- મહારાષ્ટ્રમાં પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે સરકારે અમાનવીય વલણ દાખવ્યું તેની 'મરાઠા' અને 'કેસરી'માં નિર્ભિક ટીકા કરી. અંગ્રેજ સરકાર હવે થોડી ટિળકને છોડે? ટિળક પોતાના અખબારમાં ઉશ્કેરણીજનક લેખો લખીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે એવું કહી તેમના વિરુદ્ધ રાજદ્રોહનો આરોપ મૂકી યરવડાની જેલમાં પૂર્યા.
''સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે.'' એવી બુલંદ સ્વરે ગર્જના કરનારા બાળ ગંગાધર ટિળક મહારાષ્ટ્ર રત્નાગિરિ પાસેનાં ચિખલ ગામના વતની હતા. પૂણેની ડેક્કન કોલેજમાંથી બી.એ.તેમજ મુંબઈની કોલેજમાંથી બેરિસ્ટરની ડીગ્રી મેળવનાર ટિળકે ધાર્યું હોત તો વકીલાત કરીને અઢળક નાણાં કમાઈ શક્યા હોત. પરંતુ દેશભક્તિને વરેલા આ ક્રાંતિકારી વ્યાવસાયિક ન બનતાં 'મરાઠા' અને 'કેસરી' જેવા રાષ્ટ્રવાદી અખબારના સંપાદક બન્યા. અખબારની તમામ કામગીરી જાતે સંભાળતા. ત્યાં સુધી કે ગ્રાહકોનાં સરનામાં પણ પોતે લખતા.
એ વખતે ભાગ્યે જ કોઈ અખબારનો તંત્રી અંગ્રેજ સરકારની અત્યાચારી નીતિ સામે ઊંચો અવાજ કરવાની હિંમત કરતો. ત્યારે ટિળક 'મરાઠા' અને 'કેસરી'માં અંગ્રેજ સરકારની દમનકારી નીતિની ઝાટકણી કરવામાં કશું બાકી ન રાખતા. મહારાષ્ટ્રમાં પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે સરકારે જે અમાનવીય વલણ દાખવ્યું તેની 'મરાઠા' અને 'કેસરી'માં નિર્ભિક ટીકા કરી. અંગ્રેજ સરકાર હવે થોડી ટિળકને છોડે ? ટિળક પોતાના અખબારમાં ઉશ્કેરણીજનક લેખો લખીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે એવું કહી તેમના વિરુદ્ધ રાજદ્રોહનો આરોપ મૂકી યરવડાની જેલમાં પૂર્યા. દોઢ વર્ષ જેલમાં ગાળીને છૂટયા પછી પણ ટિળક એ જ નિર્ભિકતાથી સરકાર વિરુદ્ધ લખતા રહ્યા. લોકોમાં રાષ્ટ્રભાવના જગાવવા એમણે ગણેશોત્સવ અને શિવાજીજ્યંતીના તહેવારને સાર્વજનિક બનાવ્યા. મધુપ્રમેહનો રોગ હોવા છતાં રોજના અઢાર કલાક કાર્યરત રહેતા. શ્રીમતી એની બેસન્ટ સાથે મળીને હોમરૂલ આંદોલનની આગેવાની પણ લીધી. દરમિયાન કેસરીમાં પ્રગટ થયેલા 'દેશનું કમનસીબ' લેખને સરકારે રાજદ્રોહ સમાન ગણાવી તેમના પર કેસ ચલાવ્યો. છ વર્ષની કાળાપાણીની સજા સંભળાવી બર્માની માંડલેની જેલમાં ધકેલી દેવામાં આવ્યા. જેલમાં ટિળકે અનેક પુસ્તકોનો અભ્યાસ કર્યો. 'ગીતારહસ્ય' જેવું અમર પુસ્તક પણ લખ્યું. ત્યાં એક દિવસ પત્નીના દુઃખદ મૃત્યુના સમાચાર આવ્યા. તેઓ ધુ્રસકે ધુ્રસકે રડી પડયાં.
સંતાનોને પત્ર લખ્યો ઃ 'તમારી મા અને હું લગભગ ૫૦ વર્ષ સાથે જીવ્યા છીએ. આજે તેની અંતિમ પળોમાં હાજર ન રહી શક્યાનું અપાર દુઃખ અનુભવું છું. તેની ઉત્તરક્રિયા સાંગોપાંગ કરજો. હું ત્યાં નહિ હોવાનું તમને દુઃખ થયું હશે. આ દુઃખને કારણે તમારું ભણતર બગડવા ન દેશો. આવા સંકટથી માણસે સ્વાવલંબન જ વધુ શીખવું જોઈએ.' છ વર્ષની કાળાપાણીની સજા પૂરી કરીને ટિળક જેલમાંથી છૂટયા ત્યારે દેશમાં ઠેર ઠેર તેમનું સન્માન કરવામાં આવ્યું. લોકમાન્યના બિરુદથી નવાજવામાં આવ્યા. પરંતુ સતત પ્રવાસને કારણે તેમની તબિયત કથળતી ગઈ. મા ભારતીની સ્વતંત્રતા ઝંખતા આ દેશભક્ત ૬૪ વર્ષની ઉંમરે સ્વર્ગે સિધાવી ગયા.
- જિતેન્દ્ર પટેલ


