- ભગવાનદાસ માહૌર ભુસાવળ ખાતે પોલીસના હાથે પકડાઈ ગયા. ત્યારે એમની બેગમાંથી કેટલાય બોમ્બ મળી આવ્યા. પાસે એક પિસ્તોલ હતી તેનાથી પોલીસ પર ગોળી બાર કર્યો. પરંતુ ખરા સમયે જ એ જામ થઈ ગઈ. ધરપકડ કરીને તેમને જેલમાં પૂરવામાં આવ્યા.
ભગવાનદાસ માહૌર મધ્યપ્રદેશના દાતિયા જિલ્લાનાં બડૌની ગામના વતની હતા. ઝાંસીમાં અભ્યાસ દરમિયાન ક્રાંતિકારી શચીન્દ્રનાથ બક્ષીના સંપર્કમાં આવતાં ક્રાંતિના રંગે રંગાયેલા. ઝાંસીમાં ઇન્ટર સુધીનો અભ્યાસ કરી ઉચ્ચ અભ્યાસ માટે ગ્વાલિયર આવ્યા. ત્યાં તેઓ વિક્ટોરિયા કોલેજના વિદ્યાર્થી બન્યા. અહીં તેમનું મકાન ક્રાંતિકારીઓનો અડ્ડો બની ગયું. ચંદ્રશેખર આઝાદ સાથે મળી જનકગંજ મોહલ્લામાં બોમ્બનું કારખાનું ચાલુ કર્યું. ત્યાં દળ તરફથી લાહોર હાજર થવાનો આદેશ થતાં અભ્યાસ છોડી લાહોર આવતા રહ્યાં. સાંડર્સની હત્યામાં ભગતસિંહ, રાજગુરુ અને ચંદ્રશેખરની સાથે તેઓ પણ સામેલ રહ્યા. પછીથી તેમને મહારાષ્ટ્રમાં દળના કામ માટે મોકલવાનું નક્કી થયું. પરંતુ ત્યાં જતી વખતે રસ્તામાં જ મિત્ર સદાશિવરાવ મલકાપુરકર સાથે ભુસાવળ ખાતે પોલીસના હાથે પકડાઈ ગયા. ત્યારે એમની બેગમાંથી કેટલાય બોમ્બ મળી આવ્યા. પાસે એક પિસ્તોલ હતી તેનાથી પોલીસ પર ગોળી બાર કર્યો. પરંતુ ખરા સમયે જ એ જામ થઈ ગઈ. ધરપકડ કરીને તેમને જેલમાં પૂરવામાં આવ્યા. 'ભૂસાવળ બોમ્બ ષડયંત્ર'નાં નામથી જલગાંવની અદાલતમાં કેસ ચલાવવામાં આવ્યો. આ કેસની ગવાહી આપવા કોર્ટમાં એક વખતનો ક્રાંતિકારી ફણીન્દ્રનાથ ઘોષ આવ્યો. આ દેશદ્રોહી પર ભગવાનદાસે અદાલતમાં જ ગોળીબાર કર્યો. પરંતુ તે બચી ગયો, ઘાયલ જરૂર થયો. ભરી અદાલતમાં ભગવાનદાસ કઈ રીતે સાથે પિસ્તોલ લાવી શક્યા એ રહસ્ય પોલીસ ક્યારેય ન પામી શકી. આ પરાક્રમ બદલ ભગવાનદાસને આજીવન કારાવાસની સજા થઈ. દેશની જુદી જુદી કેટલીયે જેલમાં તેમને ફેરવવામાં આવ્યા. જેલની અંદર પણ સજાઓ એટલી જ થઈ. છતાં આ મક્કમ મનનાં ક્રાંતિકારીનું મનોબળ ન તૂટયું. ૧૯૩૭માં કોંગ્રેસ અને સરકાર વચ્ચે રાજકેદીઓને છોડી મૂકવાના કરાર થતાં તેઓ જેલમાંથી છૂટયા. પરંતુ ૧૯૪૦માં ભારતરક્ષા કાનૂન અંતર્ગત ફરી તેમની ધરપકડ કરવામાં આવી. દેવલીના નજરબંધ કેમ્પમાં મોકલી આપવામાં આવ્યાં. ૧૯૪૭માં દેશ આઝાદ થયો. ક્રાંતિકારી આંદોલનમાં કૂદી પડવાથી અધૂરો રહી ગયેલો અભ્યાસ પૂરો કરવા તેઓ ૪૦ વર્ષની ઉંમરે વિદ્યાર્થી બન્યા. બી.એ. કર્યું. એમ.એ. કર્યું. એટલું જ નહિ સતત છ વર્ષ અધ્યયન કરીને '૧૮૫૭નાં સ્વાધીનતા સંગ્રામનો હિન્દી સાહિત્ય પર પ્રભાવ' નિબંધ લખીને આગ્રા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી અધ્યાપક બન્યા. આ સિવાય તેમણે અનેક પુસ્તકો લખ્યાં. તેમનું 'યશ કી ધરોહર' પુસ્તક ખૂબ જાણીતું છે. ૭૦ વર્ષની ઉંમરે તેમનું લખનઉં ખાતે અવસાન થયું.
- જિતેન્દ્ર પટેલ


