- બેટ માત્ર બોલને જ નહિ, ખેલાડીને પણ ફટકો મારી દે છે!
- બીજાના હક્ક ડૂબાડવા જેવું પાપ બીજું કોઈ નથી
- ચોર કદી ખુશ થઈ શકતો નથી
- હરીશ નાયક
'પ્રકાશને ત્યાંથી તારું બેટ લાવ્યો કે નહિ?'
ઘરમાં દાખલ થયેલા રાજુને માતાએ પૂછ્યું.
રાજુનું બેટ કેટલાય દિવસથી પ્રકાશને ત્યાં પડયું હતું, પણ તે એ બેટ લઈ આવતો ન હતો.
રાજુ એમ તો સમજણો થયો હતો, તે છતાં હજી તેની ચીજવસ્તુઓની કાળજી તેની માતાને જ રાખવી પડતી. તેના કપડાં, ચોપડાં, પગરખાં તથા રમતગમતનાં સાધનોની કાળજી પણ માતાને જ રાખવી પડતી.
રાજુ પોતાની વસ્તુઓ ગમે ત્યાં મૂકી આવતો કે ખોઈ આવતો અને એ વસ્તુઓ પાછી મેળવવા માટે ઘરમાં જીદ કરતો. માતા એટલે જ આવી વસ્તુઓ માટે સજાગ રહેતી.
રાજુએ બેટ વિશે કોઈ જવાબ આપ્યો નહિ એટલે માએ ફરીથી તેને પૂછ્યું : 'અલ્યા! તારું બેટ લાવ્યો કે નહિ?'
'ના.'
'કેમ, નથી લાવવાનું?'
'લઈ આવીશ, કહ્યું તો ખરું.'
'ક્યારે? જા, અત્યારે ને અત્યારે જ લઈ આવ.'
માતાએ તેને બેટ લેવા માટે બહાર મોકલ્યો.
રાજુ ઘણીવાર પ્રકાશ પાસે પોતાનું બેટ માગી ચૂક્યો હતો. પણ પ્રકાશ તે આપતો ન હતો.
વાસ્તવમાં એ બેટ રાજુએ જ તેને રાખવા આપ્યું હતું. રાજુની એ આદત હતી. જ્યાં રમવા જતો ત્યાં બધી વસ્તુઓ નાખીને આવતો રહેતો. બેટ પણ એ જ રીતે પ્રકાશને ત્યાં મૂકી રાખ્યું હતું, 'અત્યારે રાખ. તારે ત્યાંથી ફરી કોઈવાર લઈ જઈશ.'
પણ તેને કદી પ્રકાશને ઘેરથી બેટ લઈ આવવાની ફુરસદ મળી નહિ. પછી તો પ્રકાશને પણ બેટ પાછું આપવાની પરવા રહી નહિ.
જ્યારે રાજુ બેટ માગતો ત્યારે પ્રકાશ વાયદો કરી દેતો.
અત્યારે જ્યારે માતાએ તેને ધાકધમકી સહિત કહ્યું ત્યારે રાજુનો મિજાજ ગયો. તે ધમધમ કરતો ઘેરથી નીકળ્યો. મનમાં તેણે એવું નક્કી કર્યું કે આજે તો પ્રકાશ પાસે બેટ લઈને જ પાછો આવીશ.
પ્રકાશ બીજા છોકરાઓ સાથે મહેફિલ જમાવીને બેઠો હતો. તેણે જઈને પ્રકાશને કહ્યું, 'એઈ પ્રકાશ! બેટ આપે છે કે નહિ? શું તારા પિતાનો માલ સમજી બેઠો છે કે આપવાનું નામ જ લેતો નથી?'
રાજુની આવી વાતથી પ્રકાશ છંછેડાઈ બેઠો. જાહેરમાં આવું બને છે ત્યારે ન ચઢતો હોય તો પણ ગુસ્સો ચઢે છે.
પ્રકાશે પણ તેને સંભળાવી દીધું, 'હવે તો આપતો હોઉં તો પણ નહિ આપું. તારાથી થાય તે કરી લે, જા.'
માતાએ રાજુનો સારો એવો ઉધડો લીધો હતો.
રાજુ તપેલો હતો જ, તેમાં પ્રકાશની આવી વાણી સાંભળી તેણે દાંત પીસ્યા અને મૂઠ્ઠી ઉછાળી. તે કહેવા લાગ્યો, 'એમ? જોવું છે તારે?'
પ્રકાશે ઓટલા પરથી કૂદી આવીને કહ્યું, 'તું શું બતાવી આપતો હતો? હું જ તને બતાવી આપીશ.'
જોતજોતામાં બંને મિત્રો વચ્ચે દ્વંદ્વયુદ્ધ જામી ગયું. બીજા મિત્રોએ પાનો ચઢાવ્યો.
રાજુ પાછો ઘેર આવ્યો ત્યારે તેને બે ત્રણ જગાએ વાગ્યું હતું.
