Get The App

એક હતું તરબૂચ .

Updated: Apr 17th, 2026

GS TEAM

Google News
Google News
એક હતું તરબૂચ                                            . 1 - image

- પછી તો તરબૂચની મોટી જબ્બર ટોળકી ઊભી બજારે ચાલવા લાગી. સૌ કોઈ જોતાં જ રહી ગયા. જો કોઈ આ ટોળા નજીક આવ્યું તો કચડાઈ ગયું જ સમજો. પછી તો તેઓ કેરીઓ પાસે પહોંચ્યા. તરબૂચભાઈ કહે, 'ચાલો કેરીબહેન, જલદી કરો, તમારી ટોળકીને અમારા બધાની પાછળ સંતાડી દો.

- માધવી આશરા 

એક હતું તરબૂચ. તેનું નામ લાલભાઈ. પેટ તો એવું મોટું જબરું કે તેને ચાલવા માટે પણ વિચાર કરવો પડે અને જો ચાલે તો કઈ કેટલાયને ઠેબે લેતા જાય.

લીલા કપડામાં આંટા મારતું આ તરબૂચ અંદરથી સૂર્ય જેવું લાલ-લાલ. લાલધૂમ તરબૂચનો પિત્તો હંમેશા તપેલો જ હોય. આંખો તો જાણે હમણા જ બહાર નીકળી જશે એવું લાગે. એટલે જ બાળકો કહે-

બહાર દેખાતા લીલાભાઈ,

અંદર નીકળતા લાલભાઈ,

આ તો છે તરબૂચનો જાદુ,

વાતે-વાતે પડતું એને વાકું...

તરબૂચને બધા સાથે બહુ ઓછુ ફાવે. એક તો મોટું કદ, એમાય વળી ઉનાળામાં જ દેખાય કે જ્યારે મોટા ભાગનાં ફળો ઉનાળાના વેકેશનમાં ફરવા જતા રહ્યાં હોય. 

હા, કેરીબહેન તરબૂચભાઈનો સાથ આપે ખરાં. પણ કેરી તો ફળોનો રાજા કહેવાય. તે વળી ક્યાય તરબૂચ જેવા ગોળમટોળ ફળ સાથે વાત થોડી કરે! એ તો ઊંચા સિંહાસન પર બેસીને રાજ કરે! 

તરબૂચ બિચારું ક્યારેક વિચારે કે આ કેરીબહેનને લોકો રાજા કેમ કહેતા હશે? એ રહી કેરીબહેન એટલે તેને તો રાણી કહેવી જોઈએ. તરબૂચને બહુ મન થાય કે ચાલને કેરી સાથે દોસ્તી કરું, પણ દર વખતે વાત માંડી વાળે. 

એક દિવસની વાત છે. બરાબર ઉનાળો જામ્યો હતો. સૂરજદાદા સખત અગ્નિ જ્વાળા વરસાવી રહ્યા હતા. કેરીઓ તો ધડાધડ પાકી રહી હતી. બજારમાં કેરીઓ હાડહુડ થઇ રહી હતી. ભારે ગરમીમાં બિચારી પાકી-પાકીને પોચી પડી રહી હતી. 

બિચારા આપણા તરબૂચભાઈને કેરીની દયા આવી ગઈ. એ તો કેરી પાસે ગયા અને કહે, 'કેરીબહેન...કેરીબહેન... તમે બહુ પોચા પડી ગયાં છો.'

પરસેવેથી રેબઝેબ કેરી કહે, 'હા. તરબૂચભાઈ, આ જુઓને સૂરજદાદા કેવા તપી રહ્યા છે...'

તરબૂચ કહે,'હું તમારી કાઈ મદદ કરું?'

કેરીબહેન કહે, 'તમે શું કરી શકો? તમારા કહેવાથી કાઈ સૂરજદાદા ઓછા તપશે?'

તરબૂચભાઈ તો મૂંઝાઈ ગયા. કેરીની વાત ખોટી ન હતી. એકાએક એક વિચાર આવતા તરબૂચ કહે, 'કેરીબહેન, તમે મારી પાછળ સંતાઈ જાવ.'

કેરીબહેન કહે, 'હું કાઈ એકલી ન સંતાઉં. મારી બહેનપણીઓ આવે તો હું આવું.'

તરબૂચભાઈ તો હવે ભારે મૂંઝાયા. આ તો ધરમ કરતા ધાડ પડી. બિચારા વિચારે કે હું તો એક-બે અથવા બહુ બહુ તો ત્રણ-ચાર  કેરીઓને તડકાથી બચાવી શકું  પણ આટલી બધીને ક્યાં નાખું? ચાલને હું પણ કેરીઓ જેવો જ સંપ કરું! લાવ, મારા બીજા અનેક દોસ્તોને વાત કરું. તેઓ મદદે જરૂર આવશે. 

પછી તો શું! તરબૂચભાઈફટાફટ પહોંચી ગયા જાતભાઈઓ પાસે અને કહે, 'ભાઈઓ, ચાલો જલદી કરો. આપણે કેરીઓની મદદે જવાનું છે. તેને આપણી પાછળ સંતાડવાની છે. ચાલો જલદી કરો.'

હવે મિત્રોના ટોળામાં થોડાક તો અપલખણા હોય જ. એટલે એક તરબૂચ બોલ્યું, 'ના રે ના, હું કઈ એવી મદદ કરવા ન આવું.'

તરબૂચ કહે, 'તો તું પડયું રહે. અમે તો આ ચાલ્યા.'

એમ કહી પછી તો તરબૂચની મોટી જબ્બર ટોળકી ઊભી બજારે ચાલવા લાગી. સૌ કોઈ જોતા જ રહી ગયા. જો કોઈ આ ટોળા નજીક આવ્યું તો કચડાઈ ગયું જ સમજો. પછી તો તેઓ કેરીઓ પાસે પહોંચ્યા. તરબૂચભાઈ કહે, 'ચાલો કેરીબહેન, જલદી કરો,તમારી ટોળકીને અમારા બધાની પાછળ સંતાડી દો.'

ગાડરિયા પ્રવાહની જેમ કેરીઓ તો ફટાફટ તરબૂચ પાછળ સંતાવા લાગી. તરબૂચે પણ ભારે બુદ્ધિ ચલાવી. એક પછી એક તરબૂચ ધડામ કરતો કૂદકો મારે ને ઉપરાઉપરી ગોઠવાઈ ગયા.  એમ કરતા તરબુચની એક મોટી દીવાલ બની ગઈ. આ દીવાલની છાયામાં બધી કેરીઓ તાપથી બચી ગઈ! 

તો હવે સમજાયુ કે આ તરબૂચ આટલા ખાધે-પીધે કેમ સુખી છે? તો બોલો - 

બહાર દેખાતા લીલાભાઈ,

અંદર નીકળતા લાલભાઈ,

આ તો છે તરબૂચનો જાદુ,

તરબૂચ તો નીકળ્યું હુકમનું પ્યાદું...