Get The App

નવા વર્ષોનો સંકલ્પ .

Updated: Jan 2nd, 2026

GS TEAM

Google News
Google News
નવા વર્ષોનો સંકલ્પ                                . 1 - image

- ભારતી પી. શાહ

૨૦૨૫ જૂનું વર્ષ પૂરું થયું, નવા વર્ષનું આગમન થયું. તેથી સૌ થનગની રહ્યા છે. નવા વર્ષને વધાવવા માટે તમે ઉચ્ચ સંકલ્પો એટલે કે ન્યુ યર રિઝોલ્યુશન કર્યા? 

હાલ સમગ્ર વિશ્વએ જળપ્રલયનો દુખદ અનુભવ કર્યો છે. અનેક લોકોએ પોતાનાં સ્વજન, ઘર, કામકાજ ગુમાવ્યા છે. આવી કઠિન પરિસ્થિતિમાં સૌએ ગરીબ, લાચાર, દીનદુખિયાને અન્ન, રહેઠાણ, કામ આપવાનો સંકલ્પ કરવો જોઈએ. જરૂરિયાતમંદને આપણે દવાદારૂ આપીને મદદ કરીએ, નિરાધારની ટેકણલાકડી બનવાનો સંકલ્પ કરીએ. દુખિયાની ઝોળી ખુશીઓથી ભરી દઈએ, તેમના મનના બારણે હિંમત અને દિલાસાનાં તોરણ બાંધવાના સંકલ્પ કરીએ.

મિત્ર, સગા-સ્નેહી, પડોશી, અન્યની સાથેના વેરઝેર, દ્વેષ, હિંસા ભૂલી જઈને સુખશાંતિના સંકલ્પ કરી લઈએ.

'મારું-મારું'ની ભાવના જલાવી દઈને, 'લેટ ગો'ના દીવડા પ્રગટાવી દઈએ. મનમાં ત્યાગની ભાવનાને પોષીએ. સૌના સાથ સાથે સૌના વિકાસનો સંકલ્પ કરીએ.

માનવના મુખ પર છવાઈ ગયેલાં ગમગીનીના વાદળ હટાવીને, હાસ્ય-આનંદનાં ફૂલડાં જીવનબાગમાં ઉગાડવાનો સંકલ્પ કરીએ.

સમય તો પસાર થયા કરશે. આપણે જાણતા નથી કે ભવિષ્યનો સમય કેવો આવશે? ચારેકોર ઉચાટભર્યું વાતાવરણ પકડ જમાવતું જાય છે, મનુષ્ય ડરીડરીને જીવી રહ્યો છે. આપણાં સંતાનોના ભવિષ્યની ચિંતા સૌને સતાવી રહી છે. વિશ્વમાં વ્યાપેલી હિંસા, અશાંતિ, સ્વાર્થ સમગ્ર માનવજાતને પીંખી રહી છે, પરિણામે મનુષ્ય અશાંત બનતો જાય છે.

આપણે સૌ વિશ્વમાં સુખશાંતિ સ્થાપવા, વિશ્વને મંગલમય બનાવવાનો સંકલ્પ કરીએ. માત્ર વડીલોએ જ નહીં, પરંતુ સમસ્ત બાળજગતે પણ વિશ્વના મંગલમયની ભાવના કરવી જોઈએ.

આ નવા વર્ષના પ્રારંભે આપણે સૌ બે હાથ જોડી, શીશ ઝૂકાવી પ્રભુને પ્રાર્થના કરીએ તે આપણને હિંમત અને શક્તિ આપે, જેથી આપણે સમગ્ર વિશ્વમાં 'શાંતિના પારેવાં' ઉડાડી શકીએ. અને 'પંચશીલ'નો સંદેશો ફેલાવી શકીએ. આપણો ધર્મ સદ્ઉપદેશના મોતીથી ભરેલો છે, આવા અણમોલ મોતી બધે વેરી દઈએ. ઁ શાંતિના સંકલ્પ સાથે...