For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એક હતી પેન્સિલ .

Updated: Nov 18th, 2022

Article Content Image

- મહેશ 'સ્પર્શ'

અ નિકેત આજે ખૂબ ખુશ હતો. સવારે વહેલો ઊઠી ગયો. આજે એનો જન્મદિવસ હતોને એટલે!

સીધો મમ્મી પાસે ગયો. પગે લાગી આશીર્વાદ લીધા. પછી દાદા, દાદી, પપ્પા, કાકા, કાકી એમ વારાફરતી બધાને પગે લાગી આવ્યો. બધાંએ એને બહુ આશીર્વાદ આપ્યા. બધાંએ તેને નાની મોટી ગિફ્ટ પણ આપી.

નાહી પરવારીને અનિકેત પરિવાર સાથે પ્રાર્થનામાં જોડાયો. પછી મમ્મીને કહી દોસ્તોને મળવા ઘરેથી નીકળી પડયો. 

રસ્તામાં એને એક પેન્સિલ મળી. પેન્સિલ હતી નવીનક્કોર. માથે રબરની ટોપી. જોતાં જ ગમી જાય એવી રૂપાળી. અનિકેત તો રાજીનો રેડ થઈ ગયો. પેન્સિલ હાથમાં લઈ ઢીંચાક ઢીંચાક કરતો નાચવા લાગ્યો. 

પછી પેન્સિલ ઇખસ્સામાં મૂકી આગળ ચાલવા લાગ્યો. બે ત્રણ ડગલાં ચાલ્યો હશે ત્યાં કોઈએ એના શર્ટનો કોલર ખેંચ્યો. એણે જોયું તો પેન્સિલ મરક મરક મલકી રહી હતી. તેણે જ ઇખસ્સામાંથી હાથ લાંબો કરી કોલર ખેંચ્યો હતો. એ જોઈ અનિકેતને તો મોજ પડી ગઈ. 'ઝમકુડી, તારે કાંઈ કહેવું છે?' અનિકેતે પેન્સિલને મજાનું નામ આપી દીધું. 

'અરે વાહ! બહુ મસ્ત નામ છે - ઝમકુડી!'    

પેન્સિલને પોતાનું નામ બહુ ગમી ગયું. કૂદકા મારીને એણે પોતાનો આનંદ વ્યક્ત કર્યો.  

'હા, તો બોલને ઝમકુડી, શું કહેવું છે તારે?'     

અનિકેતે પેન્સિલને ઇખસ્સામાંથી બહાર કાઢી હથેળી પર મૂકી.

'છેને, હું ચમત્કારી પેન્સિલ છું.'

'એમ? કેવા ચમત્કાર કરી શકે છે તું?' અનિકેતને આશ્ચર્ય થયું.

'છેને, હું કોઈપણ વ્યક્તિના દુર્ગુણ દૂર કરી શકું છું.'

'અરે વાહ! એ તો બહુ સરસ કહેવાય. પણ એ કેવી રીતે થાય એ તો કહે.'

'હા, ભાઈ હા... હવે એ જ કહું છું. થોડી તો ધીરજ રાખ, મારા ભાઈ.' ઝમકુડીએ હસતાં હસતાં કહ્યું. 

પછી એણે પોતાની વાત પૂરી કરતાં કહ્યું, 'છેને, જેના દુર્ગુણ દૂર કરવા હોય એનું નામ કોરા કાગળ પર લખી દેવાનું. પછી, એના નામની સામે એના દુર્ગુણ લખી નાંખવાના...'

'એટલે એના દુર્ગુણ દૂર થઈ જાય!' અનિકેત અધીરો બન્યો. 

'મારી પૂરી વાત તો સાંભળ! એ લખ્યા પછી એને મારી રબરવાળી ટોપીથી ભૂંસી નાખવાના. પછી, હંમેશ માટે એના એ દુર્ગુણ દૂર થઈ જશે.' પેન્સિલે પોતાની અધૂરી વાત પૂરી કરી. 

'અરે વાહ! આ તો જોરદાર કહેવાય.' 

અનિકેતે ઝમકુડીની ટોપી પર વહાલથી હાથ ફેરવી તેને પાછી ખિસ્સામાં મૂકી દીધી. જન્મદિવસની આ અણમોલ ભેટ મેળવી એ તો ઘણો રાજી રાજી થઈ ગયો હતો. 

અનિકેતે ઝડપભેર ફલાંગો ભરવા માંડી. પોતાના દોસ્ત ગૌતમને મળવા તે ઉતાવળો થયો હતો. ગૌતમને જાદુઈ પેન્સિલ બતાવવાની તેને તાલાવેલી હતી. એનો હરખ ગીત બનીને ઊભરાવા લાગ્યો.

'ઢેણેન... ઢેણેન... ટુડૂક... ટુડૂક... મારી પેન્સિલ,

જાદુગર ઝમકુડી હસતી કેવું ખીલખીલ...'

નાચતો ગાતો અનિકેત પહોંચી ગયો ગૌતમના ઘરે.

'હાઇ ગૌતમ...'

'હેય અનિકેત. આવ, બેસ.' ગૌતમે અનિકેતને આવકાર આપ્યો.

