Get The App

આપણા સ્વાતંત્ર્ય નાયકો : ભગવતીચરણ વોહરા

Updated: Dec 12th, 2025

GS TEAM

Google News
Google News
આપણા સ્વાતંત્ર્ય નાયકો : ભગવતીચરણ વોહરા 1 - image

- 'તમે બધા અહીં જ ઊભા રહો' સાથીદારોને એમ કહી ભગવતીચરણ બંને હાથમાં બોમ્બ લઇ આગળ દોડી ગયા. થોડીવારે વિસ્ફોટ થયો. સાથીદારોએ માન્યું બોમ્બનું પરીક્ષણ સફળ થઇ ગયું છે, પણ...

ભગવતીચરણ વોહરાનાં પૂર્વજો ગુજરાતના નાગર બ્રાહ્મણ હતા. વરસો પહેલાં તેઓ ગુજરાતથી આગ્રા ગયેલા. પિતા શિવચરણ વોહરા રેલવેમાં નોકરી દરમિયાન લાહોર સ્થાયી થયેલા. સંપન્ન પરિવાર હતું. લાહોરમાં તેમના ત્રણ અને અહલાબાદમાં બે મકાનો હતાં. પિતાએ અંગ્રેજ સરકારનો 'રાય બહાદુર' એવોર્ડ સ્વીકાર્યો એના વિરોધમાં ભગવતીચરણે ઘર છોડી દીધેલું. ભગવતીચરણ, ભગતસિંહ, સુખદેવ અને યશપાલ લાહોરની નેશનલ કોલેજના વિદ્યાર્થી હતા. ભગવતીચરણ આ બધાથી બે વર્ષ આગળ. ક્રાંતિનો રંગ ઘેરો અહીંથી બન્યો. બધા મિત્રને મળીને નૌજવાન ભારત સભા સ્થાપી. ત્યારે તેનો વ્યાપ લાહોર પૂરતો જ હતો. પછીથી તેનો 'હિન્દુસ્તાન પ્રજાતંત્ર સંઘ'માં વિલય થઇ ગયો. ભગવતી ચરણનાં પગલે પત્ની દુર્ગાદેવી પણ ક્રાંતિકારી બન્યાં. 

વાઇસરોય ઇરવીનની હત્યા કરી અંગ્રેજ શાસનના મૂળમાં જ ઘા કરવાની ભગવતીચરણે યોજના ઘડી. ગાડીના પાટા નીચે બોમ્બ મૂકીને વાઈસરોય ગાડીમાંથી પસાર થાય ત્યારે જ વિસ્ફોટ થાય એવી ગોઠવણ કરવામાં આવી. દુર્ભાગ્યે બોમ્બ જરા મોડો ફૂટતાં વાઇસરોય જે ડબામાં બેઠા હતા તેને બદલે ભોજનકક્ષના ડબાનો ખાતમો બોલી ગયો. ગાંધીજીએ ક્રાંતિકારીઓનાં આ પગલાંની બહુ ટીકા કરી. એના જવાબમાં ભગવતીચરણ 'ફિલોસોફી ઓફ ધ બોમ્બ' શીર્ષકથી એક લેખ લખીને તેની પત્રિકા આખા દેશમાં વહેંચી. ઇરવીનની હત્યાના ષડયંત્રમાં નિષ્ફળ રહ્યા પછી ભગવતીચરણે ભગતસિંહને જેલમાંથી છોડાવવાની યોજના ઘડી.

લાહોરનાં બહાવલપુર રોડની એક કોઠીમાં તેમનું બોમ્બ બનાવવાનું કારખાનું ચાલતું હતું. આ વખતે તેમાં વધુ તીવ્રતાવાળા બોમ્બ બનાવવામાં આવ્યા હતા. ક્યાંય વિસ્ફોટ કરતાં પહેલાં ક્રાંતિકારીઓએ તેનું પરીક્ષણ કરવું યોગ્ય માન્યું. ૨૮, મે, ૧૯૩૦ના રોજ રાતના અગિયાર વાગ્યે ભગવતીચરણ, સુખદેવરાજ અને વિશ્વનાથ બોમ્બ લઇને સાયકલ પર રવિના કિનારે નીકળી પડયા. નાવમાં બેસીને સામે કાંઠે ગયા. જંગલમાં એક મોટી ખાડ હતી ત્યાં બધા આવ્યા. 'તમે બધા અહીં જ ઊભા રહો' સાથીદારોને એમ કહી ભગવતીચરણ બંને હાથમાં બોમ્બ લઇ આગળ દોડી ગયા. થોડીવારે વિસ્ફોટ થયો. સાથીદારોએ માન્યું બોમ્બનું પરીક્ષણ સફળ થઇ ગયું છે. તેઓ ભગવતીચરણને વધાઈ આપવા તેની પાસે દોડી આવ્યાં. ત્યાં આવીને જોયું તો સાથીદારોની આંખો ફાટી ગઈ. વિસ્ફોટ સ્થળે ભગવતીચરણનું લોહીલુહાણ શબ પડયું હતું. બોમ્બ એમના હાથમાં જ ફૂટી ગયો હતો. કમોતે મર્યા તો ખરા, તેમની અંતિમવિધિ પણ એવી જ થઈ. પોલીસને આ ઘટનાની જાણ ન થઇ જાય એ માટે તેમના અગ્નિસંસ્કાર ન કરતાં તે જ સ્થળે ખાડો ખોદીને દાટી દેવામાં આવ્યા.

- જિતેન્દ્ર પટેલ