- 'રમવાનો આનંદ લેવાનો હોય, તેમાં હાર- જીત તો ચાલ્યા કરે. જો હારવાના ડરથી રમવાનું જ છોડી દઈએ તો આપણે કોઈ પણ રમત રમી જ ના શકીએ. રમતમાં કેટલા બધા ખેલાડી હોય. બધા કંઈ જીતી શકતા નથી, પણ સૌ રમતનો આનંદ તો લે જ છે અને શીખે છે.'
- ડો. પ્રજ્ઞા કેયૂર પુરોહિત
શિવમ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. વર્ગમાં શિક્ષક હંમેશાં તેના વખાણ કરતા. તેથી શિવમ હંમેશાં શાળામાં ખુશખુશાલ રહેતો, પરંતુ જ્યારે રમવાની વાત આવે ત્યારે એ લપાતો-છૂપાતો ફરે. તેના મિત્રો એને વારંવાર રમવા બોલાવે, પણ એ રમવા જાય જ નહીંને!
એક દિવસ શાળામાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. બધાં વિધાર્થીઓએ પોતાની મનગમતી રમતમાં ભાગ લીધો અને શિક્ષક પાસે નામ નોંધાવ્યું, પરંતુ શિવમ સ્પોર્ટ્સથી દૂર જ રહેવા માગતો હતો. તેણે એક પણ રમતમાં નામ નોંધાવ્યું નહીં. શિક્ષકને આશ્ચર્ય થયું. શિવમ પાસે જઈને એમણે પૂછયું- 'શિવમ, તું ભણવામાં તો હોશિયાર છે, પરંતુ સ્પોર્ટ્સમાં કેમ ભાગ લેતો નથી?'
શિવમ ભયભીત સ્વરે બોલ્યો, 'ટીચર, મને રમવું ના ગમે.' એટલું કહી એ ચૂપ થઈ ગયો.
શિક્ષક શિવમનું વર્તન સમજી ન શક્યા. તેમણે શિવમના ઘરે ફોન કરીને જાણવાની કોશિશ કરી. શિવમનાં દાદીએ કહે - 'શિવમ ભણવામાં તો ખૂબ હોશિયાર છે, પરંતુ રમતમાં તેને હંમેશા હારી જવાનો ડર સતાવે છે. તેથી તે એના ડરને કારણે ક્યારેય કોઈ સાથે રમતો જ નથી.' શિક્ષકે આ જાણીને મનમાં નક્કી કર્યું કે યોગ્ય સમય આવશે ત્યારે શિવમને રમતનું મહત્ત્વ જરુર સમજાવીશ.
શાળામાં રમતોત્સવ શરૂ થયો. બાળકો ખૂબ ઉત્સાહપૂર્વક સ્પર્ધામાં જીતવા માટે પ્રયત્ન કરતા હતા. શિવમના મિત્ર સુમિતે દોડમાં ભાગ લીધો હતો એટલે શિવમ તેની દોડ-સ્પર્ધા જોવા માટે મેદાન પાસે આવ્યો. દોડની સ્પર્ધા શરૂ થઈ ગઈ હતી. બધા જોર લગાવીને દોડતા હતા. અચાનક સુમિત દોડતાં દોડતાં પડી ગયો અને તેને પગમાં થોડું વાગ્યું. આ જોઈને શિવમ તરત જ તેને હાથ પકડી મેદાનમાંથી લઈ ગયો અને શિક્ષકની મદદથી તેને દવા લગાડી પાટો બાંધ્યો. શિવમ સુમિતને કહેવા લાગ્યો, 'આવી રમતો રમવી જ ન જોઈએ. જોયું કેવું વાગ્યું તને... અને તું હારી પણ ગયો.'
સુમિત કહે, 'અરે શિવમ, આવું બધું તો રમતોમાં ચાલ્યા કરે. જો આવી નાની-નાની વાતોથી ડરીને રમીએ તો રમવાની સાચી મજા માણી ન શકીએ.'
