Get The App

NO પ્લાસ્ટિક ! .

Updated: Nov 7th, 2025

GS TEAM

Google News
Google News
NO પ્લાસ્ટિક !                                      . 1 - image

- મેહુલ સુતરિયા

- જંગલનાં તમામ જનાવરોને ચકીબેનની વાત સમજાઈ

તેઓ ચકીબેનના 'નો પ્લાસ્ટિક' અભિયાનમાં જોડાયાં. હવે તમામ પશુ-પંખીઓ ઘરેથી જ કાપડની થેલી લઇને ખરીદી કરવા જવા લાગ્યાં.

એક ખૂબ મોટા જંગલમાં ચકીબેન રહેતાં હતાં. ચકીબેન આખા જંગલને પોતાનું ઘર માનતાં. જંગલ હંમેશા ચોખ્ખું રહે તે માટે તે પ્રયત્ન કરતાં.

એક દિવસ ફરતાં ફરતાં ચકીબેન જંગલમાં ભરાતા શાકમાર્કેટમાં આવી પહોંચ્યાં. ચકીબેને જોયું કે શાકમાર્કેટની આજુબાજુ ઘણી બધી પ્લાસ્ટિકની થેલીઓ પડી હતી. કાબરબેન, મેનાબેન, પોપટભાઈ, સસલાભાઈ બધાં પ્લાસ્ટિકની થેલીઓમાં શાકભાજી લઇ રહ્યાં હતાં. ચકીબેન ત્યાંથી આગળ વધ્યાં તો એક તળાવ આવ્યું. તળાવમાં પણ તેમણે પાણીની નકામી બોટલો, પ્લાસ્ટિકની થેલીઓ જોઈ. ચકીબેન તો આ જોઇને ખૂબ દુ- ખી થઇ ગયાં. તેમણે વિચાર્યું કે જો આ પ્રમાણે જ જંગલના પશુ-પંખીઓ કચરો ફેલાવતાં રહેશે તો જંગલની સુંદરતા નાશ પામશે અને જંગલમાં પશુ-પંખીઓ પણ નહીં રહી શકે.

ચકીબેને આ માટે એક ઉપાય વિચાર્યો. એકવાર તે શાકભાજી ખરીદવા શાકમાર્કેટમાં ગયાં. તેમણે તેમની પાસે ઘરેથી લાવેલી કાપડની થેલીઓમાં શાકભાજી લીધી. તેમણે દરેક શાકભાજીવાળાને કહ્યું, 'તમે ગ્રાહકોને પ્લાસ્ટિકની થેલી ન વાપરવા અને ઘરેથી કાપડની થેલી લઇ આવવા કહો.' 

પણ ચકીબેને જોયું કે તેમની આ સલાહની શાકભાજીના ફેરિયાઓ પર કોઈ અસર થઇ નહીં.

ચકીબેનને તો નક્કી કરી લીધું કે મારે જંગલમાંથી પ્લાસ્ટિકનો કચરો દૂર કરવો જ છે.

ચકીબેને એક સાંજે જંગલનાં તમામ પશુ-પંખીઓ માટે સભાનું આયોજન કર્યું. તેમણે દરેક પશુ-પંખીને પ્લાસ્ટિકના ઉપયોગથી જંગલને કેટલું નુકશાન થઇ રહ્યું છે તે વિશે સમજાવ્યું. તેમણે સૌ પશુ-પંખીઓને જ્યારે પણ માર્કેટમાં જાય ત્યારે ઘરેથી જ કાપડની થેલી લઇને જવા માટે ખાસ આગ્રહ કર્યો.

જંગલનાં તમામ જનાવરોને ચકીબેનની વાત સમજાઈ. તેઓ ચકીબેનના 'નો પ્લાસ્ટિક' અભિયાનમાં જોડાયા. હવે તમામ પશુ-પંખીઓ ઘરેથી જ કાપડની થેલી લઇને ખરીદી કરવા જવા લાગ્યાં. તમામ પ્રાણીઓ ચકીબેનના 'નો પ્લાસ્ટિક' અભિયાનનો પ્રચાર આખા જંગલમાં કરવાં લાગ્યાં.

ધીમે ધીમે શાકમાર્કેટના ફેરિયાઓ પર પણ આ અભિયાનની અસર થઇ. તેમણે પણ ગ્રાહકોને પ્લાસ્ટિકની થેલી નહીં આપવાનો નિર્ણય કર્યો.

થોડાં જ સમયમાં જંગલની કાયાપલટ થઇ ગઇ. હવે જંગલમાં ક્યાંય પ્લાસ્ટિકનો કચરો દેખાતો નથી. ચકીબેનનું 'નો પ્લાસ્ટિક' અભિયાન ખૂબ રંગ લાવ્યું.

તો, મારા ઝગમગ બાળમિત્રો તમે પણ આજથી બજારમાં ખરીદી કરવા જાઓ ત્યારે સાથે કાપડની થેલી લઇ જવાનું ન ભૂલતાં!

તો બોલો, તમે પણ જોડાશો ને ચકીબેનના આ 'નો પ્લાસ્ટિક' અભિયાનમાં?