Get The App

આપણા સ્વાતંત્ર્ય નાયકો : બૈકુંઠનાથ શુક્લ

Updated: Nov 28th, 2025

GS TEAM

Google News
Google News
આપણા સ્વાતંત્ર્ય નાયકો : બૈકુંઠનાથ શુક્લ 1 - image

- ભગવાનદાસ માહૌરે ભરી અદાલતમાં ફણીન્દ્ર પર ગોળીબાર કરેલો. પણ એ બચી ગયેલો. આ બનાવ પછી સરકારે ફણીન્દ્રને રક્ષણ આપવા માંડયું હતું. સાક્ષી થવાના બદલામાં સરકારે તેને વેપાર કરવા માટે પૈસા પણ આપ્યા હતા. જેના થકી તેણે બેતિયામાં દુકાન ચાલુ કરી હતી. 

બૈકુંઠનાથ શુક્લ બિહારના મુજફ્ફરપુર જિલ્લાના જલાલપુર ગામનો વતની હતો. તે હિન્દુસ્તાન પ્રજાતંત્ર સંઘનો સૈનિક હતો. અગાઉ થોડો સમય તેણે હાજીપુરનાં ગાંધીઆશ્રમમાં કામ કરેલું. તેણે ગદ્દાર ફણીન્દ્ર ઘોષને બોધપાઠ આપવાનું બીડું ઝડપ્યું હતું. ફણીન્દ્રનાથ પહેલાં તો ક્રાંતિકારીઓની કેન્દ્રીય સમિતિનો સભ્ય હતો. પકડાઈ જવાથી તેણે સાક્ષી બનીને પોલીસને ક્રાંતિકારીઓની ગુપ્ત ચળવળની બધી માહિતી આપી દીધી હતી. ફણીન્દ્ર ઘોષની આ ગદ્દારીને કારણે જ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા થઈ હતી. ક્રાંતિકારીઓ આ દેશદ્રોહીને માફ કરવા માગતા નહોતા.

ભગવાનદાસ માહૌરે ભરી અદાલતમાં ફણીન્દ્ર પર ગોળીબાર કરેલો. પણ એ બચી ગયેલો. આ બનાવ પછી સરકારે ફણીન્દ્રને રક્ષણ આપવા માંડયું હતું. સાક્ષી થવાના બદલામાં સરકારે તેને વેપાર કરવા માટે પૈસા પણ આપ્યા હતા. જેના થકી તેણે બેતિયામાં દુકાન ચાલુ કરી હતી. બૈકુંઠનાથને ખબર પડી કે ફણીન્દ્ર હાલ બેતિયામાં છે કે એ બેતિયા જવા નીકળી પડયો. રસ્તામાં એક તળાવના કાંઠે સામાન મૂકીને બૈકુંઠનાથ તેમાં નાહવા ઊતર્યો. આ દરમિયાન પોલીસ ત્યાં આવી ગઈ. શંકા પડતાં તેણે બૈકુંઠનાથનો સામાન ચેક કર્યો. તેમાંથી એક પિસ્તોલ મળી આવી. પરંતુ બૈકુંઠનાથ તરીને તળાવને સામે કાંઠે જતો રહ્યો ને ત્યાંથી નાસૂ છૂટયો. નવેમ્બર, ૧૯૩૨નાં રોજ બૈકુંઠનાથ બેતિયા પહોંચ્યો. તેની સાથે એક સાથીદાર પણ હતો. બેય જણા સાયકલ લઇને ફણીન્દ્રની દુકાન પાસે આવ્યા. ફણીન્દ્ર ત્યારે બાજુવાળા દુકાનદાર ગણેશપ્રસાદ ગુપ્તા સાથે ગપસપ કરી રહ્યો હતો. ફણીન્દ્રે માન્યું કે કોઈ ગ્રાહક હશે. તે આગંતુકોને કાંઈ પૂછવા જાય એ પહેલાં તો બૈકુંઠનાથે નેપાળી કિરમની ભુજાલીથી તેના માથા પર પ્રહાર કરવા માંડયો. તેને બચાવવા ગણેશપ્રસાદ વચ્ચે પડયો તો બૈકુંઠનાથના સાથીદારે તેને સંભાળી લીધો.

બંન્નેને અધમૂવા કરીને બૈકુંઠનાથ અને તેના સાથીદાર નાસી છૂટયા. લોકો ભેગા થઇ ગયા હોવાથી તેઓ પોતાની સાયકલ લેવા પણ ઊભા ન રહ્યા. પગપાળા જ નાઠા. સાયકલમાં બૈકુંઠનાથની એક પોટલી રહી ગઈ હતી. જેમાં ધોતીમાં એક છરો વીંટયો હતો. ધોતી પર ધોબી દ્વારા કરવામાં આવેલું એક નિશાન હતું. આ નિશાનના આધારે પોલીસે બૈકુંઠનાથનો પત્તો મેળવવા શોધખોળ આદરી. અંતે બૈકુંઠનાથ સોનાપુરના ગંડકનદીનાં પુલ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે પોલીસનાં હાથે પકડાઈ ગયો. ત્યારે તેના ખિસ્સામાંથી નાળિયેરની કાચલીમાં ભરેલો એક બોમ્બ પણ મળી આવ્યો. તરત તેને જેલ ભેગો કરવામાં આવ્યો. તેને એટલો ખતરનાક માનવામાં આવ્યો કે મુકદ્દમો ખુલ્લી અદાલતમાં ન ચલાવવા મોતીહારીની જેલની અદાલતમાં ચલાવવામાં આવ્યો.

ચોવીસ વર્ષના આ ક્રાંતિકારીને ગયાની સેન્ટ્રલ જેલમાં ફાંસીએ ચડાવી દેવામાં આવ્યો.

- જિતેન્દ્ર પટેલ