FOLLOW US

દફતરનાં દોડવીર .

Updated: Mar 17th, 2023


- આજનાં છોકરાંને, તમે સમજો છો શું? એ દફતરનાં દોડવીરને, તમે સમજો છો શું?

- 'દફતર છે તારું? વિદ્યાર્થી! પણ દફતર આમ રસ્તા વચ્ચે મૂકીને જવાય? એવું ગોઠવ્યું હતું જાણે... જાણે... હમણાં ફૂટશે! અમને બધાંને કેવા ગભરાવી માર્યા! અમારા મનમાં કે... કે...'

- છોકરાનું નામ હતું મૃદંગ, એનાં કારસ્તાન સાંભળીને તમે થઈ જશો દંગ

- અજાણી વસ્તુને હાથ લગાડવો નહીં,પડેલી વસ્તુને પકડી લેવી નહીં

બ ગીચો એટલે ચોખ્ખી હવા, તાજી હવા, તંદુરસ્ત હવા, સુગંધી હવા.

બગીચો એટલે મઘમઘતાં ફૂલ, રંગબેરંગી ફૂલ, મદમાતાં ફૂલ.

મહેક ફેલાવતાં મહેકતાં ફૂલ.

બગીચો એટલે વૃક્ષોનાં વૃંદ, વનસ્પતિનાં ઝુંડ, પાંદડે પાંદડે ડોલતાં ડુંડાં.

બગીચો એટલે હરવાની જગા, ફરવાની મોજ, બે ઘડી બાંકડે બેસવાની મઝા, ઠંડક ને ટાઢકની ફરફરતી ધજા.

તડકોય આવે તો ચળાઈને આવે, છાંયડોય પહોંચે તે ઊજળો થઈ પહોંચે.

બગીચો એટલે દાદા આવે, દાદી આવે; બાપા આવે, બા આવે;  અને છોકરાંઓ તો આવે જ આવે. રોજ આવે, નિત્ય આવે, હંમેશાં આવે, દોડતાં આવે.

તેમાંય જો રમવાનાં સાધનો હોય, હીંચકા અને લપસણી હોય,

ગોળગોળ ફરતી ચગડોળ હોય, ઊછળતી કૂદતી હીપ-હોપ હોય,

જાતજાતની જુગત જુગતની ભુલભુલામણી હોય! 

છોકરાંઓ રહે શેનાં? થોભે શેનાં? જોયાં કરે શેનાં? નાનાં હોય કે મોટાં, દફતરિયાં હોય કે બખ્તરિયામાં, કેડે બેઠાં હોય કે બાબાગાડીએ, ઘરેથી આવ્યાં હોય કે શાળાએથી, ગામનાં હોય કે બહારગામનાં, બગીચો એટલે જ બાળકોની શાળા, રમત-શાળા, ગમત-શાળા, તોફાન-મસ્તી, ગેલ-ગપાટાની મન-મોકળી મન-ગમતી શાળા, સાહેબ વગરની મોકળી શાળા.

બગીચો એટલે વાર્તા હોં કે! અરે, વાર્તાઓનું વૃંદાવન જ કહોને અને ગીતોનો ગોવર્ધન? હા - જી - હા.

જુઓ શરૂ થઈ વાર્તા.

પેલા... બાપાઓ દેખાયા? ચાર-પાંચ છ... કેટલા છે? છોકરાઓને રમતાં મૂકી એ બધાં મોટાય હળવા થયા! આમતેમ ફરવા લાગ્યા. ઓફિસની વાત કરે અને સરકારની, બજારની હાંકે અને ફિલ્મની હંકારે, ક્રિકેટની ફટકારે અને મોંઘવારીની.

કોઈ કોઈની વાત સાંભળે છે કે કેમ? પછી બધાં પોતપોતાની ગાલ્લી જ હંકારી છે? જોક્સ ઝાટકે છે અને કહેવતો કંડારે છે! વાતવાતમાં વિનોદ. હા-હા-હા-હા... હી-હી-હી-હી... હૂ-હૂ-હૂ-હૂ!

'અરે!' રોકાઈ ગયા વડીલો.

'ત્યાં શું છે?' ચાલતાં ચાલતાં થોભી ગયા મોટાઓ.

'શું પડયું છે? ચેતજો, સાવધ થજો. હોશિયાર બનજો.'

બાપા-મંડળી સ્થિર થઈ ગઈ.

