Get The App

એક નહીં, અનેક એકલવ્યો .

Updated: Sep 26th, 2025

GS TEAM

Google News
Google News
એક નહીં, અનેક એકલવ્યો                                 . 1 - image

- ગુરૂ પણ આદર્શ અને વ્યવહાર વચ્ચે ઝઝુમતા હોય છે. ગુરૂજી પણ ઉદારતા અને અનુભવ વચ્ચે ઝોલાં ખાતા હોય છે.

- પીઠ પાછળ નિશાન હોય એ રીતે તીર છોડવાનું હતું

- દોરડુંય ન પકડી રાખીએ તો હિંચકા પર ઊભા શી રીતે રહેવાય?

- નવનિર્માણ માટે શિષ્યો અહિંસક, ઉદાર અને પરિશ્રમી બને એ જરૂરી છે ઝુલતા હીંચકે નિશાન તાકવા જતાં ભીમ ફસડાયો

- ભીમભાઈ તો હિંમત હારી ગયા હતા ત્યાં વળી આ અદલાબદલીમાં ક્યાં પડે? અર્જુને પ્રયાસ કર્યો, પણ કંઈક અજાણ્યું  અને નવું જ લાગ્યું.

હરીશ નાયક

ગુરૂજીને પણ ભૂતકાળ હોય છે. ગુરુજીને પણ વર્તમાનકાળ અને ભવિષ્યકાળ હોય છે. ગુરૂજીને પણ ગરીબાઈ - અમીરાઈના બંધન હોય છે. ગુરૂજીને પણ સ્વાર્થ અને વેર હોય છે.

ગુરૂજી જાતે પણ આદર્શ અને વ્યવહાર વચ્ચે ઝઝુમતા હોય છે. ગુરૂજી ઉદારતા અને અનુભવ વચ્ચે ઝોલાં ખાતા હોય છે.

ગુરૂ દ્રોણ પણ એવા જ ગુરૂજી હતા. તેમને કુટુંબ હતું  અને અશ્વસ્થામાના ભવિષ્યની ચિંતા હતી. તેમને દ્રુપદનું વેર વાળવાનું હતું અને ભવિષ્યની કીર્તિ હાંસલ કરવાની હતી.

એ બધું કામ માત્ર રાજકુમારો કરી શકે તેમ હતું. તેમાં અર્જુન આગળ હતો. એટલે એના પ્રત્યે પક્ષપાત હતો.

તેમણે પોતાના શિષ્યોને આદેશ આપી દીધો કે તેઓ જરૂર સ્પર્ધામાં જશે. તેમણે ખાત્રી હતી કે એ સ્પર્ધામાં માત્ર તેમના જ શિષ્યો જીતશે. કેમ કે તેમના સિવાય આટલી કાળજીથી શસ્ત્ર વિદ્યા શીખવાડે છે કોણ ? એટલે તેમણે તો પૂરતી તૈયારી પણ કરાવી નહિ. તેમના મનમાં એકલો અર્જુન જ જતાંની સાથે બધી બાજીઓ જીતી લેશે.

પણ અહીં વનવીરોની નિશાન બાજી તેમણે જોઈ તો તેઓ છક થઈ ગયા. તેમણે લાગ્યું કે આ ભીલ કુમારોને જરૂર કોઈક ઉત્તમ ગુરૂઓએ ધનુર્વિદ્યા શીખવાડી છે ! જો કે એ ભીલ કુમાર સાથે તેમના કોઈ ગુરૂ આવ્યા ન હતા. એ ભીલ કુમારો જાતે જ પોતાના ગુરૂ જેવા હતા.

પહેલી જ સ્પર્ધા હતી. ઝાડ પર પક્ષી હતું. પક્ષીની આંખ વીંધવાની હતી પણ શર્ત એવી હતી કે તીરંદાજે પોતાનું માથું ગોળાકાર અગિયાર વખત ફેરવવું અને જેવું તેમને કહેવામાં આવે કે: 'મારો' ત્યારે જ તીર મારવાનું હતું.

