નવરાત્રિ .
- માનવીની આંખને પણ કમળ સાથે જ સરખાવવામાં આવી છે. એક કમળ નથી, માતા! તો હું તને બે નેત્રકમળની ભેટ ધરું છું. જો આ આંખના બદલામાં સત્યનો વિજય થતો હોય તો એ માટે પણ હું તૈયાર...'
- ખરી કટોકટી હતી, જીવસટોસટની ઘડી હતી.
- રામ, નવા જ રામ બનીને ઊભા થયા. નિરાશા-હતાશા ભાંગીને ચૂર ચૂર થઈ ચૂકી હતી.
રા મ-રાવણનું તુમુલ યુદ્ધ ચાલતું હતું. બંને પક્ષે અનેક યોદ્ધાઓ મરાતા હતા.
રામે પોતાની બધી જ શક્તિઓ ખર્ચી નાખી હતી. તેમની કોઈ વિદ્યા, કોઈ કળા કામ આવતી ન હતી, રાવણ મરાતો જ ન હતો. દર વખતે તે વધુ ને વધુ બળવાન બનીને સામો આવતો હતો.
રામ જેવા રામ હતાશ અને નિરાશ થઈ ગયા.
રાત પડી. વિશ્રાંતિનો પ્રહર શરૂ થયો. છતાં રામ એવા જ નાસીપાસ હતા.
યોદ્ધાઓ, સેનાપતિઓ, વ્યૂહરક્ષકો ભેગા થયા હતા. આગામી યુદ્ધની ચર્ચા ચાલતી હતી ત્યારે લક્ષ્મણે કહ્યું : 'ભાઈ! તમે આટલા મૌન કેમ છો? કઈ ચિંતા તમને ઘેરી રહી છે?'
રામ કહે : 'લક્ષ્મણ! મારી શક્તિ જવાબ આપી રહી છે. રાવણની તાકાત આગળ હું સાચે જ વામણો લાગી રહ્યો છું. એના એક પછી એક વિજય મારામાં શંકા પેદા કરી રહ્યા છે. મારી કોઈ વિદ્યા, કોઈ શસ્ત્ર હવે બાકી નથી કે જે વડે હું રાવણને પરાજિત કરી શકું.'
રામ આવી વાત કરે એટલે થઈ જ રહ્યું ને? સૈન્યના સેનાપતિએ તો હિંમતવાળા, બાહોશ અને તરવરાટવાળા જ રહેવું જોઈએ.
પણ સાચી વાત તરફ આંખ કેવી રીતે મીંચી શકાય?
રામે કહ્યું : 'મને કોઈ સલાહ આપો. ભેગા મળીને વિચારો કે આપણે શું કરવું?'
તરત જ રાવણનો ભાઈ વિભીષણ કહે: 'રામ, રાવણ તપસ્વી છે. તેણે તપ દ્વારા દેવી દુર્ગાને વશ કર્યાં છે. દુર્ગા પાસે તેણે પરમ શક્તિ મેળવી છે, એ અપાર શક્તિ આગળ તમે પણ શું કરી શકશો?'
જાંબુવાન કહે : 'રામ શું ન કરી શકે? તેઓ પણ માતા દુર્ગા પાસે અજેય શક્તિ માગી શકે છે. માતા પાસે પુત્રને માગવામાં શરમ શી? અને માતા તો શક્તિ સહુ પુત્રોને વહેંચીને આપે જ છે!'
જાંબુવાનની વાત સહુએ સ્વીકારી. માતાને ખુશ કરવા રામે આઠ દિવસની ઉપાસના કરવાનું નક્કી કર્યું.
તેમણે કહ્યું : 'તમે આઠ દિવસ યુદ્ધ ટકાવી રાખો. હું દેવી પાસે મહાશક્તિની આરાધના કરું છું.'
રોજનાં એકસો એક કમળ ઠેઠ પંપા સરોવરમાંથી મંગાવવામાં આવ્યાં અને રામે ઉપાસના શરૂ કરી.
સાત દિવસ સુધી તેમણે ખાધું નહીં, પીધું નહીં, આંખ પણ ઉઘાડી નહીં. હોઠ ઉપર મા દુર્ગા સિવાય બીજું કોઈ નામ નહીં.
આઠમા દિવસની રાત પડી. ઉપાસના પતવા આવી. છેલ્લું કમળ બાકી હતું.
રામે તે મેળવવા હાથ ફેરવ્યો.
પણ હેં! આ શું? છેલ્લું કમળ ન મળે!
એક કમળ વગર પૂજા અધૂરી રહેતી હતી. રામ એ કમળ શોધવા આંખ ઉઘાડે તો એમની ઉપાસના તૂટે. બંધ આંખે તો કમળ જડતું જ ન હતું.
અને... કમળ તો હતું જ નહીં.
ખરી કટોકટી હતી, જીવસટોસટની ઘડી હતી.
રામે વિચાર કર્યો નહીં. તેમણે તરત જ પોતાનું તીર ઉપાડયું. બંધ આંખો વડે જ તેમણે પાર્થના કરી : માતા, એક કમળ ખાતર મારી પૂજા અધૂરી રહેશે નહીં. માનવીની આંખને પણ કમળ સાથે જ સરખાવવામાં આવી છે. એક કમળ નથી, માતા! તો હું તને બે નેત્રકમળની ભેટ ધરું છું. જો આ આંખના બદલામાં સત્યનો વિજય થતો હોય તો એ માટે પણ હું તૈયાર...'
એક કહી જ્યાં રામ આંખ કાઢીને માતાને ચઢાવવા જાય છે ત્યાં જ માતા દુર્ગા પ્રગટ થયાં, હસ્યાં, હસીને કહે : 'રામ! હું જ તારી પરીક્ષા કરતી હતી. તારું છેવટનું કમળ જ સંતાડી દીધું હતું. એ મારી કસોટી હતી. મારી એ પરીક્ષામાં તું પાસ થયો છે. રામ! પુત્ર માગે અને માતા ન આપે એવું કંઈ બને કે? લે, આ મહાશક્તિ હું તને પ્રદાન કરું છું. આજથી તારા બાહુ, તારું ચિત્ત, તારા શસ્ત્રમાં એ મહાશક્તિ બિરાજેલી અને એ શક્તિ તને હંમેશાં નવી ચેતના તથા થનગનાટ પૂરી પાડતી રહેશે.'
માતા અંતર્ધ્યાન થઈ ગયાં.
રામ, નવા જ રામ બનીને ઊભા થયા. નિરાશા-હતાશા ભાંગીને ચૂર ચૂર થઈ ચૂકી હતી. નવી જાગૃતિ, નવો જુસ્સો, નવું જ જોમ તેમનામાં આવીને વસી ગયું હતું.
રામનું આ પરમ મહાશક્તિશાળી ચેતનવંતું નવું સ્વરૂપ જોતાં જ રામ-સેના પણ નવા ઉલ્લાસમાં આવી ગઈ. તેમણે બૂમ પાડી : 'રાજા રામચંદ્રની જે.'
અને એ પડકાર એવો હતો કે હવે રાવણની ખેર ન હતી. શક્તિ સામે મહાશક્તિ આવતી હતી.
શ્રદ્ધા તથા વિશ્વાસ સહિતની મહાશક્તિ કદી પરાજય પામે ખરી? યુદ્ધમાં રામનો વિજય થઈને જ રહ્યો.