Get The App

આપણા સ્વાતંત્ર્ય નાયકો : બિરસા મુંડા

Updated: Dec 19th, 2025

GS TEAM

Google News
Google News
આપણા સ્વાતંત્ર્ય નાયકો : બિરસા મુંડા 1 - image

- ભલા, ભોળા, સીધા, સાદા વનવાસીઓમાં આ હિંમત ક્યાંથી આવી ગઈ? નક્કી આ બિરસાનું જ કારસ્તાન. તેને જો ઊગતો જ ડામી નહિ દેવામાં આવે તો ૧૮૫૭ની માફક ફરી વિદ્રોહ ફાટી નીકળશે.

ઉલગુલાન (ક્રાંતિકારી ચળવળ)ના પ્રણેતા બિરસા મુંડા ઝારખંડના વનવાસી વિસ્તારનો વતની હતો. ગુરુવારે જન્મ હોવાથી બિરસા નામ પાડવામાં આવેલું. મુંડા કુટુંબ ખ્રિસ્તી બની ગયું હોવાથી પ્રાથમિક શિક્ષણ બિરસાને મિશનરીની શાળામાં લેવાનું થયેલું. વધુ ન ભણતાં બિરસા જમીનદાર જગમોહનને ત્યાં મજૂરી કામે લાગી ગયો. જમીનદાર ચુસ્ત વૈષ્ણવ હતા. તેમના સાંનિધ્યમાં બિરસામાં હિન્દુત્વનો સંચાર થયો. પોતાનાં પૂર્વજોને ભોળવીને મિશનરીએ ખ્રિસ્તી બનાવ્યાં છે એ જાણીને એના મનમાં અંગ્રેજો અને મિશનરી પ્રત્યે ધૃણા પેદા થઈ. મિશનરીનો પોશાક ફગાવી તેણે ધોતિયું, જનોઇ ધારણ કર્યા. તિલક પણ કરવા માંડયું. જોતજોતામાં તે વનવાસી વિસ્તારમાં દેવની જેમ પૂજાવા માંડયો. જે લોકો તેના અનુયાયી બન્યા તેમને મિશનરી અને અંગ્રેજ સરકારના આધિપત્યનો અસ્વીકાર કરવા માંડયો. જંગલના અધિકારીઓ પોતે છે એમ કહી અંગ્રેજોને જંગલ છોડી જતા રહેવા ચેતવણી આપવામાં આવી. ભલા, ભોળા, સીધા, સાદા વનવાસીઓમાં આ હિંમત ક્યાંથી આવી ગઈ ? નક્કી આ બિરસાનું જ કારસ્તાન. તેને જો ઊગતો જ ડામી નહિ દેવામાં આવે તો ૧૮૫૭ની માફક ફરી વિદ્રોહ ફાટી નીકળશે. એવું વિચારી અંગ્રેજ સરકારે વનગામ ખાતેથી બિરસાની ધરપકડ કરી લીધી. તેના વિરુદ્ધમાં બિરસાઈ તો પોલીસથાણાની આસપાસ ધમાલ કરી. સરકારે બિરસાને બે વર્ષની કારાવાસની તથા તેના અનુયાયીઓને ૨૦ રૂપિયા દંડની સજા કરી. બે વર્ષ જેલમાં વિતાવી બિરસા ૧૮૯૭માં છૂટયો. આ ખુશીમાં તેના અનુયાયીઓએ મોટો ઉત્સવ મનાવ્યો. ઠેર ઠેર સભાઓ ભરી. ઉલગુલાન વધારે આક્રમક બનાવવાનું નક્કી થયું. એક રાતે રાંચીથી ચાઈબાસ્ત સુધીના ૪૦૦ વર્ગમિટરનાં વિશાળ ક્ષેત્રમાં પોલીસચોકી, મિશનરી તથા ગોરા અમલદારોની ક્લબો પર અંધારામાં તીરનો વરસાદ વરસાવવામાં આવ્યો. અઠવાડિયા પછી ખૂંટીનાં થાણા પર હુમલો કરવામાં આવ્યો. જેમાં મુંડા શહીદ થયો. ત્યાર પછી ડોમબારીનાં પહાડ ઉપર બિરસાઈ તો અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ થયું. જ્યાં ૪૦૦ મુંડાઓ મરાયા. આ સંગ્રામ પછી સરકારે બિરસાની ધરપકડ માટે ૫૦૦ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું. એક પણ વનવાસી વિશ્વાસઘાત કરવા તૈયાર ન થયો. દુર્ભાગ્યે એક રાતે બિરસા જંગલમાં સૂતેલી હાલતમાં પોલીસને હાથ પકડાઈ ગયો. તેને રાંચીની જેલમાં પૂરવામાં આવ્યો. જ્યાં તેનું રહસ્યમય મૃત્યુ થયું. સરકારે મૃત્યુનું કારણ કોલેરા બતાવ્યું. તેના અનુયાયીઓ વિષ અપાયાની શંકા સેવતા રહ્યા. કારણ કે બિરસાનો મૃતદેહ અનુયાયીઓને ન આપતાં જેલનાં અધિકારીઓએ જ નદી કિનારે તેના અંતિમ સંસ્કાર કરી નાખ્યા. આ વનવાસી યુવક શહીદ થયો ત્યારે તેની ઉંમર પૂરા પચ્ચીસ વર્ષ પણ નહોતી.

- જિતેન્દ્ર પટેલ