- દાદાજીએ જોયું કે બંને બાળકોને મોબાઈલની ખોટી આદત પડી ગઈ છે. તેમણે બાળકોને મોબાઈલ છોડાવવા માટે જાતજાતની વાર્તાઓ બનાવી બનાવીને કહી, પણ....
- અર્જુનસિંહ કે. રાઉલજી
જીતુ અને નીતુ બે ભાઈબહેન. નાનપણથી જ બાળકો પોતાને પજવે નહીં એટલે એમની મમ્મીએ તેમને મોબાઈલની ટેવ પાડેલી. તેમાં બંને એવાં તો ટેવાઈ ગયાં કે હવે સ્કૂલે જતાં થયાં તો પણ મોબાઈલ તો જોઈએ જ. ખાવા બેસે એટલે સામે મોબાઈલ મુકવાનો. તો જ બંને ભાઈ બહેન ખાય. જો મોબાઈલ ના મળે તો ખાય પણ નહીં. જીતુ મોટો પાંચ વરસનો. પહેલાં ધોરણમાં ભણે, જયારે નીતુ નાની ત્રણ વરસની. એને જુનિયર કે.જી.માં મૂકી હતી, પણ એવો મોબાઈલ મેનિયા થઇ ગયેલો કે ઘેર હોય ત્યારે મોબાઈલ તો જોઈએ જ. તેના વગર ઘડીવાર પણ ના ચાલે.
એવામાં ગામડેથી તેમના દાદાજી આવ્યા. તેમણે જોયું કે બંને બાળકોને મોબાઈલની ખોટી આદત પડી ગઈ છે. તેમણે બાળકોને મોબાઈલ છોડાવવા માટે જાત જાતની વાર્તાઓ બનાવી બનાવીને કહી કે મોબાઈલથી કેટલું બધું નુકશાન થાય છે, આંખો બગડે તે નફામાં. ભણવામાં ધ્યાન ના રહે, યાદશક્તિ ઘટી જાય, બરાબર ખોરાક ના લેવાય. આ બધી વાર્તાઓ સાંભળીને નીતુએ તો મોબાઈલ જોવાનું જ બંધ કરી દીધું, પણ જીતુને તો એમ હતું કે દાદાજી બધી બનાવટી વાતો કરી કરી મોબાઈલ છોડાવવા માગે છે, એટલે તેણે મોબાઈલ જોવાનું ચાલુ જ રાખ્યું.
દાદાજીએ તેને ચેતવ્યો પણ ખરો કે આંખો બગડશે અને જાડા જાડા ગ્લાસના ચશ્માં પહેરવા પડશે... પણ જીતુ જેનું નામ. તે આ ટેવ ના જ ભૂલ્યો. ખાવા બેસે એટલે મોબાઈલ તો જોઈએ જ!
એવામાં એક દિવસ ગણિતનાં મેડમ બધાં બાળકોને વર્ગમાં બોર્ડ ઉપર લખી લખી દાખલા પૂછી રહ્યાં હતાં. તેમણે બોર્ડ ઉપર લખ્યું: ૩+૨ =? એમણે જીતુને ઊભો કર્યો અને પૂછયું, 'બોલ જીતુ, જવાબ શું આવશે?' પણ જીતુ કશું બોલે નહીં. માત્ર બોર્ડ તરફ જ તાકી રહે. મેડમ ગુસ્સે થઇ ગયાં ,'આટલું પણ નથી આવડતું? તું પરીક્ષામાં શું કરીશ? નાપાસ થઈશ તો?' એમ કહીને જીતુને બેસાડી દીધો અને બીજી છોકરીને ઊભી કરી પૂછયું. તેણે તરત જ કહી દીધું,'મેડમ, પાંચ.' મેડમે તેને શાબાશી આપી અને જીતુને ફરી ટોણો માર્યો કે તને આટલો સહેલો દાખલો પણ ન આવડયો. તેમણે જીતુને ફરીથી ઊભો કર્યો અને બોર્ડ ઉપર લખ્યું: ૧+૧ =? પછી કહ્યું, 'બોલ જીતુ, હવે તો જવાબ બોલ!' જીતુ બોર્ડ તરફ તાકી જ રહ્યો એટલે મેડમ ફરીથી ગુસ્સે થયાં. પોતાનો મોબાઈલ કાઢીને જીતુની મમ્મીને ફોન કર્યો, 'તમે અથવા જીતુના પપ્પા કોઈપણ તાત્કાલિક સ્કૂલમાં આવી જાવ.' જીતુની મમ્મીને તો ધ્રાસકો પડયો. જીતુને કઈ થયું હશે? કે પછી જીતુએ કંઈ તોફાન કર્યું હશે? એ તો તાત્કાલિક જીતુના વર્ગમાં દોડી આવી. મેડમે બોર્ડ ઉપર દાખલો રહેવા દીધો હતો અને જીતુને પણ ઊભો રાખ્યો હતો. જીતુની મમ્મી આવી એટલે બોલ્યાં, 'તમારા જીતુને આટલો સહેલો દાખલો પણ આવડતો નથી...' જીતુની મમ્મીએ દાખલો વાંચ્યો અને બોલી, 'જીતુ, તને ૧+૧ પણ નથી આવડતું ?' જીતુ તરત બોલ્યો, 'મમ્મી.. ૨!' મેડમ બોલ્યાં,'તો પછી ક્યારનો બોલતો કેમ નથી ?' જીતુ મમ્મી તરફ જોઈને કહે, 'મમ્મી, મને બોર્ડ ઉપર લખેલો દાખલો વંચાતો જ નહોતો તો હું શંુ બોલું?'
મેડમ તરત જ બોલ્યાં, 'મોબાઈલ મંતરે છે ને આખો દિવસ?' મમ્મીએ કહ્યું, 'હા. જુઓને, મોબાઈલ મુકતો જ નથી.' મેડમ જીતુ તરફ જોઈને બોલ્યાં, 'દેખાતું બધું જ બંધ થઇ જશે અને આંધળો થઈ જઈશ. મોબાઈલ જોવાનું સાવ બંધ કરી દે.'
પછી પહેલી બેંચ ઉપર બેઠેલા શાર્દુલને ઊભો કર્યો. તેણે ચશ્માં પહેરેલા હતાં. વળી, ચશ્માંના કાચ પણ ઘણા જાડા જાડા હતા. મેડમ બોલ્યાં, 'જો જીતુ, આ શાર્દુલ આખો દિવસ મોબાઈલ જોયા કરતો હતો એટલે એની આ દશા થઇ, તું પણ જો મોબાઈલ જોવાનું બંધ નહી કરે તો આના કરતાં પણ જાડા કાચનાં ચશ્માં પહેરવા પડશે અથવા તો બ્લાઇન્ડ થઇ જઈશ.'
જીતુ ગભરાઈ ગયો હતો. એ બોલ્યો, 'મેડમ હવે હું ક્યારેય મોબાઈલ હાથમાં નહી લઉં, મોબાઈલ નહી જોઉં. મમ્મી, આઈ પ્રોમિસ!'
મેડમ અને તેની મમ્મીએ તેને તાળીઓ પાડી વધાવી લીધો. અને તે દિવસથી જીતુએ મોબાઈલ જોવાનું બંધ કરી દીધું!


