Get The App

નહેરૂનું સ્નાન સત્યાગ્રહ .

Updated: Dec 5th, 2025

GS TEAM

Google News
Google News
નહેરૂનું સ્નાન સત્યાગ્રહ                                    . 1 - image

- પોલિસે સત્યાગ્રહીઓને રોક્યા, અટકાવ્યા. આગળ વધતા બંધ કરી દીધા.ધોમ તડકો તપતો હતો. પરવા નહીં. સત્યાગ્રહીઓ તો ત્યાં જ બેસી ગયા.

- હરીશ નાયક

તે વખતે અંગ્રેજોનું રાજ્ય. આપણા દેશ પર જાત જાતનાં બંધનો નાખે. અલ્હાબાદ મુકામે સંગમસ્થળે મોટો કુંભ મેળો ભરાય.

એ મેળાને ભારતવાસીઓ પવિત્ર લેખે. હજારો માણસ ત્યાં ભેગું થાય. સંગમનું સ્નાન તો ભારે પુણ્યશાળી મનાય.

અને... અંગ્રેજ સરકારે કાયદો કર્યો હતો કે, 'કુંભમેળા વખતે ગંગા નદીમાં કોઈએ નહાવું નહીં.'

કેવો વિચિત્ર હુકમ!

પંડિત મદનમોહન માલવિયજીએ આ હુકમનો વિરોધ કર્યો. તેમણે તો જણાવી દીધું, અંગ્રેજ સરકારને કહેજો એ હુકમ પાછો નહીં ખેંચાય તો સત્યાગ્રહ થશે.

સત્યાગ્રહનું નામ પડયું કે જવાહરલાલ આગળ. તેમણે નામ નોંધાવી દીધું.

સત્યાગ્રહ શરૂ થયો. આગળ માલવીયજી, સાથે અને પાછળ બસો બીજા સત્યાગ્રહીઓ.

કાયદો તોડી બધા ગંગામાં નાહવા માટે ઉપડયા, 'ગંગા હમારી હૈ, હમ ઈસમેં નહાકે રહેંગે.'

રસ્તામાં હથિયારબંધ પોલિસ ગોઠવાઈ ગઈ હતી. ઘોડેસવાર પોલિસ પણ હતી.

પોલિસે સત્યાગ્રહીઓને રોક્યા, અટકાવ્યા. આગળ વધતા બંધ કરી દીધા.

ધોમ તડકો તપતો હતો. પરવા નહીં. સત્યાગ્રહીઓ તો ત્યાં જ બેસી ગયા.

પણ સમય આગળ વધ્યો. સૂરજ આગળ વધ્યો. તાપ કહે મારૃં કામ રેતી તો તપીને વરાળ કાઢવા લાગી.

બે કલાકમાં તો બધા જ ત્રાસી ગયા. જવાહરથી આ કેમ સહન થાય? અલ્યા નદી અમારી અને કાયદો તમારો! હટ! પાસે જ ઠંડા પાણીની નદી વહેતી હોય અને અહીં તરફડીને મરી જઈશું?

એમણે બે ત્રણ સત્યાગ્રહીઓ સાથે મસલત કરી.

પોલિસે વાડ કરી હતી. ભલે કરી. ચારેક જણા ઊભા થયા. ઊછળ્યા. વાડ કુદાવીને, પોલિસની નજર ચુકાવીને ઝંપલાવ્યું સીધું ગંગામાં.

ઠંડી નદી હતી અને તપેલા સત્યાગ્રહીઓ હતા.

પોલિસે જોયા કર્યું, જવાહરે છબક છોઈયાં કરીને નાહ્યા કર્યું.

પોલિસે જોયા જ કર્યું, કેમકે સત્યાગ્રહીઓને માત્ર રોકવાનો હુકમ હતો. પકડવાનો હુકમ ન હતો. તેમાંય જવાહરને પકડવાનો હુકમ તો હતો જ નહીં!

પોલિસોની સામે જોઈ જવાહર મસ્તીમાં નહાતા હતા. પાણી ઉડાડતા હતા.