અર્જુને પોતાનું ગોળ ગોળ માથું ફેરવ્યું પણ એ રીતે તેની આંખો આગળ કુંડાળાં ફરવા લાગ્યા. પક્ષી પણ ફરવા લાગ્યું. તે સ્થિર આંખે નિશાન તાકવા ટેવાયેલો હતો. આમ ફરતી આંખો વડે નહિં. એટલે જ્યારે તેને કહેવામાં આવ્યું: મારો.'

ત્યારે તેણે તીર માર્યું નહિ કેમકે આંખની જેમ પક્ષી પણ સ્થિર રહેતું ન હતું.

ગુરૂજીએ એક માત્ર એકાગ્રતા, એક દ્રષ્ટિ, એક નિશાન શીખવ્યું હતું.

બીજી બાજુ ભીલકુમારો માથા ઘૂમાવી ઘૂમાવી તીર છોડવા લાગ્યા અને છતાં પંખીને વીંધી શક્યા.

નવી સ્પર્ધામાં પંખીને ગોળ ગોળ ફેરવવાનું હતું. અર્જુને એક આંખ મીચી. તેણે આકાશ ન જોયું, વૃક્ષ જ જોયું, ડાળી પાંદડાં ન જોયા અરે પંખી પણ ન જોયું, માત્ર તેની આંખ જોઈ.

પણ બધું નકામું. કેમકે આંખ તો ગોળાકાર ફરતી હતી.

તે જોતો રહ્યો અને ભીલકુમારો નિશાન તાકી ગયા.

આગળ ઉપરની હરીફાઈ વળી એથી જુદી જાતની હતી.

ગોફણમાંથી એક ફળ ઘણે ઊંચે ફેંકવામાં આવતું. અને એ ફળ આકાશમાં અદ્વર હોય ત્યારે જ હરિફોએ તેને વીંધી નાખવાનું હતું. દરેકના તીર પર ૧-૨-૩-૪ એવા નંબરો આપ્યા હતા એટલે કોના તીરે એ ફળ વીંધાયુ તેની ખાત્રી થઈ જાય.

ગોફણ ઘુમાવવામાં આવી, ફળ વીંઝાયું. તીરો છુટયા.

પણ અર્જુનનું તીર એ સુસવાટા મારતાં ફળને ન વીંધી શકાયું કેમકે હજી ગુરૂજીએ ધનુર્વિદ્યાનો આવો પાઠ શીખવાડયો નહોતો.

સામા પક્ષે અનેક ભીલકુમારો પુરી કાબેલીયતથી એવા વેગીલા ફળ વીંધી શક્યા.

ગુરૂદ્રોણ તો આ સ્પર્ધા જોઈ આભા જ બની ગયા. અહીંના હરિફો તેમને પણ બે પાઠ શીખવાડી જતા હતા.

આ તરફ સ્પર્ધા આગળ ચાલી. હરણના બે શીંગડાના પર બે ફળ ગોઠવવામાં આવ્યા. હરણને દોડાવી મુકવામાં આવ્યું. હરીફોને કહેવામાં આવ્યું: 'તાકો નિશાન!'

બીજા રાજકુમારો તો તીર છોડી જ શક્યા નહિ. તેમણે ડર હતો કે હરણનું પેટ ક્યાંક નિશાન થઈ જાય નહિ. અને હરણને ઈજા કરવાની કોઈને પરવાનગી ન હતી. સ્પર્ધામાં સ્પષ્ટપણે જાહેર કરવામાં આવ્યું કે જેઓ ફળ અને માત્ર ફળ વીંધી શકે તેમણે જ તીર છોડવા.

અર્જુને તો ગુરૂદેવ સામે જોયું. અને ગુરૂ પોતાના પરમ પ્રિય શિષ્યને કંઈ ઈશારત કરે તે પહેલાં તો તીરો સન સન કરતાં છુટયાં અને હરણના શીંગડાંના બંને ફળ વીંધાઈ ગયા. એ બંને ફળ એક જ ભીલકુમારે વીંધ્યા હતા.

સ્પર્ધા આગળ ચાલી.  સ્પર્ધામાં કેટલાક શ્વાન રજુ કરવામાં આવ્યા. એ શ્વાન સામે કેટલાક અજાણ્યા શ્વાન રજુ કરવામાં આવ્યા. અજાણ્યા કૂતરાં નજરે પડતાં જ હરીફાઈના કૂતરાં ભસવા લાગ્યા.