કંઈક પડયું હતું. ગોઠવ્યું હોય તેવું, મૂક્યું હોય મતલબથી તેવું. ભૂલમાં ભુલાયું હોય કે દોડમાં દડી પડયું હોય! અજાણતામાં અટવાયું હોય કે જાણીને પટકાયું હોય!

ના, જોવા ન જશો. દૂર જ રહેજો. આઘા રહેવામાં જ સલામતી.

સરકાર જાહેરાત કરે છે કે : 'અજાણી વસ્તુને હાથ લગાડવો નહીં. પડેલી વસ્તુને પકડી લેવી નહીં. ગોઠવેલી ચીજને ઝડપી લેવી નહીં. હરગીઝ નહીં. સાવધાન!'

મસલત શરૂ થઈ. કોઈએ જઈને પોલીસનું ધ્યાન ખેંચવું જોઈએ. જરૂર પડે બંબાવાળાનેય બોલાવવા પડે. ત્રાસવાદીઓનો જુલમ કંઈ ઓછો નથી. શાંત જગાએ જ તેઓ ધડાકા-ભડાકા કરે છે. અને મંદિર, વિધાનસભા કે તાજ-હોટલનેય ક્યાં છોડે છે? તેમને તો લોકો મરે એની જ મહેફિલ. કોઈક વાર વળી ટિફિનમાં બોમ્બ ગોઠવીને મૂકી દે. ક્યારેય વળી ડબ્બામાં. બોટલમાં કે ખોખામાં ભયાનક ભેટની રચના કરી દે. અરે સાયકલની ટયૂબ કે પાણીની પાઈપમાંય દારૂગોળો દડૂંબી દે. દૂર રહો. આઘા રહો. બોલાવો પોલીસને.

'મારી પાસે, હા, મારી પાસે મોબાઈલ છે, જોડી દઉં અબઘડી ૧૦૦...' કહેનારે નંબરની કરામત શરૂ કરી : 'હલ્લો... હલ્લો...! હું જનતા-બાગમાંથી બોલું છું, ધ્યાનથી સાંભળી, ચેતવા જેવી માહિતી છે...'

એ ભાઈ, એ જાગ્રત નાગરિક, પોલીસને જાણ કરતા હતા અને... અને... આ શું?

એક છોકરો દોડતો આવ્યો. વિદ્યાર્થી હતો. શાળાએથી પાછો ફરતો હતો. દોડીને એ તરવરિયા તરુણે પેલી અજાણી ચીજવસ્તુ ઉપાડી લીધી, ગાળિયા ઝુલાવ્યા, થેલો ખભે ભેરવી દીધો.

'અલ્યા એ નાદાન છોકરા!' બાપાઓ બોલી ઊઠયા : 'મૂકી દે એ ચીજ. ફેંકી દે દૂર એને. હમણાં ધડાકો થશે, ભડાકો થશે, બાગમાં આગ લાગી જશે. ફેંક કહીએ છીએ, છોકરા, ફગાવી દે એને, માનતો નથી...?'

છોકરો ન માન્યો. ખભે લટકાવી એ ચીજ ચાલવા લાગ્યો.

બાપાઓએ સાવધ કર્યો, ચેતવ્યો, સમજાવ્યો, શિખામણ આપી.

છોકરો તો ઊંચકેલી એ 'ચીજ' લઈ બાપાઓની પાસે લાવવા લાગ્યો.

બાપાઓ સમજ્યા નહીં! ભાગવું કે રોકાવું? છૂ થઈ જવું કે છૂમંતર થઈ જવું? એને પકડવો, જકડવો કે એનાથી દૂર ભાગી જવું?

પેલી 'ભેદી' રહસ્યભરી ચીજ લઈને છોકરો જાતે જ મોટાઓ પાસે આવ્યો. તે કહે : 'શું કહો છો વડીલો?'

'ફેંકી દે એ ચીજ,' બાપાઓ એક સાથે બોલી ઊઠયા : 'એમાં બૉમ્બ હોય કે પછી...'

છોકરો કહે : 'કે પછી મારા ભણવાનાં ચોપડાંય હોય! તેણે થેલો બતાવીને કહ્યું : 'અમારાં બાળકોનો ખ્યાલ રાખનાર બાપાઓ તથા કાકાઓ! આભાર તમારો. પણ આ તો મારું ભણવાનું દફતર છે. એમાં જોખમ નથી કે બૉમ્બ નથી. એમાં ત્રાસ નથી કે ભય નથી...''