સુમિતની વાતો સાંભળી શિક્ષકે પણ તેમાં સૂર પૂરાવ્યો, 'સુમિતની વાત એકદમ સાચી છે. રમતોનો, રમવાનો આનંદ લેવાનો હોય, તેમાં હાર- જીત તો ચાલ્યા કરે. જો હારવાના ડરથી રમવાનું જ છોડી દઈએ તો આપણે કોઈ પણ રમત રમી જ ના શકીએ. રમતમાં કેટલા બધા ખેલાડી હોય. બધા કંઈ જીતી શકતા નથી, પણ સૌ રમતનો આનંદ તો લે જ છે અને શીખે છે. રમતો આપણા શારીરિક સ્વાસ્થ્ય માટે ખૂબ આવશ્યક છે. જેવી રીતે વાંચનથી માનસિક સ્વાસ્થ્યનો વિકાસ થાય તેવી જ રીતે ખેલ-કૂદથી શારીરિક સ્વાસ્થ્યનો વિકાસ થાય. જીતવાનો પ્રયત્ન હંમેંશા કરવો, પરંતુ હારી જઈએ તો ક્યારેય નિરાશ ન થવું. ફરી પ્રયત્ન કરવો અને રમવાનો આનંદ લેવો.'
શિવમને પોતાની ભૂલ સમજાઈ. એણે મનમાં નક્કી કર્યું કે હવે તે પણ હાર કે જીતનો વિચાર કર્યા વગર રમતનો આનંદ લેશે. તે શિક્ષકને કહેવા લાગ્યો, 'સર, હવે હું પણ સ્પર્ધામાં ભાગ લઈશ.'
શિક્ષક કહે, 'શાબાશ શિવમ, તું તો ઝડપથી સમજી ગયો. તો ચાલ, હવે ખો-ખોની રમત શરૂ થશે, સુમિતને પગમાં વાગ્યું તેથી તે નહીં રમી શકે તેના બદલે તું તેની ટીમમાં રમજે.'
આ સાંભળી સુમિતે પણ કહ્યું, 'હા, શિવમ. તેં મને ખો-ખો રમતાં ઘણી વાર જોયો છે, એટલે તું નિયમો પણ જાણે છે. તેથી તું મારી બદલે રમી શકીશ.'
શિવમની ભીતર નવો જ ઉત્સાહ જાગ્યો હતો. તેણે ખો-ખોની સ્પર્ધા માટે સંમતિ આપી.
ખો-ખોની સ્પર્ધા શરૂ થઈ. શરૂઆતમાં તે થોડો ગભરાયો પણ મેદાનમાં ઉતર્યા પછી ધીમે ધીમે તેનો આત્મવિશ્વાસ વધતો ગયો. રમતમાં એ પોતાની ટીમ માટે ખૂબ સારું રમ્યો. ટીમ જીતે કે ન જીતે, પરંતુ શિવમના ચહેરા પર એક અલગ જ આનંદ છલકાતો હતો. થોડા પોઈન્ટ માટે તેની ટીમ હારી ગઈ, પણ તેણે અનુભવ્યું હતું કે રમવાનો અલગ જ આનંદ છે.
સ્પર્ધા પૂરી થયા પછી શિક્ષકે શિવમને વખાણતા કહ્યું, 'અભિનંદન શિવમ! તું જીત્યો કે હાર્યો એ મહત્ત્વનું નથી, પરંતુ તું હવે હારવાના ડરને જીતી ગયો છે... અને એ જ સૌથી મોટી જીત છે.'
સુમિત પણ બોલ્યો, 'હવે સમજાયુંને મિત્ર? રમતમાં મજા તો ત્યારે જ આવે જ્યારે હાર-જીતની ચિંતા છોડીને દિલથી રમીએ.'
શિવમ ખુશ થઈને બોલ્યો- 'હા, હવે હું ક્યારેય હારથી નથી ડરવાનો, કારણ કે આજે હું હાર્યો નથી, આજે હું શીખ્યો!'


