- 'અંગ્રેજ સામ્રાજય પાયા વગર ઊભેલી કાચી ઈમારત છે. જરાસરીખા ધક્કાથી તે ધરાશાયી થઈને વીખેરાઈ જાય તેમ છે. તેની શક્તિને વધારીને બતાવવામાં આવી છે. તે આપણા ધક્કાની પ્રતીક્ષા કરી રહી છે. નિર્ભય બનો અને તમારું કર્તવ્ય નિભાવતા રહો.'
ક્રાંતિકારી ભૂપેન્દ્રનાથ દત્ત સ્વામી વિવેકાનંદના નાનાભાઈ થતા હતા. બંગાળમાં વૈચારિક ક્રાંતિ ફેલાવવાનું કાર્ય તેમણે કરેલું. વારીદ્રનાથ ઘોષ દ્વારા ચલાવવામાં આવતા માસિક 'યુગાંતર'ના તેઓ સંપાદક હતા. સંપાદકીય લેખોમાં તેઓ અંગ્રેજ સરકાર વિરુદ્ધ વિદ્રોહની આગ ભડકાવવાનું કામ કરતા હતા. 'જો કોઈ વ્યક્તિ આત્મરક્ષા માટે બળપ્રયોગ કરે તેને ન્યાયોચિત બતાવવામાં આવે તો કોઈ રાષ્ટ્ર એવું કરે તો એને કેમ ન્યાયોચિત ગણવામાં ન આવે ? જો કોઈ વ્યક્તિ પોતાનો જીવ બચાવવા માટે ચોર-લૂંટારાનો જીવ લઈ શકે તો એક દેશનો જીવ બચાવવા માટે કોઈને મોતને ઘાટ ઉતારવામાં આવે તો એને અપરાધ કેમ કહેવામાં આવે ?' ભૂપેન્દ્રનાથનાં આવાં નિર્ભિક લખાણ છતાં બ્રિટિશ સરકારે તેમની ધરપકડ કરવાની હિંમત નહોતી કરી શકતી. હદ તો ત્યારે થઈ કે ભૂપેન્દ્રનાથે અંગ્રેજો માટે ગીધ, ખચ્ચર અને કૂતરાં જેવા શબ્દો વાપરવા માંડયા. સરકારે હવે તેમની ધરપકડ કરીને તેમના પર રાજદ્રોહનો કેસ ચલાવ્યો. સરકારને એમ હતું કે ભૂપેન્દ્રનાથ પોતાના બચાવ માટે વકીલ રાખશે. પરંતુ ભૂપેન્દ્રનાથે કોર્ટમાં સિંહગર્જના કરી. 'હું ભૂપેન્દ્રનાથ દત્ત જાહેર કરું છું કે યુગાંતરમાં જેટલા સંપાદકીય લેખો પ્રકાશિત થયા છે એ બધા માટે હું જ જવાબદાર છું. જે કર્યું છે એ મારા દેશ માટે કર્યું છે. આ સિવાય હું કશું કહેવા ઈચ્છતો નથી અને કોર્ટની કાર્યવાહીમાં ભાગ પણ લેવા માગતો નથી.' આ સાંભળીને છંછેડાયેલા જજે કહ્યું, 'તમારા વિરુદ્ધ કોર્ટના અપમાનનો અભિયોગ ચલાવવામાં આવશે.' જવાબમાં ભૂપેન્દ્રનાથે કહ્યું. ''તમને જે યોગ્ય લાગે એ કરજો.''
૨૪ જુલાઈ, ૧૯૦૭ના રોજ બંગાળમાં ક્રૂર જજ તરીકે પંકાયેલા કિંડસ ફોર્ડે ફેંસલો સંભળાવ્યો તેમાં ભૂપેન્દ્રનાથને એક વર્ષની કઠોર કારાવાસની સજા કરવામાં આવી. ભૂપેન્દ્રનાથે હસતે મોઢે આ સજા સ્વીકારી લીધી. પોલીસના માણસો એમને પકડવા આવ્યા તો તેમનો હાથ છોડાવીને જાતે પોલીસની ગાડીમાં બેસી ગયા. જેલમાંથી તેમણે પોતાના દેશવાસીઓને સંદેશો મોકલ્યો. ''અંગ્રેજ સામ્રાજય પાયા વગર ઊભેલી કાચી ઈમારત છે. જરાસરીખા ધક્કાથી તે ધરાશાયી થઈને વીખેરાઈ જાય તેમ છે. તેની શક્તિને વધારીને બતાવવામાં આવી છે. તે આપણા ધક્કાની પ્રતીક્ષા કરી રહી છે. નિર્ભય બનો અને તમારું કર્તવ્ય નિભાવતા રહો.'' જેલમાંથી છૂટીને ભૂપેન્દ્રનાથ બર્લિન ચાલ્યા ગયા. ત્યાં રહીને તેમણે ક્રાંતિકારી પ્રવૃત્તિમાં સક્રિય યોગદાન આપ્યું. અપ્રકાશિત 'રાજનીતિક ઈતિહાસ' પુસ્તક પણ લખ્યું.
- જિતેન્દ્ર પટેલ