માતાએ તેનો સારો એવો ઉધડો લીધો. જવાબમાં રાજુએ સંભળાવી દીધું, 'મા! તારે બેટ જ પાછું જોઈએ છે ને? જરૂર પાછું લાવી દઈશ. અત્યારે મને જંપવા દે.'
પણ ત્યારથી રાજુ જંપી શક્યો નહિ. બેટ કેવી રીતે પાછું મેળવવું એ જ વાત તે વિચારતો રહ્યો. તેમાંય પ્રકાશે તેને જાહેરમાં ફટકાર્યો હતો, તેની વેદના પણ તેને કોરી ખાતી હતી.
આ ઘટના પછી રાજુ સાવ એકાકી બની ગયો. બીજા સાથીઓ તેની વધુ ને વધુ મશ્કરી કરવા લાગ્યા. એથી તે ચિઢાયેલો રહેતો. ગુસ્સે પણ થઈ જતો.
આવી હાલત હોવા છતાં બેટ પાછું મેળવવાની કોઈ યુક્તિ તે અમલમાં મૂકી શક્યો નહિ.
અને ત્યારે જ, બીજી જ એક જાતનો લાગ તેને મળી ગયો.
રિસેસનો ઘંટ પડતાં જ છોકરાઓ હુડુડુડુડુ કરીને ભાગી ગયા. બધા સાથે પ્રકાશ પણ બહાર દોડી ગયો.
પ્રકાશની પાટલી પર તેની બેગ રાજુની નજરે ચડી. પ્રકાશ ઘણું ખરું પોતાની બેગને તાળું મારતો હતો. તાળું મારવાથી ખીચોખીચ ભરેલાં પુસ્તકો સલામત રહેતાં. બેગની કડી ઉઘડી જવાનો સંભવ રહેતો નહિ.
પણ અત્યારે રિસેસની લ્હાયમાં પ્રકાશ બહાર દોડી ગયો.
તાળું માર્યા વગરની બેગ રાજુની સામે પડી હતી. વર્ગમાં તેના સિવાય બીજું કોઈ હતું નહિ. પ્રકાશને સીધો કરવાનો તેને ઠીક લાગ મળ્યો છે, વિચારીને રાજુએ ઝડપ કરી. તેણે સિફતથી બેગ ઉઘાડી, ઉપરની બે-ત્રણ નોટો લઈ લીધી.
બીજી જ ઘડીએ તે વર્ગની બહાર નીકળી ગયો. દૂર એક ઝાડની બખોલમાં એ નોટો તેણે મૂકી દીધી.
પાછા ફરતાં તેને મોડું થયું, પણ તે ખુશ હતો. તેના હાથમાં પ્રકાશની ચોટલી આવી ગઈ હતી. પ્રકાશ વર્ગનો આગળ પડતો વિદ્યાર્થી હતો અને તેની આ નોટો પાઠયપુસ્તકો કરતાં વધુ કિંમતી હતી.
વર્ગ શરૂ થતાંની સાથે જ તરખાટ મચી ગયો. પ્રકાશે ઊભા થઈને સાહેબને કહી દીધું, 'સાહેબ! મારી નોટો ચોરાઈ છે.'
તેણે એ પણ કહી દીધું કે, 'મને શંકા રાજુ પર છે.'
સાહેબે રાજુને પૂછ્યું, 'તેં પ્રકાશની નોટો લીધી
છે કે?'
રાજુ કહે, 'ના.'
પ્રકાશ કહે, 'સાહેબ! વર્ગમાંથી અમે બધા ગયા ત્યારે તે એકલો જ વર્ગમાં રહી ગયો હતો. વર્ગ ફરી શરૂ થયો ત્યારે તે મોડો આવ્યો. જરૂર એ જ મારી નોટો લઈ
ગયો છે.'
સાહેબે ફરીથી રાજુને કહ્યું, 'રાજુ, નોટો લીધી હોય તો આપી દે, નહિ તો પરિણામ સારું નહિ આવે.'
રાજુએ તો બેધડક કહ્યું, 'મેં એની નોટ જોઈ નથી, લીધી નથી. તમારે મારું દફતર તપાસવું હોય તો તપાસી શકો છો.'
એ વાતનું કોઈ પરિણામ આવ્યું નહિ. મનોમન રાજુ વિચારવા લાગ્યો કે આજે તેની જીત થઈ છે. હવે પ્રકાશ સીધો થઈ જશે. બેટના બદલામાં તેને ઘણી મોટી કિંમત ચૂકવવી પડી છે.
ઉપરથી તે રાજી થતો હોવા છતાં તે મૂંઝાતો હતો. ચોર કદી ખુશ થઈ શકતા નથી અને રાજુની દશા પણ ચોરની જ દશા હતી.
તે ઘેર જઈ એકલો પડવા માગતો હતો, પણ આજે તેના ઘરમાં ખુશીનું વાતાવરણ હતું. ઘરમાં સારી સારી રસોઈ બનતી હતી. ઘર કંઈક શણગારાયેલું હતું.
રાજુએ પૂછ્યું, 'મા! આજે શું છે? ઘર કંઈ નવું નવું લાગે છે.'
