- ગાય, બકરી, ઘોડા, મૃગલાઓ ગરબે ઘૂમવા લાગ્યાં! જાણે ગામની ગોરીઓ ગરબે ઘૂમતી ન હોય!
- ઈશ્વર અંચેલીકર
એક વિશાળ જંગલ હતું. એ જંગલમાં અનેક પશુ-પક્ષીઓ વસવાટ કરતા હતાં. કમનસીબે જેમ જેમ માનવોનો વસવાટ વધતો ગયો, તેમ તેમ એ જંગલની ફરતે અનેક ગામડાં આકાર લેવા લાગ્યાં! સમય જતાં સરકારી અમલદારોએ આ નાના જંગલ ફરતે તારની વાડ બાંધી. તેથી બધાં પશુ-પક્ષીઓનાં રહેઠાણ સુરક્ષિત બની ગયાં.
આ જંગલમાં એક વનદેવીનું મંદિર હતું. આ વનના રાજાને આ વનદેવી ઉપર અપાર શ્રધ્ધા હતી. વનદેવી જંગલનાં સૌ જીવોનું રક્ષણ કરતાં.
સિંહ રાજા સૌ જંગલી જીવો ઉપર પ્રેમભાવ રાખતા હતા, છતાં પેટ તો સમય થાય એટલે અન્ન માંગ્યા વિના રહેતું નથી. તેથી સિંહ રાજાએ પણ અનીચ્છાએ દરરોજ એકાદ પશુનો શિકાર કરવા પડતો હતો.
આ જંગલમાં લીલા, સફેદ, રાતા પોપટોની વસ્તી પણ મોટા પ્રમાણમાં હતી. પોપટોને વનદેવીનું વરદાન મળ્યું હતું. એટલે તેઓ માનવીની ભાષા સારી રીતે સમજી શકતા હતા. જંગલનાં આજુબાજુનાં ગામડાંમાં આ પોપટો વારંવાર ફરવા જતા હતા. તેથી તેઓ ગામના લોકોના બધાં વહેવાર અને તહેવારથી જ્ઞાાત હતા. આ બધું જોઈને તેઓ ખૂબ ખુશ થતા.
એક દિવસ એ પોપટોના સરદાર રંગીલાને રાજા સિંહે પૂછ્યું, 'રંગીલા, મારી ઈચ્છા છે કે આપણે આ વનમાં ખાવા પીવા સિવાય અન્ય કોઈ પ્રવૃત્તિ કરતા નથી. મને આજે લખુ શિયાળ અને લાલુ કૂતરાએ વાત કરી કે, આપણી આજુબાજુનાં ગામડાનાં લોકોએ આનંદપ્રમોદનાં અનેક સાધનો શોધ્યા છે.' સિંહ રાજા વધુ બોલે તે પહેલાં રંગીલો પોપટ બોલ્યો-
'હા મહારાજ, ગામોમાં લોકો લીલા લહેર કરે છે ! ભગવાન કૃષ્ણની જન્માષ્ટમી, ગણેશોત્સવ, પિતૃ શ્રાધ્ધ... અરે... રાજાજી હવે નવરાત્રી નામનો ઉત્સવ આવશે! નવરાત્રીમાં માતાજીની પૂજા થશે. ગરબા ગવાશે... રંગબેરંગી રોશની થશે ! આબાલ-વૃદ્ધ મોડી રાત સુધી ગરબે ઘૂમશે, વાજીંત્ર વાગશે, મિઠાઈનાં પ્રસાદ વહેંચાશે. નાના નાના છોકરાંવ તો આ મિઠાઈની લાલચે રાત્રે મોડે સુધી ગરબા મંડપોમાં રમત રમે છે... રાજાજી, એવું કહેવાય છે કે આ તહેવારમાં દેવી પણ ગુપ્ત રીતે હાજર રહે છે.'
સિંહ રાજાએ પોપટોનાં સરદારને કહ્યું, 'પણ રંગીલા, આપણને તો ગરબા ગાતાં આવડે નહીં, જંગલમાં રોશની ક્યાંથી લાવીએ. મિઠાઈ બનાવતાં કોને આવડે ? વાજીંત્ર ક્યાંથી લાવીએ... વગાડે કોણ?'
