આપણા સ્વાતંત્ર્ય નાયકો : ચંદ્રશેખર આઝાદ
- આલ્ફ્રેડ પાર્કમાં પોલીસ અને ચંદ્રશેખર વચ્ચે સામસામો ગોળીબાર થયો. ચંદ્રશેખરની પિસ્તોલમાંથી ગોળીઓ હવે ખૂટી પડી. મોત નક્કી જ છે એવું લાગતા દુશ્મનને હાથે મરવા કરતાં એમણે છેલ્લી ગોળી પોતાની છાતીમાં ધરબી દીધી
કાકોરી રેલધાડ અને સાંડર્સ હત્યાકાંડ જેવાં બબ્બે ષડ્યંત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ચંદ્રશેખર વૈજનાથ તિવારી મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાવરા ગામના વતની હતા. જિંદગીભર પોલીસના હાથે ન પકડાયા એટલે 'આઝાદ'નું બીરુદ પામ્યા. બાળપણમાં ચંદ્રશેખર કાશીએ જઇને પંડિત થવાનાં સ્વપ્નો જોતા હતા. પરંતુ માબાપ પોતાના આ એકના એક બાળકને અળગો કરવા તૈયાર નહોતા. એક દિવસ ચંદ્રશેખર ઘરેથી કીધા વગર નીકળી ગયો. કાશી પહોંચીને ઘેર પત્ર લખ્યો : 'હું અહીં ભણું છું. મારી ચિંતા કરશો નહિ.' આ અરસામાં ગાંધીજીએ અસહકારનું આંદોલન છેડયું. કાશીમાં પણ આ આંદોલને બરાબરનો રંગ પકડયો હતો. પંદર વર્ષનો ચંદ્રશેખર તેમાં કૂદી પડયો. પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં હાજર કર્યો. મેજિસ્ટ્રેટે તેને પંદર કોરડાની સજા સંભળાવી. ચંદ્રશેખર 'વંદેમાતરમ્' અને 'ગાંધી બાપુ કી જય' બોલતો કોરડાના પ્રહાર હસતે મોઢે સહન કરી ગયો. અંગ્રેજ સરકાર પ્રત્યે એનું મન હવે ઘૃણાથી ભરાઈ ગયું હતું. આ કારણસર જ તેઓ ક્રાંતિકારી સંગઠન 'હિન્દુસ્તાન પ્રજાતંત્ર સંઘ'માં જોડાયા. દળમાં એમણે મોટી જવાબદારી નિભાવી. નાણાંની ખેંચ ઊભી થઇ ત્યારે કારોરી ખાતે રેલધાડના પ્રસ્તાવને સમર્થન આપનાર તેઓ પ્રથમ હતા. ટ્રેન લૂંટાયા પછી સરકારે ધરપકડ શરૂ કરી ત્યારે મોટાભાગના ક્રાંતિકારીઓ ઝડપાઈ ગયા. પરંતુ ચંદ્રશેખરને પકડવામાં સરકારને સફળતા ન મળી. સરકારે ઇનામ જાહેર કર્યું તો યે એ હાથ ન લાગ્યા તે ન જ લાગ્યા. કાકોરીકાંડના ક્રાંતિકારીમાંથી કેટલાકને ફાંસીની સજા થઇ તો કેટલાકને કારાવાસની. ચંદ્રશેખર એકલા અટૂલા પડી ગયા. પણ એ નિરાશ ન થયા. ભગતસિંહ સાથે મળીને નવું દળ ઊભું કર્યું. સરકાર એમને શોધતી ફરતી હોવા છતાં તેમણે ભગતસિંહ અને રાજગુરુ સાથે મળીને લાલા લજપતરાયના હત્યારા સાંડર્સને ઠાર કરવામાં ભાગ લીધો. ત્રણે જણા નાસી છૂટયા. સરકાર ફરી એને શોધવામાં નિષ્ફળ રહી. ત્યાં ભગતસિંહે એસેમ્બલીમાં બોમ્બ ધડાકો કર્યો. એમણે સામે ચાલીને ધરપકડ વહોરી લીધી. ચંદ્રશેખર હવે સાવ એકલા પડી ગયા. નાણાંની જરૂર ઊભી થતાં એક દિવસ પોતે જેને ત્યાં થાપણ મૂકી હતી તે શેઠને ત્યાં રૂપિયા લેવા ગયા. શેઠે તેને બીજે દિવસે આલ્ફ્રેડ પાર્કમાં મળવાનું કહ્યું. દેશદ્રોહી શેઠે બીજે દિવસે રૂપિયા લઇને જવાને બદલે પોલીસને મોકલી. બદલામાં ઇનામ મેળવ્યું. આલ્ફ્રેડ પાર્કમાં પોલીસ અને ચંદ્રશેખર વચ્ચે સામસામો ગોળીબાર થયો. ચંદ્રશેખરની પિસ્તોલમાંથી ગોળીઓ હવે ખૂટી પડી. મોત નક્કી જ છે એવું લાગતા દુશ્મનને હાથે મરવા કરતાં એમણે છેલ્લી ગોળી પોતાની છાતીમાં ધરબી દીધી.
- જિતેન્દ્ર પટેલ