મા કહે : 'અરે રાજુ! તારા મામા આવી રહ્યા છે. તેમને પ્રમોશન મળ્યું છે. કાલથી તેઓ પોતાના ઉપરીનો હોદ્દો સંભાળી લેશે.'
રાજુ કંઈક પાછો પડયો. માતાની ખુશી સાથે તે સહમત ન થયો. તેણે પૂછ્યું, 'મા! પણ મામાનો નંબર તો પાછળ હતો. પિતાજી કહેતા હતા કે તેમને તો ઉપરી બનતાં હજી ઘણાં વર્ષ લાગશે.'
મા કહે, 'હા બેટા! હતું તો એમ જ. પણ લાગવગ જેવી કોઈક ચીજ આ જમાનામાં ચાલે છે તો!'
માતાએ પછી આગળની વિગતો આપતાં કહ્યું, 'એ જગાએ જેનો હક્ક છે તે બિચારા માનવીની વાત કરવા જેવી નથી. તે એક સીધો સાદો માનવી છે. કામમાં નિપુણ છે. પૂરી કાબેલિયતથી પોતાનું કામ પાર પાડે છે, પણ ઘરની જવાબદારીઓમાં એ માનવી એવો તો ફસાયેલો છે કે લડીને હક મેળવવા જેટલા તેના હોશ જ નથી. પાંચ બાળકોનો એ પિતા વીસેક વર્ષની નોકરી બાદ હવે જાય પણ ક્યાં?'
રાજુએ પૂછ્યું, 'કોણ છે એ માનવી?'
મા કહે, 'સુમનરાય.'
રાજુથી બોલી જવાયું, 'પ્રકાશના પિતા?'
મા કહે, 'હા બેટા! ખરી લાયકાત તો તેમની જ છે. પણ તેઓ કાવાદાવા વગરના સીધા સાદા માનવી છે.'
પછી પોતાની કેફિયત રજૂ કરતાં મા આગળ કહે , 'બેટા રાજુ! મેં તો મારા ભાઈને પણ આ જગા આ રીતે નહિ મેળવવા કહ્યું. તારા પિતાજીએ જે કંઈ લાગવગ તથા બીજી રીતો અપનાવી છે તે સામે મારો વિરોધ પણ નોંધાવ્યો.'
આ જગાએ નિશ્વાસ નાખી માતા બોલી ઊઠી, 'પણ ખરી વાત જાહેર કરવાની હિંમત કોનામાં છે! બીજાના હક્કો ડૂબાડનારને એ ખ્યાલ પણ શેનો આવે? બાકી રાજુ બીજાને નુકશાન પહોંચાડીને પ્રગતિ કરવી એ ઘણી બૂરી વાત છે. બીજાના હક્ક ડૂબાડવા જેવું પાપ બીજું કોઈ નથી.'
વાત મામાની હતી પણ ચોટ રાજુને વાગી. એ રાતના તે સારી સારી વાનગીનો સ્વાદ માણી શક્યો નહિ, ઊંઘી પણ શક્યો નહિ. જ્યારે શાળા શરૂ થઈ અને સાહેબ સમક્ષ તેણે પેલી નોટો રજૂ કરી દીધી, ત્યારે જ તેને કંઈક રાહત મળી. તે કહે, 'સાહેબ, પ્રકાશની આ નોટો ગઈકાલે મેં જ લીધી હતી. મારી ભૂલ હું કબૂલ કરું છું. હું આપની તથા પ્રકાશની માફી માગું છું.'
પ્રકાશ પણ રાજુનું આ હૃદય પરિવર્તન જોઈ આભો બની ગયો. તે બોલી ઊઠયો, 'સાહેબ, મેં પણ એનું બેટ દબાવી રાખ્યું છે, એ બદલ હું પણ દિલગીર છું. હું એનું બેટ આજે જ પાછું આપી દઈશ.'
સાહેબ તો આકસ્મિક ઘટના જોઈ તાજ્જુબ પામી ગયા. પોતાની નજર સામે કોઈ ચમત્કાર થતો જોયો હોય તેમ પ્રકાશ તથા રાજુને પોતાની નજીક બોલાવી કહ્યું, 'તમારી બંનેની હિંમત જોઈ હું દંગ રહી ગયો છું. આજે બીજી કોઈ જ વાત અહીં કરવી નથી. આ જ રીતે તમે બધા બીજાના હક્કોનું રક્ષણ કરશો, ત્યારે જ તમારા હક્કો પણ એની મેળે જ સચવાઈ રહેશે. તમે આવતીકાલના નાગરિકો છો અને આજનો પાઠ તમારા માટે ઘણો મહત્વનો છે.'
પ્રકાશ તથા રાજુ એકબીજા સાથે હાથ મિલાવી ખુશખુશાલ હૈયે એકબીજાની નજીક બેસી ગયા. એ શુભ દર્શન જોઈ સાહેબની આંખ સહેજ ભીની થઈ. તેમને થયું, 'અમે મોટાઓ પણ આ પાઠ સમજીએ તો કેવું સારું!'