હરિફોને કહેવામાં આવ્યું, 'છોડો તીર.. પણ માત્ર શ્વાનનું મોઢું જ બંધ કરવાનું છે, તેના શ્વાસ નહિ. શ્વાનને કોઈ જાતની ઈજા થવી જોઈએ નહિ.'

અર્જુનને પોતાનો શ્વાન યાદ આવ્યો. એકલવ્યે એ શ્વાનના મોઢામાં એવી રીતે તીર બેસાડયા હતા કે તે જીવી ગયો હતો પણ તેનું ભસવાનું બંધ થઈ ગયું હતું. પાછળથી અર્જુને પોતાના શ્વાનના તીર યુક્તિરપૂર્વક કાઢ્યા હતા તે એ જોવા માગતો હતો કે શ્વાનને તીરમાર્યા છે કેવી રીતે ?

પણ યુક્તિપૂર્વક તીર કાઢવાનું શિક્ષણ મેળવવા છતાં તે એવી જ યુક્તિ સહિત શ્વાનનું મોઢું બંધ કરવાનું શીખી શક્યો ન હતો.

અને અહીં તો એકને બદલે એકવીસ એકલવ્યો એ કામ કરી શક્યા.

બીજુ તો કોણ બોલે પણ ભીમ બોલી ઉઠયો. તે કહે, 'ચાલો ગુરૂદેવ! જઈએ.'

'નહિ...' ગુરૂ દ્રોણે નારાજ થઈને કહ્યું, 'આપણે પૂરી સ્પર્ધા સહિત અહીં જ રોકાઈશું.'

ભીમ કહે: 'પણ આમાંની એકે વાતમાં ક્યાં આપણે કાંઈ ગતાગમ પડે છે ?'

ગુરૂ દ્રોણ કહે: 'ચૂપ. સ્પર્ધામાં ધ્યાન આપ.'

ભીમ તો ધ્યાન આપવાનું છોડી દીધું હતું કેમકે અગાઉ ઉપર તો એવું સૂચન થયું કે 'તમે જો જમણેરી હો તો તમારે ડાબે હાથે તીર છોડવાનું છે અને તમે ડાબેરી હો તો તમારે જમણે હાથે તીર છોડવાનું છે. એ રીતે વાર ફરતી બંને હાથે તીરો છોડી આગામી સ્પર્ધામાં ભાગ લેવાનો છે.'

ભીમભાઈ તો એક હાથે  જ હિમત હારી ગયા હતા ત્યાં વળી આ અદલાબદલીમાં ક્યાં પડે ? અર્જુને પ્રયાસ કર્યો પણ કંઈક અજાણ્યું કંઈક અને નવું જ લાગ્યું.

દર વખતની જેમ પેલા ભીલકુમારો તો કોઈ પણ હાથે ફટાફટ તીરો છોડતા હતા.

નવી બાજીમાં બંને હાથમાંથી કોઈ પણ હાથના અંગુઠા વગર તીર છોડવાનું હતું. હરીફાઈમાં કહેવામાં આવ્યું, 'ધનુવિદ્યામાં અંગુઠો કોઈ અગત્યની વસ્તુ નથી. તમે માત્ર ચાર ચાર આંગળીઓના ઉપયોગ વડે પણ ધાર્યું નિશાન તાકી શકો છો. તાકો.'

જંગલી માનતા વનવીરો સામેની સ્પર્ધામાં ગુરૂ દ્રોણના રાજકુમારો તમામે તમામ સ્પર્ધામાં હારી ગયા અને વામણા સાબિત થયા

અર્જુનને ગુરૂજીએ માત્ર અંગુઠા વડે નિશાન તાકતાં તથા તીર છોડતાં શીખવાડયું હતું એક રીતે કહો તો એ અંગુઠાછાપ નિશાન બાજ હતો.

...પણ અહીં તેનો પાવરધો અંગુઠો કામ લાગી શક્યો નહિ.

