Get The App

આપણા સ્વાતંત્ર્ય નાયકો : દુર્ગાભાભી

Updated: Aug 29th, 2025

GS TEAM

Google News
Google News
આપણા સ્વાતંત્ર્ય નાયકો : દુર્ગાભાભી 1 - image

- પતિ ભગવતીચરણ વહોરા પ્રખર ક્રાંતિકારી. એમનાં પગલે તેઓ પણ ક્રાંતિના માર્ગે ચડયાં. પત્રિકાઓ વહેંચવી, પોસ્ટરો ચોંટાડવાથી માંડીને શસ્ત્રોની હેરાફેરી સુધીનું ક્રાંતિકારી સંગઠનનું કામ કર્યું. સાંડર્સની હત્યા પછી ભગતસિંહને કોલકતા સુધી હેમખેમ પહોંચાડયા ત્યારે તેમણે ભગતસિંહની પત્નીનો સ્વાંગ રચેલો

બધા ક્રાંતિકારીઓ તેમને દુર્ગાભાભી કહેતા. કારણ એટલું જ કે તેઓ ક્રાંતિકારી ભગવતીચરણ વહોરાનાં પત્ની હતાં. અલ્હાબાદમાં જન્મેલા આ મહિલા ક્રાન્તિકારીનું બાળપણ દુ:ખમાં વીતેલું. નવ મહિનાની ઉંમરે માતા ગુમાવ્યાં. થોડા મોટા થયા ત્યાં પિતા વૈરાગી બની ગયા. નવ વર્ષની ઉંમરે એકનો એક ભાઈ પણ ગુમાવ્યો. અગિયાર વર્ષની કુમળી વયે તેમને આગ્રા નિવાસી ભગવતીચરણ વહોરા સાથે પરણાવી દેવામાં આવ્યાં. પિયરમાં તો ત્રીજો ધોરણથી અભ્યાસ અટકી ગયેલો. સાસરે આવીને એમણે પાછું ભણવા માંડયું. ભણ્યાં તે એવું ભણ્યાં કે લાહોરની ડી.એ.વી. કોલેજમાં હિન્દીના અધ્યાપક બની ગયાં.

પતિ ભગવતીચરણ વહોરા પ્રખર ક્રાંતિકારી. એમનાં પગલે તેઓ પણ ક્રાંતિના માર્ગે ચડયાં. પત્રિકાઓ વહેંચવી, પોસ્ટરો ચોંટાડવાથી માંડીને શસ્ત્રોની હેરાફેરી સુધીનું ક્રાંતિકારી સંગઠનનું કામ તેમણે કર્યું. સાંડર્સની હત્યા પછી ભગતસિંહને કોલકતા સુધી હેમખેમ તેમણે જ પહોંચાડયા. ત્યારે તેમણે ભગતસિંહની પત્નીનો સ્વાંગ રચેલો. પોતાના ત્રણ વર્ષના શચીને આંગળીએ વળગાડયો. ખભે પર્સ લટકાવ્યું. જેમાં એક પિસ્તોલ હતી. જાણે કોઈ કુટુંબ જતું હોય તેવો દેખાવ કરીને તેઓ છેક કોલકતા સુધી સહીસલામત પહોંચી ગયા. ૧૯૩૦માં પતિ ભગવતીચરણ બોમ્બ પરીક્ષણ કરતા શહીદ થયા. પિયરમાં તો કોઈ સ્વજન હતું નહિ. પતિ પણ ગુમાવ્યો ! છતાં ૨૩ વર્ષની આ વિધવા હિંમત ન હારી. એટલું જ નહિ ક્રાંતિના માર્ગમાંથી પણ ચલિત ન થઈ. એસેમ્બલીમાં બોમ્બ વિસ્ફોટ કરવા બદલ ભગતસિંહને ફાંસીની સજા નિશ્ચિત બની તો એમને સજામાંથી માફી અપાવવા ખુદ ગાંધીજીને મળીને વિનંતી કરી. પરંતુ ગાંધી-ઈરવીન કરારમાં ભગતસિંહને માફી આપવાની વાત જ ન આવી. તેઓ ખરેખરનાં રોષે ભરાયાં. લોર્ડ હેલીની હત્યા કરવાની યોજના ઘડી. એ શક્ય ન બનતાં ૧૯ ઓક્ટોબર, ૧૯૩૦ના રોજ સર્જન્ટ ટેલરને બંદૂકની ગોળીએથી ઠાર કર્યો. તેમના નામનું વોરન્ટ નીકળ્યું. ભાગેડું જાહેર થયાં. દહેરાદૂનમાં સી.આઈ.ડી.ની નજરથી બચવા રાતના ૬૪ કિ.મી. સાઈકલ દોડાવી. દિલ્હી પહોંચ્યાં. પરંતુ ત્યાંથી પકડાઈ ગયાં. ત્રણ વર્ષની કેદની સજા થઈ. આઝાદ ભારતમાં આ મહિલા ક્રાંતિકારી ઘણું જીવ્યાં. ૧૯૯૯ સુધી. પરંતુ એમના યોગદાનની  આટલાં વર્ષોમાં પણ દેશ કદર ન કરી શક્યો. ખુદ ભારતરત્નનો એવોર્ડ લઈ લેનારા નેતાઓએ આ ક્રાંતિકારીને 'પદ્મશ્રી'થી પણ ન સન્માન્યાં. તેમનું મૃત્યુ થયું ત્યારે દેશમાં પ્રચાર માધ્યમની કોઈ કમી નહોતી. પરંતુ આ ઘટનાની ભાગ્યે જ ક્યાંય નોંધ લેવાઈ છે. લેવાઈ છે એ પણ ક્યાંક ખૂણે ખાંચરે જ !

- જિતેન્દ્ર પટેલ