Get The App

લીમડો કડવો ખરો, પણ નરવો બહુ

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
લીમડો કડવો ખરો, પણ નરવો બહુ 1 - image

- 'બાળકો! હું તો અહીં બપોરના સમયે તમારી સાથે રમવા માટે ઊભો છું. જ્યારે પણ ગરમી લાગે, ત્યારે મારી છાયામાં આવી જજો. હું તમને હંમેશા ઠંડક અને ઔષધ આપતો રહીશ.'

- વાસુદેવ સોઢા

ચૈત્ર મહિનો. માથું ફાડી નાખે એવો તડકો હતો. વળી બપોર. બપોરનો તડકો આકાશમાંથી આગના ગોળા વરસાવી રહ્યો હતો. ગામના પાદરે ઉભેલાં તમામ ઝાડ પણ ગરમીથી કંટાળી ગયાં. પાંદડાં સંકોચીને બેસી ગયાં. પક્ષીઓ પણ આ બપોરમાં બહાર નીકળવાની હિંમત નહોતાં કરતાં. આ સમયે ગામની ભાગોળે કલરવ, પિન્કુ, રિયા અને રોહન - આ ચાર મિત્રો બપોરની રમત રમવા નીકળ્યા હતાં.

એમને તો બપોરની ગરમીની કોઈ પરવા જ નહોતી. તેમના માટે તો બપોરનો આ સમય રમવાનો, હસવાનો અને મસ્તી કરવાનો હતો. તેઓ 'થપ્પો' રમી રહ્યાં હતાં. રિયાએ કલરવને કહ્યું, 'કલરવ, ચાલ હવે તારો દાવ!' 

કલરવ તૈયાર થઈ ગયો. રોહન બોલ્યો, 'બધાં છુપાઈ જાઓ!'

કલરવે એક, બે,ત્રણ, ચાર.... ગણવાનું શરૂ કર્યું. બાકીના મિત્રો આસપાસ છુપાઈ ગયાં. પિન્કુ એક મોટી દુકાનની પાછળ સંતાયો, રિયા એક દીવાલની પાછળ અને રોહન એક નાના ઝાડના ઓથે જઈને બેઠો. કલરવે ગણવાનું પૂરું કર્યું.  પછી 'છુપાઈ જજો... આવું છું...!' કહીને મિત્રોને શોધવા નીકળ્યો.

રમત તો જામી હતી, પણ તડકો વધી રહ્યો હતો. કલરવને તડકો અસહ્ય લાગવા માંડયો. તેને ગરમીથી ગભરામણ થવા લાગી. તેનું મોં લાલચોળ થઈ ગયું હતું. તે હાંફી રહ્યો હતો. અરે, આટલી ગરમી કેમ વધી ગઈ છે? તેણે મનમાં વિચાર્યું. તેણે મિત્રોને શોધવાનું તો ચાલુ રાખ્યું, પણ હવે તેને ચક્કર આવવા લાગ્યા હતા.

પિન્કુ તેની સંતાવાની જગ્યા પરથી જોઈ રહ્યો હતો. તેણે જોયું કે કલરવને કંઈક થતું હતું. તે કલરવ પાસે ગયો અને પૂછયું, 'શું થયું કલરવ? તું આટલો લાલચોળ કેમ થઈ ગયો છે?'

કલરવ કઈ જ જવાબ આપી શક્યો નહીં. તેને ખૂબ જ ગભરામણ થવા લાગી. તેને લાગ્યું કે તે પડી જશે. રોહન અને રિયા પણ તેની પાસે દોડી આવ્યાં. રોહન બોલ્યો, 'કલરવ, તું ઠીક છેને?'

બધાં બાળકો ગભરાઈ ગયા. તેઓ સમજી શકતા નહોતાં કે કલરવને શું થઈ રહ્યું છે. રિયા બોલી, 'ચાલો, તેને ઘરે લઈ જઈએ...' પિન્કુએ કહ્યું, 'ના, પેલા દુકાનવાળા અંકલ પાસે લઈ જઈએ...' બધાં બાળકો કલરવને પકડીને તેને મદદ  કરી રહ્યા હતા, પણ કલરવનો અવાજ  નીકળી રહ્યો ન હતો.

આ બધા કોલાહલ વચ્ચે, નજીકમાં જ ઉભેલો ઘેઘૂર લીમડો આ બધું જોઈ રહ્યો હતો.

લીમડાના ઝાડનું કદ ખૂબ જ મોટું હતું અને તેનું ડાળીઓ ફેલાયેલી હતી. તેના પર નાનાં નાનાં સફેદ ફૂલ (મોર) આવ્યાં હતાં. તેણે બાળકોને ગભરાઈ ગયેલાં જોયા. તેનો જીવ બળી રહ્યો હતો.

લીમડાએ તેનાં પાંદડાંહલાવીન,  પવનમાં ઝૂલીને કહ્યું, 'અરે, બાળકો! ગભરાશો નહીં. હું અહીં છું.'

બાળકો આશ્ચર્ય પામીને અહીં-તહીં જોવા લાગ્યાં. રોહન બોલ્યો, 'આ કોણ બોલ્યું?'     

લીમડાએ જવાબ આપ્યો, 'હું, તમારા બાજુમાં જ ઉભેલો ઘેઘૂર લીમડો!'

'બાળકો આ સાંભળીને આશ્ચર્યમાં મૂકાઈ ગયાં. તેમણે ક્યારેય ઝાડને બોલતા સાંભળ્યું નહોતું. રિયા બોલી, 'તમે બોલો છે? કેવી રીતે?'