પોપટોનો સરદાર રંગીલો બોલ્યો, 'રાજાજી, આ બધી ચિંતા તમારે નહીં કરવાની હોય. આપે કૂતરાં, ગાય, હાથી, ગધેડા, શિયાળ વિગેરે પ્રજાતિના સરદારનું બનાવેલું પ્રધાનમંડળ શું કામનું... ! તમે બધાની મીટીંગ બોલાવો, એટલે તે બધાને હું અને આપ, થોડું થોડું કામ વહેંચી આપીશું. તે પછી જુઓ, આ જંગલની નવરાત્રીની રોનક! કેવી મજા લાવશે ! એમાંય આપના ઉપર તો વનદેવીની કૃપા છે. માતા આપની બધી મનોકામના પૂર્ણ કરશે...'
રંગીલાના માર્ગદર્શન હેઠળ બીજા દિવસે વહેલી સવારથી સૌ પોતપોતાનાં કામે લાગી ગયાં, કારણ બે દિવસ પછી તો નવરાત્રી ઉત્સવનો પ્રારંભ થવાનો હતો. સમય ઓછો હતો, પરંતુ સૌનો ઉત્સાહ અપાર હતો.
હાથીઓએ વનદેવીના મંદિરની ફરતે ઉગેલાં નકામા ઘાસ-વેલા વગેરે ઉખાડીને દૂર ફેંક્યા, વિશાળ મેદાન બનાવ્યું. કબૂતર, ચકલી વગેરે પક્ષીઓએ મંદિરની અંદર બની ગયેલાં જાળાં તથા એમાં ફસાયેલાં જીવજંતુઓને બહાર ફેંક્યાં. ગાય, ઘોડા, ભેંસ વગેરેએ નદીના પાણી પોતાનાં મોંમાં ભરી, મંદિરની દીવાલો ઉપર છાંટી સાફસૂફી કરી. કૂતરા, બિલાડા વગેરેએ દિવાલો, ઘૂમટ ઉપર ચઢી બધો મેલ સાફ કર્યો. અંતે હાથીઓનું ટોળું પોતાની સૂંઢમાં પાણી ભરી ભરીને આવ્યું ને મંદિર ચોખ્ખું બનાવી દીધું !
આખરે નવરાત્રી ઉત્સવ શરૂ થયો. સમી સાંજથી પક્ષીઓએ અઢળક ફૂલો - ફળો ભેગા કરી વનદેવી મંદિરનાં ઓટલે મૂકી રાખ્યા હતાં !
રાત્રે આઠ વાગ્યે રાજા સિંહ, મંદિરમાં આવ્યા. એમણે પોતાના આગલા બે પગથી આરતીની થાળી પકડીને વનદેવી માતાની પૂજા કરી. જુગ્નુઓની મંડળીએ ઝબક ઝબક થઈને રોશની પ્રગટાવી. લક્કડખોદ પક્ષીઓએ લાકડાં ઉપર ચાંચ મારીને ઢોલક જેવો અવાજ કાઢ્યો. પોપટોએ માનવીના અવાજમાં ગરબા ગાયા. કોયલ, તમરાં, કબૂતર જેવાં અનેક પક્ષીઓએ પોતપોતાના અવાજમાંથી જુદાં જુદાં વાજીંત્રનાં સૂર છેડયા. ગાય, બકરી, ઘોડા, મૃગલાઓ ગરબે ઘૂમવા લાગ્યાં... ! જાણે ગામની ગોરીઓ ગરબે ઘૂમતી ન હોય... !
રાત્રે બાર વાગ્યે સિંહ રાજાએ મહોત્સવની પૂર્ણાહુતિ કરી. પછી ફળોનો પ્રસાદ વહેંચી સૌને વિદાય કર્યાં.
રાજા સિંહે રંગીલા પોપટને કહ્યું, 'રંગીલા, હવે તું આજથી મારો મનોરંજન પ્રધાન! માનવીના બધા વહેવારની નકલ જંગલમાં કરવાની જવાબદારી હવે તારી...!'
રંગીલો પોપટ તો ખુશ ખુશ! અન્ય પશુપક્ષીઓ પણ ખુશ!


