- 'માતા-પુત્રી પૂંછડાવાળું પશુ કહેતાં હતાં. પણ મેં તો કહી જ દીધું: પોલા વગરનું ઓલું. એટલે કે પૂંછડું નથી પણ પૂંછડાવાળું પશુ જ ! માફ કરી દેશો ને રાજાજી !'
- શબ્દો સાથે તાલ મળે, સૂર સાથે તાર મળે ! કડવાંની મીઠાશમાં - ટેરવાં તુંબડી એવા ભળી જાય કે બધું એકાકાર થઈ જાય ! યાદ રહી જાય મીઠા સૂર, મીઠા શબ્દો, મીઠાં કડવાં.
- ખરી રમઝટ તો શબ્દોની હતી. કવિતાની હતી.
- મૂરખ બનીને પણ ડહાપણ પ્રાપ્ત થતું હોય છે.
- હરીશ નાયક
ચાલો, આપણે અગાઉના રાજાઓની વાત કરીએ. અગાઉના રાજાઓ છૂપા વેશમાં નગરચર્યા કરવા નીકળતા, લોકોમાં ભળી જતા, લોકોમાં મળી જતા, વેશ તો એવો ધારણ કરતા કે કોઈને ખબરે ય પડે નહિ કે આ રાજા છે.
એવા એક રાજા લોકોની વાતો જાણવા નીકળ્યા હતા. રાજા શેના, લોક જ કહો ને !
આગળ આગળ જતા હતા ત્રણ જણા. એક પિતા, એક માતા, એક પુત્રી. ત્રણે ઉતાવળમાં હતાં. ગામડાનાં જ હતાં. ખેતી જ કરતાં હશે ! ખેતી સિવાય કોને આટલી ઉતાવળ હોય છે ?
વહેલા ઊઠવું, વહેલા દોડવું, વહેલા કામે લાગવું. ખેડૂતોનું જ એ કામ.
પણ વહેલાં ઊઠનારાં જાણે ઘણું, અને બોલે ઓછું. બોલ બોલ કરવાથી કામની ઝડપ ઓછી થાય છે. તેમ છતાં જરૂર પડે તો બોલવું જરૂર. એક પાઠની વાત એક વાક્યમાં કહેવી, એક વાક્યની વાત એક શબ્દમાં જ કહી દેવી.
જિંદગીની સ્ફૂર્તિ જરાય ઓછી થવી જોઈએ નહિ.
વહેલી સવાર, પરોઢિયાનો પ્રારંભ, મંદિરદ્વારેથી પસાર થતાં પ્રભાતિયાં સંભળાતાં હતાં, હા ! કેવાં મધુર પ્રભાતિયાં !
પ્રભાતિયાં એટલે પ્રભાતમાં ગવાતાં ભજનો.
દીકરી રહી શકી નહિ. દોડતી ચાલે તે બોલી ઊઠી : 'ટેરવાં.'
ખુશ તો મા પણ હતી જ. તે કહે : 'તુંબડી.'
બાપ ઓતપ્રોત હતો જ, તે કહે : 'કડવું.'
બસ વાત પતી ગઈ. ઝડપ ચાલુ જ.
ટેરવાં ! તુંબડી !! કડવું !!!
રાજાએ એટલા જ શબ્દો સાંભળ્યા.
ભલા આનો અર્થ શો ? એક જ કુટુંબના ત્રણ સભ્યોએ આ તે વળી કેવી વાત કરી ?
મંદિરમાં ગાનવાદન સાથે ભજન ચાલુ જ હતું. રાજા દોડયો પેલી ત્રિપુટી પાછળ.
જઈને કહે : 'સમય કાઢી રાજાના દરબારમાં આવજો.'
પુત્રી કહે : 'ના.'
માતા કહે : 'નહિ નીકળે.'
પિતા કહે : 'આવજો.'
રાજાએ મથામણ કરી. રાજાઓને મથામણ કરવી પડે. તો જ પ્રજાની વાત સમજાય.
રાજા એટલું સમજ્યા કે એ ત્રિપુટી દરબારમાં આવશે નહિ, કેમ કે સમય નથી. સમય કાઢી શકે તેમ નથી. દરબારમાં વળી તેનું શું કામ ? નાહક દરબારમાં શું કામ જવું ! તેઓ ખેડૂતો છે, કંઈ દરબારીઓ ઓછા છે ?
