલાંય પુસ્તકો લખ્યાં. પરંતુ માતૃભૂમિને સ્વતંત્ર જોવાનું એમનું જે સ્વપ્ન હતું તે પૂરું ન થયું. દેશ આઝાદ થાય એના એક વર્ષ પહેલાં જ આ દેશભક્તે દુનિયામાંથી વિદાય લઈ લીધી. એમણે લખેલા પુસ્તકો આજે પણ સૌને પ્રેરણા આપી રહ્યા છે.
- જિતેન્દ્ર પટેલ