- ભરત પંચોલી
કલબલ કાબર ઝાડ નીચે રડી રહી હતી- મારો પગ ભાંગી ગયો. હવે હું શું કરીશ? કલબલ જોર જોરથી રડી રહી હતી. તેનો રડવાનો અવાજ ટેહૂંક મોર અને ઠમક ઢેલે સાંભળ્યો. તેઓ કલબલ પાસે ગયાં. અરરર... મારો પગ ભાંગી ગયો છે એમ કહીને કલબલ જોર જોરથી રડવા લાગી.
ટેહૂંક મોર અને ઠમક ઢેલ બહુ સેવાભાવી હતાં. તેઓ કલબલને પોતાના ઘરે લઇ ગયાં. સુંદર મઝાની પીંછાની પથારીમાં કલબલને સુવડાવી દીધી. ઠમક ઢેલે મોબાઈલ કરીને કબુ ડૉક્ટરને બધી વાત કરીને પોતાના ઘરે બોલાવ્યો.
કબુ ડૉક્ટર ખૂબ પ્રસિદ્ધ હતા. ભલભલા ઓપરેશન તે સફળતાપૂર્વક કરતા હતા. થોડીવારમાં કબુ ડૉક્ટર કબૂતર આવી ગયા. તેમને કલબલનો પગ જોયો.
'ઓહ! કલબલ તારો પગ ભાંગીને લટકી રહ્યો છે, છૂટો નથી પડી ગયો. '
કબુ ડૉક્ટરે કલબલનો પગ સીધો કરી લેપ લગાવ્યો. રૃ લગાવી બન્ને બાજુ નાની નાની લાકડીના સપોર્ટ મુકી પાંટો બાંધી આપ્યો.
જતાં જતાં ડોક્ટરે કહ્યું- 'આ દવા ખાજો. પગને હલાવતા નહી. પંદર દિવસ આરામ કરજો. પછી તમે સાજા થઇ જશો.'
કલબલે રડતાં રડતાં કહ્યું- 'કડવી દવા મને ભાવે નહીં.'
કબુ ડૉક્ટરે કહ્યું- 'કડવી દવા ખાશોજી, ઝટ સાજા થાશોજી!'
કડવી દવા તો ખાવી જ પડશે એમ કહી કબુ કબૂતર ડૉક્ટર ચાલ્યા ગયા.
ટેહૂંક મોર અને ઠમક ઢેલે કહ્યું - 'કલબલ, તું ચિંતા કરીશ નહી. દવા સમયસર લેજે. આરામ કરજે. તું જરૃરથી સાજી થઇ જઈશ.'
'અહીં તો અંધારુ છે. મને અંધારામાં ઊંઘ નથી આવતી. હું કેવી રીતે રહી શકું?' કલબલે કહ્યું.
ઠમક ઢેલે આગીયાઓને બોલાવ્યા. આગીયાઓ પાંખો હલાવતાં હલાવતાં ઊડતા ઊડતા આવ્યા. ઠમકે કહ્યું- તમારે અમારા ઘરમાં પ્રકાશ ફેલાવજો. આ કલબલને ઊંઘ નથી આવતી. તેનો પગ ભંગી ગયો છે. તમે આટલી મદદ કરજો.'
આગીયાઓ પ્રકાશ ફેલાવવા લાગ્યા. દવાના ઘેનને લીધે કલબલ સૂઈ ગઈ.
બીજા દિવસે કલ્લુ કાગડાને આ વાતની ખબર પડી. તે રાજી થયો અને ઉડતો ઉડતો કલબલ પાસે આવ્યો એન કહ્યું - 'કલબલ, તારો પગ ભાંગી ગયો. અરેરે... બહુ ખોટું થયું નહીં? હવે તો તું ઉડી નહીં શકે અને ચાલી પણ નહીં શકે. હવે તો તારે પથારીમાં જ પડયા રહેવું પડશે, ખરુંને કલબલ?' આમ કહી કલ્લુ કાગડો ઉડી ગયો.
કલબલ તો કલ્લુની વાત સાંભળીને રડવા લાગી. હવે હું ચાલી શકીશ નહી અને ઊડી શકીશ નહી... તેનો રડવાનો અવાજ સાંભળીને પિન્ટુ પોપટ ચીંચીં ચકલી, મિની મેના, કોકિલ કોયલ, બુલબુલ બધા ત્યાં આવ્યાં. મેનાએ પૂછ્યું- 'કલબલ, તું કેમ રડે છે?'
તેણે કલ્લુ કાગડાએ જે કહ્યું તે વાત કહી અને ફરી રડવા લાગી. 'હવે ઊડી નહી શકુ, ચાલી નહી શકું અને પથારીમાં જ મારે રહેવું પડશે...'