એટલે રાજા તેમની સાથે થયો. તત્પર ત્રિપુટીએ કામ શરૂ કર્યું.
રાજાએ તેમના કામની વચમાં જ પૂછ્યું : 'ટેરવાં ! તુંબડી !! કડવું ??? શો અર્થ !?'
કામ કરતાં રહ્યાં ત્રણે કૃષિકારો.
જવાબ આપ્યો નહિ. બોલવાથી કામ ઓછું થાય. છેવટે રાજાએ પૂછ્યું : 'હું રાજા છું. નગરચર્યાએ નીકળ્યો છું. તમારી વાતનું કૌતુક થયું છે. સમજાયું નથી, સમજાવો.'
રાજા છે, જાણીને ત્રિપુટીએ વંદન કર્યાં, ત્રિકમથી, પાવડાથી, તગારાથી. કામ ચાલુ જ રાખ્યું.
રાજાએ ફરીથી પૂછ્યું : 'મારે જાણવું છે. કહો, તમે જ્યાંથી આવ્યાં છો, ત્યાંથી જ હું આવ્યો છું. પણ તમારી ભાષા સમજી શક્યો નથી. ટેરવાં-તુંબડી-કડવું એટલે શું ?'
કામની વચમાં જ પુત્રી કહે : 'ઓલું.'
માતા કહે : 'પોલું.'
પિતા કહે : 'પોલાં વિનાનું ઓલું.'
રાજા તો પાછો વિમાસણમાં પડી ગયો.
તે કહે : 'અરે તો વિકટ-તિકટ ! હું વળી પહેલાં જ ત્રણ શબ્દો તો સમજ્યો નથી. ટેરવાં શું ? તુંબડી શું ? કડવું શું ? ત્યાં વળી આ ઓલું-પોલું અને પોલાં વિનાનું ઓલું શું શરૂ કર્યું ?'
કામ ખોટી થાય નહિ માટે જવાબ આપી પતાવી દેવાનો નિર્ણય કર્યો.
દીકરી કહે : 'રાજાજી ! ટેરવાં એટલે આંગળીનાં ટેરવાં. પરોઢના સમયે જે પ્રભાતિયાં ગવાતાં હતાં તેની સાથે તંબૂરો વાગતો હતો. તંબૂરા પર ટેરવાં ફરતાં અને મધુર સ્વરથી વાતાવરણને ભરી દેતાં. વહેલી સવાર, ભજન અને ટેરવાંની કમાલ : વાહ ટેરવાં, મધુર ટેરવાં, મીઠાં ટેરવાં !'
માતા કહે : 'દીકરી ટેરવાં પર મુગ્ધ થઈ હતી. પણ ખરી કમાલ તો તુંબડીની હતી. તંબૂરાની. તુંબડી વગર તાર શું કરવાના હતા ? તાર પરનાં ટેરવાં ય શું મીઠાશ ઊભી કરવાનાં હતાં ? એટલે મેં કહી દીધું : તુંબડી, મીઠી તુંબડી !'
રાજા આફરીન.
પિતા કહે : 'દીકરી અને મા સંગીત ઉપર મોહિત હતાં. પણ ખરી રમઝટ તો શબ્દોની હતી. કવિતાની હતી. વાહ શી મીઠાશથી શબ્દો જોડાયા હતા, જાણે ગાડા સાથે શબ્દોના તાલ રૂમઝૂમ કરતા હતા. એટલે મેં કહી દીધું કડવું, મીઠું-કડવું !'
રાજા ચોંક્યો. ચમક્યો. તે કહે : 'માતા-પુત્રીની વાત તો સમજ્યો. પણ આ વળી મીઠું-કડવું શું ?'
