Get The App

એક દાંતનો ઇશ્વર .

Updated: Aug 29th, 2025

GS TEAM

Google News
Google News
એક દાંતનો ઇશ્વર                                              . 1 - image

- ગણપતિએ આજ્ઞાપાલન માટે બાળપણમાં માથું ગુમાવ્યું હતું, મોટપણમાં એક દાંત ગુમાવ્યો!

- મારા જ બે સાથીઓ અંદરોઅંદર લડી પડયા? 

- પરશુરામ ગુસ્સામાં આવી જાય પછી રોકાય નહીં

- 'હું કોણ છું તે જાણે છે? હું છું પરશુરામ! ભગવાન શિવે મને ગમે ત્યારે મળવાનું વચન આપ્યું છે. રાત, મધરાત, સાંજ સવાર, પરોઢ, મધ્યાહ્ન. ગમે ત્યારે હું શિવજીને મળી શકું.'

ગણપતિનાં ઘણાં બધાં નામો છે. 

તેમાંનું એક નામ છે : એકદંતા દેવ. એક દાંતના ઇશ્વર.

હવે ગણપતિનો આ એક દાંત કેવી રીતે ગયો? તેની ય કથા સાંભળવા જેવી છે.

ગણપતિ બાળપણથી જ ભારે આજ્ઞાકારી. એક વખત બાળક ગણપતિને માતા પાર્વતીએ કહ્યું : 'હું સ્નાન કરવા જાઉં છું. કોઈને આવવા દઈશ નહીં નહીં.'

ગણપતિ કહે : 'ભલે.'

ત્યાં જ આવી લાગ્યા શિવશંકર. જાતે અંદર જવાની જીદ કરવા લાગ્યા. પણ બાળક ગણેશની ના એટલે ના.

છેવટે શિવજી ગુસ્સે થયા. લડયા. ગણપતિનું માથું કાપી નાખ્યું અને પછી તો ગણપતિને હાથીનું માથું મળ્યું.

એ વાત તમે જાણો છો. પણ માથાથી હાથી બન્યા છતાં ગણપતિ જરાય બદલાયા નહીં. 

આજ્ઞાકિંત તો તેઓ એવા ને એવા જ રહ્યા. પિતા-પુત્રની આ જ વાતે પાકી દોસ્તી. 

પિતાને ખાતરી કે ગણપતિને કામ સોંપો એટલે અચૂક થાય જ.

એક વખત પિતાજી શિવજીએ આજ્ઞા કરી : 

'હું એકાંતમાં છું. તપ કરું, ધ્યાન ધરું, માનવ તથા દેવના ઉદ્વારની કોઈક યોજના વિચારું કે આરામ કરું. મારે જે કરવું હોય તે કરું, પણ તું કોઈને આવવા દઈશ નહીં. ભલે ગમે તે હોય.'

પિતાજી શિવશંકરજી અંતેવાસમાં ચાલ્યા ગયા.

પહેરેગીર ગણપતિએ ચોકીપહેરો શરૂ કર્યો.

અને આવી પહોંચ્યા પરશુરામ. ઉતાવળમાં હતા. ભગવાન શિવના ખાસ સાથી, શિષ્ય અને મિત્ર. ખુદ પરશુરામને ય ઘણા ભગવાન પરશુરામ કહે.

પરશુરામ ગુસ્સામાં આવી જાય પછી રોકાય નહીં. ભલે જે થવાનું હોય તે થાય. એક વખત પૃથ્વી નક્ષત્રી કરવાની પ્રતિજ્ઞા લીધી. શોધી શોધીને પૃથ્વી પરથી ક્ષત્રીઓને મારવા માંડયા. એ તો ક્ષત્રીય રામનો સામનો થયો ત્યારે જ વાત અટકી. નહીં તો પૃથ્વી પર એકેય ક્ષત્રિય રહેત નહીં.

એવા ગુસ્સા, જુસ્સા અને ઠસ્સાવાળા પરશુરામ ધસમસતા જવા લાગ્યા. 

શિવ પાસે રસ્તામાં કોણ છે એ જોયું જ નહીં.

ગણપતિ કહે : 'એ એ ભાઈ, એ શ્રીમાન, એ સંત, એ મહંત... થોભો.. થોભી જાવ.'

પરશુરામ કહે : 'મને થોભવાનું કહે છે? હું કોણ છું તે જાણે છે? હું છું પરશુરામ. ભગવાન શિવે મને ગમે ત્યારે મળવાનું વચન આપ્યું છે. રાત, મધરાત, સાંજ સવાર, પરોઢ, મધ્યાહ્ન. ગમે ત્યારે હું શિવજીને મળી શકું.'

'બહાર ગણપતિની આજ્ઞા વગર નહીં જ.'

'મારે આજ્ઞા લેવાની? મારે?'

'હા, આજ્ઞા લેવાની અને આજ્ઞા છે ચોખ્ખી ના.'