ચીંચીં ચકલી બોલી- 'કલ્લુ તો ઇર્ષાળુ છે. તે કોઇનું સારું બોલી શક્તો નથી. તે દરેકનું ખરાબ બોલે છે. તેની વાત મનમાં લેવી નહીં.'
ત્યાં તો કબુ ડોક્ટર આવી ગયા. કલબલનો પગ તપાસ્યો અને પાટો છોડી દીધો. પછી કહ્યું- 'કલબલ, તું હવે ધીરે ધીરે ચાલ. પછી થોડા વખતમાં ઊડી પણ શકીશ.'
બધા પંખીઓ કહ્યું- 'હા કબુ, ડોક્ટરની વાત સાચી છે.'
પણ કલબલનું તો એક જ રટણ ચાલી રહ્યું હતું- 'હું ચાલી નહી શકુ, ઊડી નહીં શકુ અને પથારીમાં જ મારે રહેવુ પડશે...'
પિન્ટુ પોપટે કહ્યુ- 'કલબલ, તું ભગવાનને રોજ પ્રાર્થના કરજે અને હું તને જે સૂત્ર આપું તે તું રોજ છાશવાર બોલજે -
મારે હવે ચાલવું છે
મારે હવે ઊડવું છે
આકાશે હું ઊડીશ
ફરર ફરર ફરર...
તું પંદર દિવસમાં ચાલતી થઇ જઇશ અને ઊડતી પણ થઇ જઈશ. ચિંતા ના કરતી.'
કોકિલ કોયલે કહ્યું- 'પણ તને આ કેવી રીતે થયું?'
કલબલ કહે- 'મમ્મીએ મને બહાર જવાની ના પાડી હતી મેં મમ્મીની વાત માની નહી.
અમે આકાશે ઉડયાજી,
ઝાડ ઉપર બેઠાજી,
દોરીમાં પગ ફસાયોજી,
ઝાડ પરથી ઊડવા લાગ્યાજી
પગ અમારો તૂટયોજી...'
મિની મેના બોલી- 'ઓહ! એમ વાત છે! કલબલ, તને સારુ થઇ જશે.'
પિન્ટુ પોપટ બોલ્યો- 'આપણા સુંદર વનમાં ટેહૂંક મોર અને ઠમક ઢેલ બહુ સેવાભાવી છે. તે સૌ કોઇની સેવા કરે છે.'
મિની મેના બોલી- 'કલબલ, અમે ફરી પાછા તને મળવા આવીશું.'
પિન્ટુ પોપટે કહ્યું - 'કલબલ, તું મારું આપેલું સૂત્ર બોલજે અને ભગવાનને પ્રાર્થના કરજે. તું જરૃરથી ચાલતી અને ઉડતી થઇ જઇશ. ભૂલતી નહી.'
ઠમક ઢેલે કહ્યું- 'તમે ચિંતા કરતા નહી. કલબલ સાજી થાય પછી જ અમે તેને ઘેર મોકલીશું.'
કલબલે પિન્ટુ પોપટે આપેલું સૂત્ર યાદ રાખી લીધું હતું. એ થોડું થોડું ચાલવા લાગી અને હવે થોડું તે ઊડે ય ખરી. કલબલે વિચાર્યું કે મારે કલ્લુ કાગડાને ખોટો પાડવો છે. હું ચાલી શકીશ અને ઊડી શકીશ!
ફરી પાછા સુંદરવનના પંખીઓ કલબલને જોવા આવ્યા. સૌ કલબલને જોઇને રાજી થયાં. કલબલ પણ સૌને જોઈને રાજી થઈ.
કલબલે કહ્યું- 'મમ્મી, મને માફ કરી દો. મેં તમારી વાત માની નહી અને મારો પગ ભાંગી ગયો હવેથી હું તમારી બધી વાત માનીશ...'
કલબલનાં મમ્મી-પપ્પાએ ટેહૂંક મોર અને ઠમક ઢેલનો આભાર માન્યો. એ કહે- ' તમારા પરોપકારની વાત આખા સુંદરવનમાં થાય છે.'
કલબલે કહ્યું - 'હવે હું ચાલુ છું અને ઊડું છું. જુઓ...' એમ કહી કલબલ ઊડી.
તેની પાછળ પંખીઓ અને કલબલના મમ્મી-પપ્પા પણ ઉડયાં.
ટેહૂંક મોર, ઠમક ઢેલ અને બીજા સૌ કોઈ આ દ્રશ્ય જોઈને રાજી થયાં.


