- દિલ્હીમાં વાઈસરોય હાર્ડિંગ પર બોમ્બ ફેંકવામાં આવ્યો તેના આયોજકોમાં એક બાલમુકુન્દ પણ હતા. લાહોરના લોરેન્સ ગાર્ડનમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં તેમની પ્રમુખ ભૂમિકા રહેલી. આ બબ્બે ષડયંત્ર પછી ધરપકડથી બચવા તેઓ જોધપુર જઈ ચડયા.
દિલ્હીના મોગલ બાદશાહ ઔરંગઝેબે પંજાબના એક બ્રાહ્મણ મતીરામ પર ઇસ્લામ ધર્મ સ્વીકારવા દબાણ કર્યું. પરંતુ મતીરામ તેમ કરવા સંમત ન થયા. ક્રૂર ઔરંગઝેબે તેમની તથા શીખોના નવમા ગુરૂ તેગબહાદુરની નિર્મમ હત્યા કરાવી નાંખી. આ બલિદાન પછી તેગબહાદુરના પુત્ર ગોવિંદસિંહે મતીરામના પુત્રને 'ભાઈ' કહીને સંબોધવા માંડયું. આ જોઈ લોકો પણ તેમને ભાઈ કહેવા માંડયા.
પછી તો તેમનાં વંશજોના નામ આગળ પણ 'ભાઈ' શબ્દ વાપરવાની પરંપરા ચાલી. બાલમુકુન્દ આ વંશના હતા. બાલ્યકાળથી તેઓ હોનહાર વિદ્યાર્થી હતા. લાહોરમાં રહીને તેમણે બી.એ. કરેલું. રાસબિહારી બોઝના સંપર્કમાં આવતા તેઓ ક્રાંતિની રંગે રંગાયેલા. દિલ્હીના માસ્ટર અમરચંદ સાથે પણ તેમને સારી મિત્રતા હતી. યુવા ક્રાંતિકારી વસંતકુમારને તેમણે જ પ્રાઈવેટ હોસ્પિટલમાં કમ્પાઉન્ડરની નોકરી અપાવેલી. તેઓ બોમ્બ બનાવવા અને વિસ્ફોટ કરવામાં નિષ્ણાત હતા. દિલ્હીમાં વાઈસરોય હાર્ડિંગ પર બોમ્બ ફેંકવામાં આવ્યો તેના આયોજકોમાં એક બાલમુકુન્દ પણ હતા. લાહોરના લોરેન્સ ગાર્ડનમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં તેમની પ્રમુખ ભૂમિકા રહેલી. આ બબ્બે ષડયંત્ર પછી ધરપકડથી બચવા તેઓ જોધપુર જઈ ચડયા. જોધપુરના મહારાજાએ તેમના જ્ઞાાનથી પ્રભાવિત થઈ રાજકુમારના શિક્ષક તરીકે નિમણુંક કરી. અહીં ફરી તેમને હાર્ડિંગને ઠાર કરવાની તક સાંપડી. મહારાજ દ્વારા યોજવામાં આવેલા એક સમારોહમાં ભાગ લેવા વાઈસરોય પોતે આવી ચડયો. બાલમુકુન્દે આ જાણ્યું કે તેઓ ખિસ્સામાં બોમ્બ લઈને ત્યાં પહોંચી ગયા. પરંતુ હાર્ડિંગ પર તેને ફેંકવો શક્ય ન બન્યું. હાર્ડિંગ અને મહારાજા બાજુબાજુમાં જ બેઠા હતા. હાર્ડિંગનો ખાતમો બોલાવવા જતાં મહારાજનો પણ ભોગ લેવાઈ જાય એમ હતો.
થોડા દિવસ પછી દીનાનાથ નામના દળનાં એક સભ્યની કમજોરીને કારણે સરકારને વિસ્ફોટકારીઓનું પગેરું મળી આવ્યું. બાલમુકુન્દને જોધપુરથી ગિરફતાર કરી લેવામાં આવ્યા. તે વખતે તેમના મકાનમાં બે સજીવ બોમ્બ અને શાસન વિરોધી કેટલુંક સાહિત્ય પણ મળી આવ્યું. એ જ ઘડીએ જેલમાં ધકેલી દેવામાં આવ્યા. તેમના લગ્નને હજુ વરસ પણ નહોતું થયું. એક દિવસ તેમની પત્ની જેલમાં મળવા આવી. પતિની હાલત જોઈને ભાંગી પડી. ઘેર આવીને એણે પતિ જે યાતના ભોગવતા હતા એ યાતના વેઠવા માંડી. ૧૧ મે, ૧૯૧૫ના રોજ અંબાલાની જેલમાં માસ્ટર અમરચંદ, અવધબિહારી અને વસંતકુમારની સાથે બાલમુકુન્દને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા. પત્ની લજ્જાવતીને ખબર પડી કે તેણે પણ એ જ દિવસે આત્મહત્યા કરી લીધી.
- જિતેન્દ્ર પટેલ