પરશુરામે ખળભળીને કહ્યું : 'મને ના કહે છે? શિવને દ્વારે? હું કોણ છું, જાણે છે?'

ગણપતિએ કહ્યું : 'મને નામ એકી વખતે જ યાદ રહી જાય છે. આપ પરશુરામ છો. કેટલાક આપને ભગવાન પરશુરામ કહે છે. આપ ભગવાન શિવના સાથી, શિષ્ય, મિત્ર છો. આપને ગમે ત્યારે શિવશંકરને મળવાનું વરદાન છે...'

'બસ ત્યારે...' કહીને પરશુરામ અંદર જવા લાગ્યા.

ગણપતિએ પહેલાં હાથથી, પછી સૂંઢથી રોકીને પરશુરામને પાછા ખેંચી લીધા. કહી દીધું, 'અંદર કોઈને જવાની છૂટ નથી. ખુદ મને પણ નહીં.'

 ગુસ્સે થઈ ગયેલા પરશુરામે કહ્યું : 'તું તારી જાતને મારી સાથે સરખાવે છે? તું મને અંદર જતો રોકે છે? શિવદ્વારે મારું અપમાન?'

એમ કહી પરશુરામે બળ વાપર્યું, તો ગણપતિએ તેમને પાછા ખેંચી લીધા.

હવે પરશુરામ રહી શક્યા નહીં. તેમણે ગણપતિને માર્ગમાંથી ઊંચકી લેવાનો પ્રયાસ કર્યો. 

પણ ત્યારે ગણપતિ ઊંચકી જ શકાયા નહીં. બદલામાં ગણપતિએ જ સૂંઢ વડે પરશુરામને ઊંચક્યા અને પરશુરામ ઓ-ઓ કરતાં રહ્યાં. 

એટલામાં ગણપતિએ એમને જોરથી જમીન પર પટક્યા.

હાથીનું જોર હતું. હાથી પટકે પછી કોઈની શી સૂધબુધ રહે?

પરશુરામ થોડીવાર માટે બેહોશ થઈ ગયા.

ભાનમાં આવ્યા ત્યારે સમસમી ઊઠ્યા. તેમણે પરશુ ઉપાડયું. જે પરશુથી ધરતીને નક્ષત્રી કરતા હતા એ જ પરશુ લઈ પરશુરામ ગણપતિ સામે ધસી ગયા.

ગણપતિએ સૂંઢ વડે પરશુરામને કંઈક વખત ઝટક્યા, પટક્યા, ફટક્યા, ખટક્યા.

કેમે કરીને પરશુરામ છટક્યા. 

તેમણે છુટ્ટું પરશુ ગણપતિ તરફ ફેંક્યું.

આ પરશુ અમોઘ શસ્ત્ર હતું. આકરી અને કપરી તપશ્ચર્યા બાદ પરશુરામે તે ભગવાન શિવશંકર પાસેથી મેળવ્યું હતું.

ગણપતિને ક્ષણેક મૂંઝવણ થઈ. જો પરશુને ફેંકી દે, તો ભગવાન શિવનું અપમાન થાય! 

પિતાની એક આજ્ઞા માનવા જતાં બીજી આજ્ઞા તૂટે. પરશુ પાછું ફેંકે તો પરશુરામના રામ રમી જાય. 

પરશુરામ શિવજીના સાથી અને મિત્ર ખરા જ !

છેવટે ગણપતિએ ફેંકાયેલા એ પરશુને બેમાંથી એક દાંત પર ઝીલી લીધું.

ગણપતિનો એક દાંત તૂટી ગયો.

પરશુની લાજ રહી ગઈ.

આ ધમાલમાં ભગવાન શિવશંકર બહાર દોડી આવ્યા. બહારની ધમાલ સમજી લઈ તેઓ કહે : 

'ઓહ ! મારા જ બે સાથીઓ અંદરોઅંદર લડી પડયા? ઘણું ખોટું થયું. પણ ગણપતિ, તારો એક દાંત જવાનું તને દુ:ખ નહીં રહે. તારું એક નામ એકદંત પડી જશે, કેમ કે ભગવાનની અને પિતાની આજ્ઞા પાળવા તેં એ દાંત ગુમાવ્યો છે. પિતાના સાથી અને મિત્રને બચાવવા તેં એ દાંતનું બલિદાન આપ્યું છે. જા, આજથી તું એક દાંતનો ઇશ્વર બની રહે છે.'

ખુદ પરમેશ્વર મનાતા પરશુરામે પણ એક દંત ઇશ્વરને નમન વંદન કર્યા.

અને પિતા હોવા છતાં ભગવાન શિવશંકરે પણ એકદંતા આજ્ઞાપાલકને પ્રણામ કર્યા.

ત્યારથી ગણપતિ એકદંતા ઇશ્વર બની રહ્યા. પ્રથમ સ્થાનના પરમેશ્વર બની રહ્યા !