ગુરૂ દ્રોણ મનોમન સમસમી જતા હતા. વખતોવખત તેમને થઈ આવતું હતું કે તેઓ જાતે જ સ્પર્ધામાં ઝંપલાવી દે અને પોતાના આશ્રમની લાજ રાખે પણ હરીફાઈઓ હતી તેમાં તેઓ જાતે પણ ફાવે તેમ ન હતું.

આગળ ઉપરની હરીફાઈમાં પહેલેથી કોઈ નિશાન વિશે  કહેવામાં આવ્યું નહિ, માત્ર હરીફોને એટલું જ કહેવામાં આવ્યું: 'ચારે બાજુની વસ્તુઓ દસ ક્ષણમાં નીરખી લો.'

નાનાં બાળકો માટે એક હરીફાઈ ગોઠવવામાં આવે છે. એક કથરોટમાં નાનામોટા સંખ્યાબધ રમકડાં ભેગા કરી તે પર કપડું ઢાંકી દેવામાં આવે છે. પછી થોડીવાર કપડું ઊઘાડી લઈ બાળકોને એ રમકડાં જોઈ લેવાનું સૂચવાય છે. ફરીથી કપડુ ઢંકાઈ રહ્યા બાદ બાળકોને જોયેલી વસ્તુઓ લખવાનું સૂચન થાય છે.

અત્યારની આ પરીક્ષા જરા અઘરી હતી. કેમ કે વસ્તુઓ જોઈ ન જોઈ ત્યાંતો અમુક ચોક્કસ વસ્તુનું નિશાન તાકવાની સૂચના થઈ. ઉપરાંત એ નિશાન ઊંધી રીતે તાકવાનું હતું. પીઠ પાછળ નિશાન હોય એ રીતે તીર છોડવાનું હતું.

આવું બધું હજી ગુરૂ દ્રોણે ક્યાં શીખવ્યું હતું ?

અને ત્યાંજ ધનુર્વિદ્યાની છેલ્લી સ્પર્ધા આવી પહોંચી. એમાં ઊંચા ઝાડને હેઠે મોટા હીંચકા બાંધવામાં આવ્યા હતા.

ભાગ લેનાર હરીફોને એ હીચકા ખાવાનું સૂચન થયું. પછી તેમને કહેવામાં આવ્યું: 'ઊભા થાવ.'

ભીલકુમરો તો જોત-જોતામાં ઊભા થઈ ગયા પણ રાજકુમારોને ન ફાવ્યું.

ત્યાં વળી નવી સુચના આવી: 'હવે હાથ દોરડા પરથી ઉઠાવી લો.'

હવે ચાલુ હીંચકાએ દોરડુંય ન પકડી રાખે તો હીંચકા પર ઊભા રહેવાય કેવી રીતે ?

ઘણા રાજકુમારો હાથ છોડવા જતાં નીચે પટકાયા. ભીમ તો કાતરની જેમ જ હિંચકા પર પડયો. એક પગ આ બાજુ બીજો પેલી બાજુ અને તેમ છતાં હીંચકો ચાલુ હતો એટલે તે ઊંધો થઈ ગયો. 

આટલું જાણે કે ઓછું હોય તેમ ડોલતાં ઊછળતાં હીંચકાઓ પર અદ્વરપદ્વર હીચકો લેતાં હરીફોને આદેશ આપ્યો, 'તમારા તીરકમાન હાથમાં લો અને નીચું જોઈ ઉપરનું ફળ તાકો.'

હાલતા હિંચકે ધનુષનું નિશાન તાકવાનું, નીચું જોવાનું અને ઉપરના ફળને વીંધવાનું.

આ તે કોઈ હરીફાઈ છે કે મજાક?

પણ... બીજા હરીફો એ રીતે પણ નિશાન તાકી શક્યા.

વનવીરોને માટે હીંચકા પર સમતુલા જાળવવી જાણે કે સામાન્ય વાત હતી અને તેમની આંખ માથાની પાછળના ભાગમાં હતી કે શું ?

તેમણે જોયું નીચે ફળ તાક્યું ઉપર.

