Magazines

આપણા સ્વાતંત્ર્ય નાયકો : ડૉ. મથુરાસિંહ

By GS TEAM
6 Mar 20262 mins read
આપણા સ્વાતંત્ર્ય નાયકો : ડૉ. મથુરાસિંહ

- જો કે સરકારની નજરથી તેઓ વધારે સમય બચી શક્યા નહિ. એક વિશેષ ગાડીમાં બેસાડીને તેમને પંજાબ ભણી રવાના કરી દેવામાં આવ્યા. જે દરમિયાન રસ્તામાં જ પોલીસને થાપ આપી તેઓ છટકી ગયા. પહોંચ્યા તો તેઓ પંજાબ જ પણ સ્વતંત્ર રીતે.

ધીકતી તબીબી પ્રેકટીસ છોડીને માતૃભૂમિની મુક્તિ કાજે સ્વતંત્રતાનાં આંદોલનમાં કૂદી પડેલાં ડો. મથુરાસિંહ જેલમ જિલ્લાના ઢુઢિચાલ ગામના વતની હતા. ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈને વધુ અભ્યાસ માટે તેઓ રાવલપીંડી આવેલા. અહીં તેઓ મેસર્સ જગતસિંહ એન્ડ બ્રધર્સની ફર્મમાં ડૉક્ટરી શીખ્યા. પછી ત્યાં જ દવાખાનું ખોલ્યું. દવાખાનું સારું ચાલતું હતું એટલે આ ક્ષેત્રનો વધુ અભ્યાસ કરવાની એમને ઈચ્છા થઈ. જવું હતું તો અમેરિકા પરંતુ આર્થિક કારણોસર તે શક્ય ન બનતાં શાંઘાઈ જઈને સંતોષ માન્યો. શાંઘાઈમાં ડોક્ટરી દ્વારા થોડા પૈસા કમાઈ તેમણે કેનેડા તરફ પ્રસ્થાન કર્યું. એ વખતે કેનેડામાં ગદર પાર્ટીની લહેર ચાલી રહી હતી. મથુરાસિંહ પણ તેની ઝપટમાં આવી ગયા. જે સમયે કામાગાટામારુ જહાજ હુગલીમાં ઊભું હતું ત્યારે તેઓ કોલકાતા પહોંચી ગયા હતા. જો કે સરકારની નજરથી તેઓ વધારે સમય બચી શક્યા નહિ. એક વિશેષ ગાડીમાં બેસાડીને તેમને પંજાબ ભણી રવાના કરી દેવામાં આવ્યા. જે દરમિયાન રસ્તામાં જ પોલીસને થાપ આપી તેઓ છટકી ગયા. પહોંચ્યા તો તેઓ પંજાબ જ પણ સ્વતંત્ર રીતે. મથુરાસિંહ બોમ્બ બનાવવામાં નિષ્ણાત હતા. સાથીદારો સાથે બેસી તેમણે વિદ્રોહની યોજના ઘડી કાઢી. પરંતુ દેશદ્રોહી કૃપાલસિંહની નીચતાને કારણે તેમની આ યોજના પર પાણી ફરી વળ્યું. ગદર પાર્ટીનાં કાર્યકરોની સરકારે ધરપકડ કરવા માંડી. મથુરાસિંહ ફરી સરકારને થાપ આપી અફઘાનિસ્તાન ભણી નાઠા. રસ્તામાં પકડાયા, છટક્યા. અફઘાનિસ્તાન પહોંચીને જ રહ્યા. ફરી ડોક્ટરી ચાલુ કરી. આ ક્ષેત્રમાં તેમણે પોતાની એવી શક્તિ બતાવી કે ત્યાંનાં ચીફ મેડીકલ ઓફિસર બની ગયા. પરંતુ તેઓ અહીં થોડા પૈસા કે કીર્તિ કમાવવા આવ્યા હતા ? એ વખતે અફઘાનિસ્તાનમાં રાજા મહેન્દ્રપ્રતાપ અને મૌલાના બરકતઉલ્લા દ્વારા અસ્થાયી આઝાદ હિન્દ સરકારની સ્થાપના કરવામાં આવી હતી. આ સરકારે જર્મનીની બર્લિન કમિટિના સહયોગથી રુસનાં ઝાર પાસે બે સભ્યોનું શિષ્ટમંડળ મોકલ્યું. જેમાં એક મથુરાસિંહ હતા. પરંતુ બ્રિટિશ જાસૂસોએ મથુરાસિંહનો પીછો હજુ છોડયો નહોતો. પરિણામ એ આવ્યું કે બ્રિટિશ સરકારનાં દબાણ નીચે આવી રુસનાં ઝારે મથુરાસિંહ તથા તેમના સાથીદારની તાસ્કંદ ખાતે ધરપકડ કરી તેમને ભારતની બ્રિટીશ સરકારને સોંપી દીધા. લાહોરમાં એક વિશેષ ટ્રીબ્યુનલ રચના કરી બંને પર કેસ ચલાવવામાં આવ્યો. ચુકાદામાં મથુરાસિંહને સમ્રાટ વિરુદ્ધ યુદ્ધ કરવાના અપરાધી ગણાવી ફાંસીની સજા સંભળાવવામાં આવી. ૩૪ વર્ષના આ યુવાન ક્રાંતિકારી 'વંદેમાતરમ્' ના જયઘોષ સાથે ફાંસીના માંચડે ચડી ગયા.

- જિતેન્દ્ર પટેલ