Get The App

આપણા સ્વાતંત્ર્ય નાયકો : ભગતસિંહ

Updated: Dec 5th, 2025

GS TEAM

Google News
Google News
આપણા સ્વાતંત્ર્ય નાયકો : ભગતસિંહ 1 - image

- ભગતસિંહ, રાજગુરુ અને ચંદ્રશેખરે મળીને સાંડર્સને ઠાર કર્યો. ધરપકડથી બચવા ભગતસિંહ કોલકાતા નાઠા. પંરતુ ત્યાં તેઓ વધારે સમય ન રહી શક્યા. એમને સમાચાર મળ્યા કે કેન્દ્રીય ધારાસભામાં લોકસુરક્ષા બિલ રજૂ થવાનું છે.

મોરનાં ઇંડાં ચીતરવાં ન પડે. દેશભક્ત પિતાનાં આ પુત્રને જમીન પર સળીઓ ખોસતો જોઇને કોઇએ પૂછ્યું કે શું કરે છે ? તો જવાબ મળ્યો કે 'બંડૂક રોપું છું.' 

હજુ તો બંદૂક બોલતાં પણ આવડતું નહોતું ત્યારે આ બાળકના દિમાગમાં ક્રાંતિકારી વિચારો ઉછાળા મારતા હતા.  તેમનો આખો પરિવાર દેશભક્તિનાં રંગે રંગાયેલો હતો. જો કે પિતા કિશનસિંહ નહોતા ઇચ્છતા કે બાળક ભગતસિંહ કાચી વયે ક્રાંતિના માર્ગે વળે. પરંતુ પિતાનું એમાં કાંઈ ન ચાલ્યું. ભગતસિંહ પોતાના 

નિર્ણય અંગે મક્કમ હતો. એમાં જલિયાંવાલા બાગના હત્યાકાંડ એને ક્રાંતિના માર્ગે વાળવા બળ પૂરું પાડયું. પછીથી લગ્ન માટે દબાણ થતાં એ ઘર છોડીને કાનપુર જઈ ચડયા. શચીન્દ્રનાથ સાન્યાલ દ્વારા સ્થાપિત ક્રાંતિકારી સંસ્થા હિન્દુસ્તાન પ્રજાતંત્ર સંઘમાં જોડાયા. અંગ્રેજ સરકારે તેમને જેલમાં પૂર્યા. સરકારનો ઇરાદો તેમને ડરાવી ધમકાવીને કાકોરી રેલધાડના ભાગેડૂ અંગે તેમની પાસેથી માહિતી મેળવવાનો હતો. પરંતુ તેમાં સરકારને સફળતા ન મળી. ભગતસિંહને નિર્દોષ છોડી દેવા પડયા. એવામાં સાયમન કમિશનનો લાહોરમાં વિરોધ કરવા જતાં પોલીસ અફસર સ્ટોક અને સાંડર્સના લાઠીચાર્જનો ભોગ બની પંજાબ કેસરી લાલા લજપતરાય શહીદ થયા. ક્રાંતિકારીઓએ લાલાના મોતનો બદલો લેવાના શપથ ખાધા. ગણતરીના દિવસોમાં ભગતસિંહ, રાજગુરુ અને ચંદ્રશેખરે મળીને સાંડર્સને ઠાર કર્યો. ધરપકડથી બચવા ભગતસિંહ કોલકાતા નાઠા. પંરતુ ત્યાં તેઓ વધારે સમય ન રહી શક્યા. એમને સમાચાર મળ્યા કે કેન્દ્રીય ધારાસભામાં લોકસુરક્ષા બિલ રજૂ થવાનું છે. આ બિલનો ઉદેશ ભારતમાં ચાલી રહેલા યુવક આંદોલનને કચડી નાંખવાનો હતો. ભગતસિંહે એ જ ઘડીએ પ્રતિજ્ઞાા લીધી કે 

આ બિલને ધારાસભામાં પસાર નહિ થવા દેવામાં આવે. ક્રાંતિકારી મિત્ર બટુકેશ્વર દત્તને સાથે લઇ એસેમ્બલીમાં બોમ્બ ધડાકો કર્યો. નાસી ન જતાં સામે ચાલીને ધરપકડ વહોરી. બેઉ સિંહ જેલમાં પુરાયા. કેસ ચાલ્યો.

બંનેને આજીવન કારાવાસની સજા કરવામાં આવી. જેલમાં રાજકેદીનો દરજ્જો અપાવવા તેઓ ભૂખ હડતાલ પર ઊતર્યા. જેમાં ક્રાંતિકારી યતીન્દ્રનાથ શહીદ થયા અંતે સરકાર ઝૂકી. અગવડો દૂર કરવામાં આવી. ત્યાં સાંડર્સ હત્યાકાંડમાં ભગતસિંહનું નામ ખૂલતાં સજા આજીવન કારાવાસમાંથી ફાંસીની કરવામાં આવી. માફી માગો તો સજા હળવી કરવામાં આવે એવું વાઇસરોય તરફથી કહેવામાં આવ્યું તો તેમના તરફથી વાઈસરોયને જવાબ મોકલવામાં આવ્યો કે અમને ગોળીઓથી ખતમ કરી નાખવામાં આવે. ૨૩ માર્ચ, ૧૯૩૧ના દિવસે લાહોરની જેલમાં ૨૪ વર્ષના આ ભર યુવાનને ફાંસીનાં માંચડે લટકાવી દેવામાં આવ્યો.

- જિતેન્દ્ર પટેલ