પછી તો ઘણી સ્પર્ધાઓ થઈ. તેમાં ગદાની, પરશુની, મલકુસ્તીની, ઊંચા ઝાડ પરની કુદવાની, તરવાની, નીચેથી કુદકો મારી ઉપર જવાની પણ એમાં ગુરૂ દ્રોણનું મન જ ન હતું.

ગુરૂદ્રોણ નિરાશ કે હતાશ પણ થયા ન હતા. તેમણે તો જીતેલા ભીલકુમારોને અભિનંદન આપ્યા. તેમની સાથે બે વાતો કરતાં પુછયું પણ ખરૂ: 'આપના ગુરૂ કોણ છે ?'

'અમે સ્વયં અમારા ગુરૂ છીએ.'

'આપની પાઠશાળા? આપનો આશ્રય ?'

'સમસ્ત વન અને આકાશ હેઠળની તમામ જમીન અમારી પાઠશાળા છે અમને જ્યાંથી થોડું ઘણું પણ શીખવા મળે એ બધી જગા અમારે મન અમારો આશ્રમ જ છે.'

ગુરૂદ્રોણે તેમને ફરીથી ધન્યવાદ આપીને કહ્યુંઃ 'તમે સાચેજ ઘણું શીખ્યા છો. ક્યાંથી એ જાણવાની ઈચ્છા હતી જ.'

'અમે બધેથી શીખીએ છીએ...' ભીલકુમારોએ કહ્યું: 'અત્યારે આપની પાસેથી પણ અમે એક સુંદર પાઠ શીખ્યા છીએ.'

'તે વળી કયો ? ' ગુરૂદ્રોણે પુછ્યું.

'તે એ કે હારજીતમાં સમાન ભાવ રાખવો. જીતનારાને ધન્યવાદ બક્ષવા. હાર્યા હોઈએ તો મન પર તેની અરસ થવા દેવી નહિ. રમત તથા સ્પર્ધામાં ખેલદિલી ગુમાવવી નહિ. અમે આપની પાસેથી શીખ્યા ગુરૂદેવ કે ખાનદાની એ રમતો પ્રાણ છે.'

ગુરૂદેવન મનમાં થઈ ગયું કે જો એટલો ગુરૂપાઠ તમે શીખ્યા હો તો તમારે દક્ષિણા આપવી જોઈએ, ગુરૂ દક્ષિણામાં તમારા બંને હાથના અંગુઠા......

પણ ગુરૂજીની કલ્પના ત્યાં જ અટકી,

તેઓ અત્યાર સુધીમાં જાણી તો ગયા જ હતા કે આ તમામ શિષ્યો એકલવ્યના સાથીઓ છે. એકલવ્યે પોતે અંગુઠો ગુમાવીને આ આખી ભીલ જાતિને વધારાના અંગુઠા બક્ષી દીધા છે.

તેમને એટલી ખાત્રી થઈ ગઈ કે જેમ એકલવ્યનો અંગુઠો લીધા પછી પણ આ લોકો વગર અંગુઠે નિપુણ બન્યા તેમ આ તમામના બંને અંગુઠા લઈ લેવામાં આવે તો પણ એ બધાં બાકીની આંગળીઓ વડે કાબેલ બની શકે તેમ છે. એમના ગુરૂએ ગુમાવીને ઘણું મેળવ્યું છે.