'હા-આ-શ!' સાથે બાપાઓની ટોળકી કહે : 'દફતર છે તારું? વિદ્યાર્થી! પણ દફતર આમ રસ્તા વચ્ચે મૂકીને જવાય? એવું ગોઠવ્યું હતું જાણે... જાણે... હમણાં ફૂટશે! અમને બધાંને કેવા ગભરાવી માર્યા! અમારા મનમાં કે... કે...'

વિદ્યાર્થી કહે, 'શ્રીમાન સાહેબ! વહાલા વડીલો! આદરણીય મુરબ્બીઓ! વાત આવી છે... કે... આ દફતર બહુ ભારી છે. અમને અમારા ભણાવનારાઓએ બાળમજૂર જ બનાવી દીધાં છે. હું રોજ આ બગીચામાં થઈને ઘરે જાઉં છું. રોજની જેમ આજે જતો હતો...'

'અને શું થયું?'

'કેટલાંક લોકો રોજ અહીં ચાલવા - દોડવા આવે છે, નિયમિત દોડ લગાવે છે. એક મહિલા... બહેન... દોડતાં હતાં. જરા જાડાં સ્થૂળ ભારે હતાં. રોજ કરતાં વધારે દોડાઈ ગયું હશે, થાક્યાં, શ્વાસ ભરાયો, દમ ઘૂંટાયો, ચઢ્યાં ચકરાવે અને... પડયાં...'

'હાય રામ!' બાપા ઉવાચ.

'દફતર ભારે હતું. દોડતાં ફાવે નહીં,' વિદ્યાર્થીએ કહ્યું : 'એટલે દફતર ફગાવી હું દોડયો. દોડીને એ માસીબાને મદદ કરી. હળવે રહીને ટેકો કર્યો. ઉઠાડયાં. બાજુના બાંકડે બોસાડયાં. એમના સાથીઓને સોંપ્યાં...' હાથ ખંખેરી એ વિદ્યાવીર કહે : 'પછી આવીને પાછું મારું દફતર ઉપાડી લીધું.' તે કહે : 'ક્યારેક જોખમ દફતરમાં નથી હોતું. દફતરની બહાર પણ હોય છે. અમે વિદ્યાર્થી એ જોખમ જોઈને કંઈ ઊભા રહીએ? દફતર ઊંચકીને કંઈ તડાકાઓ માર્યા કરીએ (બાપાઓની જેમ)...! અમને તો જિંદગીમાંથી એ જ શીખવા મળ્યું છે કે જોખમ આગમાં હોય કે બાગમાં... યા હોમ કરીને પડો...'

એટલામાં પોલીસ આવી લાગી.

બંબાવાળાય સાઈરનની સિસોટી મારતાં આવા લાગ્યા.

જોનારા ટોળે વળ્યા. બગીચો અહીં જ ગીચોગીચ થઈ ગયો : 'શું થયું? શું થયું?'

પેલી બાપામંડળી ખુલાસો કરતી રહી અને વિદ્યાર્થીએ કંઈ થયું જ નથી, એમ ચાલતી પકડી.

લોકો પૂછવા લાગ્યા : 'અરે બાબા, તારું નામ તો કહેતો જા.'

વિદ્યાર્થીએ ધડકતા શબ્દોમાં કહી દીધું : 'મૃદંગ.'

ટોળાના શબ્દો હતા : 'ખરેખર દંગ કરી ગયો મૃદંગ.'

અને મૃદંગ તો ગાતો ગાતો જતો હતો :

આજનાં છોકરાંને તમે સમજો છો શું?

સમજો છો શું, તમે સમજો છો શું?

તેઓ જોઈને બેસી રહે? 

મોટાઓ નથી.

તેઓ જોખમની ચર્ચા કરે? 

ખોટાઓ નથી.

તેઓ આફતથી અળગાં રહે? 

અડવાઓ નથી.

તેઓ વાતોએ વાગોળી રહે? 

વડવાઓ નથી.

સમજો છો શું, તમે સમજો છો શું?

એ દફતરના દોડવીરને, 

સમજો છો શું?

એ વિદ્યા વિહારીને, 

તમે સમજો છો શું?

એ જ્ઞાાનના ગમત-વીરને તમે સમજો છો શું?

એ સાવધાન શૂરવીરને, 

તમે સમજો છો શું

એ ભણતરના ભોમિયાને, 

તમે સમજો છો શું.

સમજો છો શું, તમે સમજો છો શું?

આજના છોકરાંને 

તમે સમજો છો શું?  

Gujarat
News
News
News
Magazines