- આંદામાનની જેલમાં અસહ્ય યાતનાં વચ્ચે પણ તેમણે લેખન પ્રવૃત્તિ ન છોડી. જેલની યાતના તેમણે પોતાનાં પુસ્તક 'આપવીતી'માં વ્યક્ત કરી. અંતે ૧૯૨૦માં ગાંધીજીના પ્રયાસને કારણે તેમને આંદામાનની જેલમાંથી મુક્તિ મળી.
પ્રખર વિદ્વાન ભાઈ પરમાનંદે દેશમાં વૈચારિક ક્રાંતિ આણવાનું કામ કરેલું. 'તવારીખે હિન્દ' પુસ્તક લખવા બદલ તેમને કાળાપાણીની સજા થયેલી. વતન હાલના પાકિસ્તાનમાં આવેલું જેલમ જિલ્લાનું કરિયાળા ગામ. બાલ્યકાળથી આર્યસમાજી. ઉચ્ચ અભ્યાસ માટે વતનનું ગામ છોડી લાહોર જવાનું થયું. ત્યાંની દયાનંદ એંગ્લો વૈદિક કોલેજમાંથી સ્નાતક થઈને એ જ કોલેજમાં પ્રાધ્યાપક બન્યા. ૧૯૦૬માં તેમને આર્યસમાજના પ્રચાર માટે દક્ષિણ આફ્રિકા મોકલવામાં આવ્યા. જ્યાં તેમનો ગાંધીજી સાથે ભેટો થયો. ગાંધીજી તેમના પ્રવચનોથી ખૂબ પ્રભાવિત થયા. છ મહિના દક્ષિણ આફ્રિકા રહીને તેઓ ઇંગ્લેન્ડ ગયા. એ વખતે લંડનથી શ્યામજી કૃષ્ણવર્મા ઇન્ડિયા હાઉસ નામની ક્રાંતિકારી સંસ્થા ચલાવતા હતા. પરમાનંદજી આ સંસ્થાના મહેમાન બન્યા. લંડનની બ્રિટિશ મ્યુઝિયમ લાયબ્રેરીમાં કલાકો સુધી અધ્યયન કરીને તેમણે ભારતમાં બ્રિટિશ રાજ્યનો અભ્યુદય નામનો લઘુ શોધનિબંધ લખ્યો. પછીથી તેમણે સ્વતંત્ર અધ્યયનના આધાર પર તવારીખે હિન્દ પુસ્તક લખ્યું. આ પુસ્તક માટે તેમણે બ્રિટિશ લાયબ્રેરીમાંથી મળ્યાં એ તમામ પુસ્તકો વાંચી નાંખ્યાં. તવારિખે હિન્દ પુસ્તકમાં તેમણે અંગ્રેજોની કૂટનીતિ પર પ્રકાશ પાડયો હતો. ૧૯૦૭માં ભાઈ સ્વદેશ પરત થયા. ભારતમાં એમના પુસ્તક તવારીખે હિન્દ એ ખળભળાટ મચાવ્યો. આ અરસામાં જ ક્રાંતિકારીઓએ લાહોરના લોરેન્સ ગાર્ડનમાં બોમ્બ વિસ્ફોટ કર્યો. અનેક લોકોની ધરપકડ કરીને તેમના પર લાહોર ષડયંત્ર નામથી કેસ ચલાવવામાં આવ્યો. ધરપકડ થનારાઓમાં એક પરમાનંદજી પણ હતા. સરકારે તેમના પર આક્ષેપ લગાવ્યો કે તેમનું તવારીખે હિન્દ પુસ્તક વાંચીને જ ક્રાંતિકારીઓ આ ષડયંત્ર કરવા પ્રેરાયેલા છે. એવો પણ આરોપ મૂકવામાં આવ્યો કે ભાઈ પરમાનંદ અમેરિકા અને કેનેડામાંથી ક્રાંતિકારીઓને બોલાવીને ભારતમાં ગદર પાર્ટી શરૂ કરવા માગે છે. રાજદ્રોહનો આક્ષેપ મૂકી પરમાનંદજીને ફાંસીની સજા સંભળાવવામાં આવી. પછીથી તેને કાળાપાણીની સજામાં ફેરવી નાખીને તેમને આંદોલનની જેલમાં મોકલી આપવામાં આવ્યા. આંદામાનની જેલમાં અસહ્ય યાતનાં વચ્ચે પણ તેમણે લેખન પ્રવૃત્તિ ન છોડી. જેલની યાતના તેમણે પોતાનાં પુસ્તક 'આપવીતી'માં વ્યક્ત કરી. અંતે ૧૯૨૦માં ગાંધીજીના પ્રયાસને કારણે તેમને આંદામાનની જેલમાંથી મુક્તિ મળી. જેલમાંથી છૂટીને તેઓ અસહકારના આંદોલનમાં જોડાયા. ખિલાફત ચળવળને ગાંધીજીએ અસહકારના આંદોલન સાથે જોડવાથી તેમણે કોંગ્રેસ છોડી. ત્યાર પછી તેઓ હિન્દુ સંગઠન માટે કામ કરવા માંડયા. ભારતને સ્વતંત્ર જોવાનું સ્વપ્ન સાકાર કરીને તેઓ એ જ વર્ષે સ્વર્ગે સિધાવ્યા.
- જિતેન્દ્ર પટેલ