એટલે તેમણે આ ભીલકુમારો પાસે તો ગુરૂદક્ષિણા તો ન માગી, સામા ધન્યવાદ અને શાબાશીના ઉમંગ ભર્યા ભાવ પાઠવ્યા પણ વિદાય થતી વખતે તેમને વિનંતી જરૂર કરી. એ વિનંતીમાં તેમણે કહ્યુ: 'મારા પરમ પ્રિય ભીલકુમારો! હું તમારી ખૂબ જ ઊંચી કક્ષાની ધનુર્વિદ્યાથી અત્યંત ખુશ થયો છું. આજે આ સ્પર્ધામાં મને આમંત્રણ આપી સાચે જ તમે મને અનેક રીતે ઉપકૃત કર્યો છે, પણ તમે કહો કે ન કહો છતાં મારૂ માનવું છે કે ગુરૂ વિના વિદ્યા આવતી નથી. આટલી ઉમદા તથા ઝીણવટભરેલી વિદ્યા તો નથી જ આવતી. એટલે હું તો તમારી સાથે તમારા એ ગુરૂને પણ હાર્દિક મુબારકબાદી પાઠવું છું. અને આપના ગુરૂ હોય તેને મારો આટલો સંદેશો પહોંચે એમ હું ઈચ્છું છું. સંદેશો એટલો જ છે કે ગુરૂ દ્રોણની કામનાઓ સદા તમારી સાથે જ છે. અને ગુરૂ દ્રોણ એમની પાસે એટલું જ વચન માગે છે કે પ્રગટ-અપ્રગટ, છાનો-ઉઘાડો જે સહકાર એમના તરફથી મળ્યો છે, તેવા જ સહકાર ભવિષ્યમાં પણ મળતો જ રહે.'

ગુરૂ દ્રોણ આ વાત પણ હજી કંઈક મગરૂબીથી કહેતા હતા. પછી ધીમે રહીને એ ભીલ શિષ્યોના નેતા ગણાતા એક તીરંદાજને કહ્યું: 'તારા ગુરૂને કહે જે ભાઈ કે લાજ રાખી છે તો રાખી જાણે, ટેક લીધી છે તો પાળી જાણે અને ગુરૂ માન્યા તો માની જાણે.'

એ સંદેશો એકલવ્ય સુધી પહોંચી જ ગયો. એકલવ્ય સમજી ગયો. તેને પણ થયું કે ગુરૂની વાત સાચી છે. તેણે અંગૂઠો એટલા ખાતર આપ્યો છે કે ગુરૂની લાજ રહે. તેણે ગુરૂદક્ષિણા એ શુભ દાનતથી આપી છે કે જેથી ગુરૂને કોઈ ચિંતા

ન રહે.

જો તેના અંગુઠા આપ્યા બાદ ગુરૂને સદાય ચિંતા રહેતી હોય તો શિષ્યના એ દાનનો કોઈ અર્થ નથી.

ઉપરની સ્પર્ધાના થોડા દિવસો રહીને જ ગુરૂદ્રોણના આશ્રમમાં કેટલાક ભીલકુમારો આવ્યા. દૂર ઊભા રહ્યા.

ગુરૂદ્રોણે પુછ્યું: 'અરે! તમે તો કુશળ ધનુર્ધારીઓ છો. દુર કેમ ઉભા છો ? નજીક આવો.'

ભીલકુમારોએ નમ્રતા સહીત કહ્યું: અમે અહીં જ ઠીક છીએ. આપ અહીં આવી શકશો ?

ગુરૂદ્રોણ તેમની પાસે ગયા.

ભીલકુમારો કહે, 'અમે જંગલના જીવ છીએ. જંગલી હિંસક જીવોની વચમાં રહેવું પડે છે એટલે ધનુર્વિદ્યા ના કેટલાક ચપળ પાઠ અમારે હસ્તગત કરવા જ પડે છે. તમને વાંધો ન હોય તો અમે એ પાઠ મિત્રભાવે આપના શિષ્યોને શીખવાડવા તૈયાર છીએ.

ગુરૂદ્રોણ એક વખત તો એ માટે તૈયાર થઈ ગયા. પછી તેમને થયું કે કદાચ અર્જુને એ નહિં ગમે ભીમ, દુર્યોધન કે કર્ણ દુઃશાસન એનો વિરોધ પણ કરશે.

એટલે તેમણે કહ્યું: 'ના મારા શિષ્યોને શીખવાડવાની જરુર નથી. પણ તે પહેલાં આપ જો એ વિદ્યા મને શીખવી દો તો હું પછી તેમને...'

અને... ભીલકુમારો તો એ વાતમાં મંજુર રાખવા જ આવ્યા હતા.

ગુરૂદ્રોણ એક અચ્છા ધનુર્ધારી અને પાવરધા નિશાનબાજ હતા. પણ તેઓ જે વિદ્યા નહોતા જાણતા એ બાકીની ધનુર્વિદ્યા છુપી રીતે તેમણે ભીલકુમારો પાસે શીખી લીધી.