'ગૌતમ આ ઝમકુડી... મતલબ આ પેન્સિલ છેને...'     

અનિકેત પોતાની વાત પૂરી કરે એ પહેલાં જ ગૌતમની નાની બહેન ગ્રીવા ત્યાં આવી પહોંચી. 

'મારી સ્કૂલબેગને તું કેમ અડયો 'તો...' 

એમ કહી પોતાની સ્કૂલબેગમાંથી બધી વસ્તુઓ કાઢીને નીચે ફેંકવા લાગી. બૂમરાણ મચાવી એણે આખું ઘર માથા પર લીધું હતું.

'એ ઘર વચ્ચે રસ્તામાં પડી રહી હતી. મેં તો ફક્ત એને ઠેકાણે મૂકી બસ એટલું જ છે.' 

ગૌતમે તેને બહુ સમજાવી. માફી પણ માગી, પણ ગ્રીવાનો ગુસ્સો તો સાતમા આસમાને હતો. એ તો બધી વસ્તુઓ ફેંકતી જ રહી. 

આ જોઈ અનિકેતને ઝમકુડીનો જાદુ અજમાવવનું મન થયું. એણે ગૌતમ પાસે એક કોરો કાગળ માગ્યો. તેના પર ગ્રીવાનું નામ લખ્યું અને એની સામે 'ગુસ્સો' લખ્યું. પછી ઝમકુડીની રબરવાળી ટોપીથી ભૂંસી નાખ્યું. એ સાથે જ ગ્રીવાનો ગુસ્સો શાંત પડી ગયો. એનો ગુસ્સાનો દુર્ગુણ હંમેશા માટે દૂર થઈ ગયો.     

એ જોઈ અનિકેતના આનંદનો પર ના રહ્યો. 

'યાર, તે આ જાદુ કેવી રીતે કર્યોે?' ગૌતમે પોતાનું આશ્ચર્ય પ્રગટ કર્યું. 

'આ તો આ ઝમકુડીના જાદુનો પ્રતાપ છે. હું તને એ જ વાત કહેવાનો હતો ને એટલામાં ગ્રીવા આવી ગઈ. જે થયું એ સારું થયું. એ બહાને એનો દુર્ગુણ તો દૂર થઈ ગયો.' 

'અરે પણ એ જાદુની તો વાત કર.' ગૌતમ એ જાદુની વાત જાણવા માટે ઉત્સુક હતો.

'છેને, તારા ઘરે આવતી વખતે મને રસ્તામાંથી આ પેન્સિલ મળી. મને બહુ ગમી ગઈ. એટલે મેં એનું નામ ઝમકુડી પાડી દીધું. આ ઝમકુડીની રબરવાળી ટોપી ગમે તેના દુર્ગુણ દૂર કરી શકે છે. જેનો દુર્ગુણ દૂર કરવો હોય એનું નામ કોરા કાગળ પર લખવાનું.  એની સામે એના દુર્ગુણ લખવાના. પછી, આ રબરની ટોપીથી ભૂંસી નાંખવાના.' અનિકેતે માંડીને આખી વાત કહી. 

'બસ, એટલું જ!' ગૌતમના માન્યામાં નહોતું આવતું.

'હા, પછી એના દુર્ગુણ હમેશ માટે દૂર થઈ જશે.' અનિકેતે ચોખવટ કરી. 

આ સાંભળી ગૌતમના આશ્ચર્યનો પાર ના રહ્યો. 

'ઝમકુડી તો બહુ મજાની છે. આપણે એની મદદથી ઘણાં સારા કામ કરી શકીશું.' 

'ગૌતમ પણ જાદુઈ પેન્સિલને હવે ઝમકુડી કહેવા લાગ્યો. એ સાંભળી અનિકેતને હસવું આવી ગયું. ખુશ થઈ એણે પેલું ગીત ફરી લલકાર્યું..

'ઢેણેન... ઢેણેન... ટુડૂક... ટુડૂક... મારી પેન્સિલ,

જાદુગર ઝમકુડી હસતી કેવું ખીલખીલ...'

હવે, ગૌતમ પણ એ ગીત ગાવામાં જોડાઈ ગયો.

'દોસ્ત! તું પણ લોકોના દુર્ગુણ દૂર કરવામાં મારી સાથે જોડાઈશને?' અનિકેતે તેના ભાઈબંધ ગૌતમને પૂછયું.

'અરે દોસ્ત! એમાં તે કાંઈ પૂછવાનું થોડું હોય? મને તો એ કામમાં જોડાવાનો બહુ આનંદ થશે.' ગૌતમે અનિકેતની વાતને હરખભેર વધાવી લીધી.

પછી, તેઓ ગાતાં જાય ને લોકોના દુર્ગુણ દૂર કરતાં જાય. ધીમે ધીમે ઝમકુડીની રબરની ટોપી ઘસાતી ગઈ. ઘસાઈ ઘસાઈને એ પૂરી થઈ ગઈ. પણ, ત્યાં સુધીમાં તો એમણે અનેકનાં જીવન બદલી નાખ્યાં હતાં. એ વાતનો એમને ખૂબ જ આનંદ હતો.

Gujarat