લીમડાએ હસીને કહ્યું, 'હા, હું બોલું છું. હું ઘણા વરસોથી  અહીં છું. મેં તમને બધાંને મોટા થતાં જોયા છે. કલરવને આ ગરમીમાં તકલીફ થઈ રહી છે, રાઇટ?'

લીમડાએ આગળ કહ્યું,  'અત્યારે ચૈત્ર માસ ચાલે છે, એટલે તડકો તો લાગે જ. કલરવને ઉનાળાની ગરમીથી ખૂબ જ ગભરામણ થઈ રહી છે. હું તમને એક ઉપાય આપું?'

પિન્કુએ પૂછયું, 'હા, કહો! અમારે શું કરવું જોઈએ?'

લીમડાએ બાળકોને પોતાનાં ફૂલો (મોર) ખાવાની સલાહ આપી. તેણે કહ્યું, 'જો તમે કલરવને થોડા સમય માટે આ ફૂલ આપશો, તો તેને તરત જ ઠંડક મળશે. હું તો અહીં બધાને છાંયડો આપવા જ ઊભો છું. ગભરાશો નહીં, બાળકો!'

બાળકો હજી પણ લીમડાની વાત સમજી શકતા નહોતાં. કલરવને ઠીક કરવા માટે શું કરવું તેની કોઈને ખબર નહોતી.

લીમડાએ ફરીથી બોલવાનું શરૂ કર્યું. 'તમે તો ફક્ત મને 'કડવો' સમજો છો, પણ હું તો ઘણા જ ગુણોથી ભરેલો છું.'

લીમડાએ પોતાના ગુણો ગણાવતા કહ્યું, 'જુઓ, મારાં પાંદડાં ખૂબ જ ઉપયોગી છે. તે લોહી શુદ્ધ કરે છે. ત્વચાના રોગોમાં પણ તે કામ આવે છે. મારાં ફૂલ (મોર) તો ખૂબ જ ઠંડક આપે છે. ગરમીના દિવસોમાં જો તેને ખાઈએ તો પેટમાં ઠંડક થાય છે અને શરીરમાંથી ગરમી ઓછી થાય છે.

'મારી છાલમાંથી દાંતના રોગો માટેનાં ઔષધો બને છે. તે દાંતને મજબૂત કરે છે.

'મારા બીજમાંથી તેલ બને છે, જે ખેતીમાં ઉપયોગી છે.

'...અને હા, હું તો આખા ગામને છાંયડો આપું છું. મારી ડાળીઓપવનમાંઝૂલીનેગરમીને દૂર ભગાડે છે...'

બાળકો લીમડાની આ વાતો સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયાં. તેમણે તો ક્યારેય આવું વિચાર્યું જ નહોતું. રિયા બોલી, 'અરે! લીમડો તો કેટલો ઉપયોગી છે!'    પિન્કુએ પૂછયું, 'તો શું, કલરવને લીમડાનાં ફૂલ ખવડાવવા જોઈએ?'

લીમડાએ આગ્રહ કર્યો. બાળકો તરત જ લીમડાનાં ફૂલો એકઠા કરવા લાગ્યાં. પિન્કુ કલરવને ફૂલ ખવડાવવા લાગ્યો અને રોહન અને રિયા તેને પાણી આપવા લાગ્યાં.

થોડા જ સમયમાં, કલરવને ઠીક લાગવા માંડયું. તેનું મોં ઠંડું થઈ ગયું અને ગભરામણ ઓછી થઈ ગઈ. તે મરકવા લાગ્યો અને બોલ્યો, 'વાહ, આ ફૂલ તો ખૂબ જ ઠંડાં હતાં. મને હવે સારું લાગે છે!'

બધાં મિત્રો ખૂબ જ ખુશ થઈ ગયા. કલરવ હવે ઠીક હતો. તેમણે લીમડાનો આભાર માન્યો. રોહન બોલ્યો, 'થેન્કયુ, લીમડા કાકા! તમારી મદદ બદલ ખૂબ જ આભાર.'

કલરવ હસતા હસતા બોલ્યો, 'મેં તો ફક્ત કડવો લીમડો જ જોયો હતો, પણ આજે તો મેં તેના મીઠા ગુણો જોયા!'

પિન્કુ બોલ્યો, 'સાચું કહું તો, લીમડો કડવો ખરો, પણ નરવો બહુ, હો!'

આ સાંભળીને બધાં બાળકો હસી પડયાં. લીમડો પણ પવનમાં ઝૂલીને હસી રહ્યો હતો. તેણે કહ્યું, 'બાળકો! હું તો અહીં બપોરના સમયે તમારી સાથે રમવા માટે ઊભો છું. જ્યારે પણ ગરમી લાગે, ત્યારે મારી છાયામાં આવી જજો. હું તમને હંમેશા ઠંડક અને ઔષધ આપતો રહીશ.'

તે પછી બાળકો લીમડાની છાયામાં રમ્યા. તેમણે તે દિવસથી નક્કી કર્યું કે તેઓ લીમડાના ગુણોને ક્યારેય ભૂલશે નહીં. તેમણે ગામના બધા જ લીમડાઓની સંભાળ રાખવાનું નક્કી કર્યું.

આમ, એ ચૈત્ર મહિનાની બપોરે બાળકોને કડવા લીમડામાંથી અનોખો અને મીઠો પાઠ શીખવા મળ્યો. તેઓ હવે જાણી ગયા હતા કે કુદરતે આપેલા દરેક જીવમાં કઈંક ને કઈંક વિશેષ ગુણ હોય જ છે, જે આપણી મદદ કરી શકે છે.