ગુરૂ કરતાં શિખ્ય સવાયા નીકળે છે.

ગુરૂ પાસે શિષ્ય શીખે છે એવું જ નથી., શિષ્ય પાસે પણ ગુરૂને શીખવું પડે છે.

એકલવ્યની એવી અનેક કુશળ વિદ્યા ગુરૂદ્રોણ ભીલકુમારો પાસે શીખી શક્યા.

અને પછી...તેમણે એ તમામ વિદ્યા રાજકુમારોને શીખવાડવા માંડી.

અર્જુનને તેમણે ઝાડ પરના હિંચકા પર અદ્વર ઊભા રહેતાં શીખવ્યું. હાલતાં હિંચકા પર સમતુલા જાળવી સ્થિર કમાન પકડતાં શીખવ્યું અને એવી રીતે ડોલતાં આસને નીચુ જોઈ કે ઉપર નિશાન તાકતા શીખવ્યું.

અર્જુન એ નિશાનબાજીમાં પાવરધો બન્યો. આગળ ઉપર તે એજ અલભ્ય વિદ્યા વડે દ્રૌપદીને જીતી શક્યો હતો. 

દ્રૌપદીને મેળવવા માટે તેને ત્રાજવામાં ઉભા રહેવાનું હતું. નીચે પાણીમાં જોવાનું હતું અને પાણીમાં માછલીના પડછાયામાં દર્શન કરી ઉપર ગોળ ફરતી માછલીને વીંધવાની હતી.

અર્જુન એ નિશાન તાકી ગુરૂદ્રોણની લાજ રાખી શક્યો દ્રૌપદીને મેળવી શક્યો.

પણ ગુરૂની એ જગાએ પણ સાચી લાજ કોણે રાખી હતી ?

કહે છે ત્યારે એકલવ્ય પણ ત્યાં જ પહોંચ્યો હતો. તે ધારત તો અર્જુન પહેલો તે જ ત્રાજવામાં ઊભો રહી ઉપરની ફરતી માછલીને વીંધી શકત પણ... ત્યાં પણ તેને ગુરૂજીના શબ્દો યાદ આવ્યા 'લાજ રાખજે. ટેક રાખજે.'

એકલવ્યે બીજી વખત ગુરૂદ્રોણની લાજ રાખી હતી ટેક રાખી હતી.

...અને એ રીતે શાંત રહીને, તેણે માત્ર ગુરૂને જ આગળ વધાર્યા ન હતા, ખુદ અર્જુનને પણ જિંદગીના સર્વસુખો તથા કીર્તિ પ્રાપ્ત કરવાની તક પૂરી પાડી હતી.

એકલવ્યના છાના ઉપકારો માત્ર ગુરૂ પર જ ન હતા, અર્જુન પર પણ હતા.

અર્જુન મહાન હતો, કારણ કે એકલવ્ય શાંત હતો.

અને એકલવ્ય માત્ર શાંત જ ન હતો, તેની શક્તિ ઉદારતા તથા ખુશીથી ભરેલી હતી. ખુશી ભરેલી શાંતિથી એ નવનિર્માણ કરતો હતો. પોતાની જાતનું, પોતાની જાતિનું, પોતાના સાથીઓનું પાછળ પડેલાઓનું, હડધૂત થયેલાઓનું.

પણ એના નવનિર્માણમાં કોઈ રોષ કે હિંસા ન હતા. વેર કે વિખવાદ ન હતા. તેની તો નવનિર્માણ પદ્વતિ જ કોઈક જુદી હતી. એ પદ્વતિમાં ઉદારતા, ત્યાગ, પરિશ્રમ, પરોપકાર તથા આનંદ તો ભારોભાર હતા.

ખરૃં છે શિષ્ય એક વચની, એકટેકી, એકલક્ષી, એકધ્યેયી, એક નિષ્ઠાવાન બનીને જ એકલવ્ય બની શકે છે. એકલવ્ય બનીને તમામ શિષ્ય જાતિનો ઉદ્વાર કરી શકે છે. શિષ્ય જાતિનો અને ગુરૂ જાતિનો.