ખેતી ચાલુ રાખી પિતા કહે : 'પોલું વિનાનું ઓલું જ' પછી સમજ આપી : 'મહારાજ ! કવિતાની પંક્તિઓને કવિઓ કડવું કહે છે, કવિતા જેમ આગળ વધે તેમ પહેલું કડવું, બીજું કડવું, ત્રીજું કડવું, એમ કડવાંઓ કથાતાં જાય. કવિતા આગળ વધતી જાય. ભજન રચાતું જાય. ભજનમાંથી સૂરના તાર નીકળતા જાય ! ભજનની ખરી મઝા તો શબ્દોની. શબ્દો સાથે તાલ મળે, સૂર સાથે તાર મળે ! કડવાંની મીઠાશમાં - ટેરવાં તુંબડી એવા ભળી જાય કે બધું એકાકાર થઈ જાય ! યાદ રહી જાય મીઠા સૂર, મીઠા શબ્દો, મીઠાં કડવાં.'
રાજાજી અર્થ પામીને ખરેખર કડવાંની મીઠાશ પામવા લાગ્યા.
પ્રજાજનોની કેટલીક કડવી વાતોની મીઠાશ પ્રત્યક્ષપણે સમજવાથી જ માણી શકાય છે.
તે ધન્ય થઈ ગયો. કડવાની મીઠાશ યાદ કરી કરીને ગુંજવા લાગ્યો. ભજન સાંભળ્યું હતું. વધુ સમજવા લાગ્યો. સમજનો આનંદ અનેરો હોય છે !
રાજા ટેરવું - તુંબડી - કડવાની મીઠાશમાં ખોવાયેલો રહ્યો. પછી એકાએક યાદ આવ્યું પેલું ઓલું-પોલું અને પોલાં વિનાનું ઓલું.
રાજા કહે : 'મઝા આવી, મીઠી મઝા આવી. મીઠી મીઠાશની મીઠી-કડવી અને કડવી-મીઠી મઝા આવી, હવે ઓલું-પોલું... નો અર્થ કહો.'
પુત્રી કહે - 'પલ.' માતા કહે : 'લપ.' પિતા કહે - 'લપ-લપ.'
રાજા કહે : 'આ બધું આગળ ન વધારો. હું અધીરો થયો છું. તમને અભય-વચન આપું છું. હું તમારાથી રાજી છું. તમને કંઈ જ નહિ કરું.'
દીકરી કહે : 'હા...' માતા કહે : 'હાશ....' પિતા કહે : 'હિંમત.'
અને પિતાએ જ ખુલાસો કર્યો. તે કહે : 'રાજાજી! એવા ઓલું-પોલુંનો અર્થ નહિ જાણો તો નહિ ચાલે? એ બધી અમારી પ્રજાજનોની વાતો છે.'
રાજા કહે : 'નહિ ચાલે, અભયદાન.'
ઠીક ત્યારે, ખેડૂતપિતાએ કહ્યું : 'દીકરી સંભળાવ ઓલું.'
દીકરી કહે : 'રાજાજી ! તમે ન સમજ્યા એટલે મેં માને કહ્યું - ઓલું, એટલે કે સાવ પશુ. કંઈ સમજે નહિં તેવું. માફ કરજો...'
માતા કહે : 'દીકરીએ ઓલું કહ્યું અને મેં ઉમેર્યું પોલું. એટલે કે પૂંછડાવાળું પશુ ? માફ કરશો ને રાજાજી ?'
પિતા કહે : 'ંમાતા-પુત્રી પૂંછડાવાળું પશુ કહેતાં હતાં. પણ મેં તો કહી જ દીધું : પોલા વગરનું ઓલું. એટલે કે પૂંછડું નથી પણ પૂંછડાવાળું પશુ જ ! માફ કરી દેશો ને રાજાજી !'
નગરચર્યા ! મૂરખ બનીને પણ ડહાપણ પ્રાપ્ત થતું હોય છે. જેને અજ્ઞાાની માનીએ છીએ. તેમના તરફથી ય જ્ઞાાન પ્રાપ્ત થયું.
રાજાએ ખેડૂતના ખેતરમાં જ મેળાવડો રાખ્યો. તેમના કાર્ય-સ્થાને જ તેમનું સન્માન કર્યું. તેમને દરબારમાં બોલાવી તેમનો સમય બગાડયો નહિ.
ઉપરથી હાજર રહેલાંઓને કહ્યું : ''હવે 'હા...' 'હા-શ' 'હિંમત'નો અર્થ તમે જ તારવજો અને તેની મીઠાશ તમે જ માણજો.''


